Home Gujarat Relatives K Brother In Krishnanagar Police Station Area

કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગાભાઈએ જ ભાઈની કરી હત્યા : છરીના ઘા ઝીંક્યા, ચામુંડાની ચાલીમાં ચકચાર

કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગાભાઈએ જ ભાઈની કરી હત્યા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2026, 06:24 AM IST

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ચામુંડાની ચાલીમાં એક જ પરિવારના બે સગાભાઈઓ વચ્ચે થયેલા ઝઘડામાં હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં નાનાભાઈ સત્યેન્દ્ર સહાનીએ પોતાના સગા મોટાભાઈ જીતેન્દ્ર સહાનીની છરી વડે હત્યા કરી હતી. આ ઘટના 31 તારીખે બની હતી અને ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.

સગાભાઈએ ભાઈની હત્યા કરી

પ્રાપ્ત માહિતી મુજબ સહાની પરિવાર ચામુંડાની ચાલીમાં રહેતો હતો, જેમાં બે ભાઈઓ અને એક બહેન સાથે રહેતા હતા. મોટાભાઈ જીતેન્દ્ર સહાની કલરકામનું કામ કરતા હતા, જ્યારે નાનાભાઈ સત્યેન્દ્ર સહાની એમ્બ્રોઇડરી મશીનમાં કામ કરતો હતો. ઘટનાના દિવસે મોટાભાઈ ઘરનાં કલરકામમાં વ્યસ્ત હતા અને તેમણે બહેનને નાનાભાઈની મદદ લેવા માટે કહ્યું હતું. આ બાબતે નાનાભાઈ સત્યેન્દ્ર સહાની ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે બહેનને મારવા માટે દોડ લગાવી હતી. આ દરમિયાન મોટાભાઈ જીતેન્દ્ર સહાની વચ્ચે પડતા નાનાભાઈએ ઉશ્કેરાયેલા હાલતમાં છરી વડે મોટાભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં જીતેન્દ્ર સહાનીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ચામુંડાની ચાલીમાં ચકચાર

ઘટનાના બાદ ઇજાગ્રસ્ત હાલતમાં જીતેન્દ્ર સહાનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગઈ કાલે રાત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકની પત્ની પ્રિયંકા સહાનીએ પોતાના દિયર સત્યેન્દ્ર સહાની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે આરોપી સત્યેન્દ્ર સહાનીની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર મામલે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારની અંદરની નાની વાતમાંથી શરૂ થયેલો ઝઘડો હત્યામાં ફેરવાતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ સર્જાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now