Home Gujarat Reels Are Made Of People Drinking Alcohol But Liquor Sellers Are Not Caught

32,464 લોકો દારૂ પીતા પકડાયા : ફાર્મહાઉસ પર દારૂ પીનારાની રીલ્સ બને છે, પણ દારૂ વેચનાર પકડાતા નથી! ગોપાલ ઇટાલિયાનો સરકારને સવાલ

32,464 લોકો દારૂ પીતા પકડાયા
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 08:53 AM IST

Gandhinagar: વિધાનસભામાં પ્રશ્નોત્તરી મુદ્દે મીડિયા સાથે વાત કરતાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગઈ કાલે, 9 માર્ચ 2026ના દિવસે, વિધાનસભામાં મારો એક પ્રશ્ન હતો, ક્રમાંક 25. તે અત્યંત મહત્વનો અને આવશ્યક મુદ્દો હતો, પરંતુ સરકારે મને તેનો વાસ્તવિક જવાબ આપવાના બદલે ગોળગોળ જલેબી જેવો જવાબ આપ્યો. મારો ચોક્કસ પ્રશ્ન એવો હતો કે વડોદરા અને અમદાવાદમાં દારૂ પીધેલી હાલતમાં કેટલા લોકો પોલીસના ચોપડે પકડાયા, કેટલા લોકો સામે દારૂ પીવાના ગુના હેઠળ એફઆઈઆર નોંધાઈ, અને જેટલી એફઆઈઆર દારૂ પીવાની નોંધાઈ છે તેની સામે દારૂ વેચવાની કેટલી એફઆઈઆર નોંધાઈ?

પીનારાઓ પકડાય છે, દારૂ વેચનાર કેમ નહીં? : ગોપાલ ઇટાલિયા

સરકારે ગોળગોળ જલેબી જેવો જવાબ આપ્યો, મૂળ પ્રશ્ન ટાળ્યો : ગોપાલ ઇટાલિયા

દારૂ ક્યાંથી આવે છે તેની તપાસ કેમ નહીં? : ગોપાલ ઇટાલિયા

ફાર્મહાઉસ પર દારૂ પીનારાના રીલ્સ બને છે, પરંતુ દારૂ વેચનાર પકડાતા નથી : ગોપાલ ઇટાલિયા

જેટલા પીનારા એટલા વેચનારા હોવા જોઈએ : ગોપાલ ઇટાલિયા

ગોપાલ ઇટાલિયાએ કહ્યુંકે, સીધો પ્રશ્ન છે કે જે માણસ દારૂ પીવે છે તેની પાસે બે જ રસ્તા હોય છે, તે ઘરે બનાવીને પીવે અથવા બજારમાંથી ખરીદી કરે. સરકારે મને આપેલા આંકડા મુજબ 32,464 લોકો દારૂ પીતા પકડાયા છે. હવે પ્રશ્ન એ છે કે આ 32,464 લોકોએ કોઈ જગ્યાએથી દારૂ ખરીદ્યો હશે. તો સામે એટલા જ દારૂ વેચનારા કેમ પકડાતા નથી?

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતુ કે મારો સીધો સવાલ એવો હતો કે 32,464 લોકો પીતા પકડાયા, તો આ લોકોને દારૂ વેચનાર કોણ છે? ગુજરાતમાં તેઓ ક્યારેય પકડાતા કેમ નથી? ઘણી વખત મોટા ફાર્મહાઉસમાં જઈને દારૂ પીતા લોકો પકડાય છે, તેની રીલ્સ બનાવવામાં આવે છે અને જાહેર કરવામાં આવે છે, પરંતુ દારૂ વેચનાર ક્યાં છે?

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુંકે, જેટલા પીનારા હોય છે એટલા વેચનારા પણ હોવા જ જોઈએ, કારણ કે દરેક માણસ કોઈને કોઈ પાસેથી દારૂ ખરીદીને જ પીવે છે. છતાં સરકાર દારૂ વેચનારાઓની તપાસ કરતી નથી. માત્ર દારૂ પીતા કોઈ પકડાઈ જાય તો તેને પકડીને તમાશો કરવામાં આવે છે અને રીલ્સ બનાવી વાહવાહી લૂંટવામાં આવે છે. મારા પ્રશ્નનો વિધાનસભામાં જવાબ આપવા સરકાર તૈયાર નથી કે આ 32,464 લોકોએ દારૂ ક્યાંથી ખરીદ્યો, કોની પાસેથી લીધો, ક્યારે લીધો તેની તપાસ કેમ કરવામાં આવતી નથી.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુંકે, જો યોગ્ય તપાસ થાય તો દારૂ પીતા અને દારૂ વેચતા બંને મળીને 60 હજાર કરતા વધુ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. આ પરિસ્થિતિ એ દર્શાવે છે કે દારૂ વેચનારાઓના હપ્તા કદાચ ઊંચા સ્તર સુધી પહોંચતા હશે અને પીનારાઓ સામે જ કાર્યવાહી કરવામાં આવે છે. તેથી અમે સરકારનું ધ્યાન દોરીએ છીએ કે કાયદા મુજબ સમાન અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now