Home Business Robert Kiyosaki 2026 2027 Great Depression Warning Gujarati

2026-2027માં આવશે મહામંદી! તમે કેટલા તૈયાર? : બરબાદ થશો કે માલામાલ?

Robert kiyosaki
Published by: Viral Patel
Last Updated: Apr 30, 2026, 02:57 AM IST

Samir Shukla, New Jersey, USA:'રિચ ડેડ પુઅર ડેડ' ના લેખક અને જાણીતા રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ ચેતવણી આપી છે કે "2026-2027માં બજારમાં મોટું પતન આવી શકે છે." કિયોસાકીએ 28 તારીખે X પર લખ્યું હતું કે, "આગામી કડાકો બીજી એક 'મહામંદી' Great Depression હોઈ શકે છે." તેમણે ઉમેર્યું, "શું તમે સંપૂર્ણપણે બરબાદ થઈ જશો, કે નસીબજોગે આ તકનો લાભ ઉઠાવશો?"

તેમણે જણાવ્યું હતું કે, "1987, 2000, 2008, 2015, 2019 અને 2022 ના બજારના કડાકા દરમિયાન, હું ગરીબ નહીં પણ વધુ અમીર બન્યો હતો." તેમણે વધુમાં ઉમેર્યું, "હું 2026-2027માં અપેક્ષિત આ ભીષણ કડાકા દરમિયાન પણ વધુ સમૃદ્ધ બનવાની યોજના બનાવી રહ્યો છું," અને આશા વ્યક્ત કરી કે અન્ય લોકો સાથે પણ આવું જ થાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "કડાકા, મંદી અને મહામંદી દરમિયાન, શ્રેષ્ઠ મિલકતો 'ડિસ્કાઉન્ટ' ભાવે ઉપલબ્ધ થાય છે." તેમણે આગ્રહ કર્યો કે, "વધુ સમૃદ્ધ બનવા માટે તૂટેલી મિલકતો ખરીદો. હિંમત ન હારો; તક ઝડપી લો."

બજાર તૂટે ત્યારે સસ્તી મિલકતો ખરીદો; વોરેન બફેટના $370B ના રોકડ અનામતનું ઉદાહરણ આપતા કહ્યું કે મંદીનો ફાયદો ઉઠાવવા તમારી પાસે પર્યાપ્ત બેંક બેલેન્સ હોવું જરૂરી છે.

કોણ છે કિયોસાકી ?

અમેરિકન ઉદ્યોગસાહસિક, રોકાણકાર અને લેખક છે, જેઓ તેમના 1997ના પર્સનલ ફાઇનાન્સ બેસ્ટસેલર પુસ્તક "રિચ ડેડ પુઅર ડેડ"માટે જાણીતા છે. તેઓ એક પ્રખ્યાત નાણાકીય વિવેચક છે જે નાણાકીય શિક્ષણ, passive income અને રિયલ એસ્ટેટ સહિત કોમોડિટીઝ જેવી મિલકતોમાં રોકાણ કરવાની તરફેણ કરે છે.

કિયોસાકીએ વૈશ્વિક નાણાકીય કટોકટીના સમયગાળા દરમ્યાન સોનું, ચાંદી અને બિટકોઈન જેવી ભૌતિક અને વૈકલ્પિક સંપત્તિઓ વધારવાની સલાહ આપી છે. તેમણે "રોકાણ ગુરુ" વોરેન બફેટનો ઉલ્લેખ કર્યો કે બફેટની આગેવાની હેઠળની બર્કશાયર હેથવે પાસે ગયા વર્ષના અંત સુધીમાં શેરબજારના સંભવિત પતનની તૈયારીના ભાગરૂપે 370 અબજ ડોલરથી વધુની રોકડ અનામત હોવાનો અંદાજ લગાવ્યો છે. જો કિયોસાકીની ભવિષ્યવાણી સાચી પડી અને 2026-2027માં મહામંદી આવી, તો તેની અસરો અત્યંત ગંભીર હોઈ શકે છે:

1. બેરોજગારીમાં વધારો:

વૈશ્વિક સ્તરે કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે મોટા પાયે છટણી કરી શકે છે. જો કે શરૂઆત થઈ ચૂકી છે.

2. શેરબજારમાં ઘટાડો:

રોકાણકારોની મિલકતોનું મૂલ્ય રાતોરાત ઘટી શકે છે, જેનાથી લોકોનો વિશ્વાસ ડગમગી જાય.

3. ખરીદશક્તિમાં ઘટાડો:

મોંઘવારી વધવાને કારણે અથવા આવક ઘટવાને કારણે લોકો ચીજવસ્તુઓની ખરીદી ઓછી કરશે, જે આર્થિક ચક્રને ધીમું પાડશે. છેલ્લા બે વર્ષમાં વૈશ્વિક સ્તરે મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે, વિચાર કરો મોંઘવારી હજુ કયા સ્તર પર પહોંચશે ?

કયા દેશોને સૌથી વધુ નુકસાન થઈ શકે?

અમેરિકા વિશ્વનું આર્થિક કેન્દ્ર હોવાને કારણે, કોઈપણ મોટી મંદીની શરૂઆત કે સૌથી મોટી અસર અહીં જોવા મળે છે. ડૉલરનું મૂલ્ય ઘટવાથી આખા વિશ્વને અસર થાય છે.

વિકસતા દેશોના અર્થતંત્ર પર અસર :

ભારત જેવા દેશોમાં વિદેશી રોકાણ (FII) ઝડપથી પાછું ખેંચાઈ શકે છે, જેનાથી શેરબજાર અને રૂપિયાના મૂલ્ય પર દબાણ આવશે. જોકે, ભારતનું સ્થાનિક બજાર મજબૂત છે, છતાં નિકાસ પર નિર્ભર સેક્ટર્સને ફટકો પડી શકે છે.

આવી જ સ્થિતિ બ્રાઝિલ પર થઈ શકે છે.

નિકાસ પર નિર્ભર દેશો પર અસર :

ચીન, જર્મની, જાપાન જે દેશોની અર્થવ્યવસ્થા અન્ય દેશોમાં સામાન વેચવા પર ટકેલી છે, તેઓને સૌથી વધુ નુકસાન થશે કારણ કે મંદીમાં વૈશ્વિક માંગ ઘટી જશે.

દેવાદાર દેશો પર તવાઈ આવશે :

શ્રીલંકા, પાકિસ્તાન કે આફ્રિકાના એવા દેશો જે પહેલેથી જ દેવામાં ડૂબેલા છે, તેઓ સંપૂર્ણપણે આર્થિક રીતે તૂટી શકે છે કારણ કે વ્યાજ દરો વધશે અને નવી લોન મળવી મુશ્કેલ બનશે.

કિયોસાકીનો સંદેશ સ્પષ્ટ છે: સંભવિત મહમંદી માટે તૈયારી રહો.

રોકડ વધુમા વધુ બચાવો, બિનજરૂરી ખર્ચને ઓળખી તેના પર તાત્કાલિક કાપ મૂકો. જ્યારે બજાર તળિયે હોય ત્યારે સોનું કે સારી કંપનીઓના શેર ખરીદવાની તૈયારી રાખો જેથી તમે મંદીને તકમાં બદલી શકો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now