Home Sports Rcb Took A Hat Trick Of Victory Indias Star Bowler Took A Five Wicket Haul Gujarat Lost By 32 Runs

WPL 2026 માં RCB નો દબદબો : RCBએ જીતની હેટ્રિક લગાવી, ભારતની સ્ટાર બોલરે લીધો પાંચ વિકેટોનો ‘પંજૉ’; ગુજરાતને આપ્યો 32 રનથી પરાજય

WPL 2026 માં RCB નો દબદબો
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 04:18 AM IST

RCB vs Gujarat Giants WPL 2026: મહિલા પ્રીમિયર લીગ 2026 ની નવમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ગુજરાત જાયન્ટ્સને 32 રનથી હરાવી પોતાની જીતની હેટ્રિક પૂર્ણ કરી. ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલા આ મેચમાં RCB એ બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં શાનદાર પર્ફોર્મ કર્યું. ખાસ કરીને શ્રેયંકા પાટિલની ઘાતક બોલિંગે મેચને સંપૂર્ણપણે RCB તરફ વાળી દીધી.

ખરાબ શરૂઆત બાદ RCBનું દમદાર કમબેક

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCB ની શરૂઆત આક્રમક રહી. પહેલા ઓવરમાં ઝડપી રન આવ્યા, પરંતુ ત્યારબાદ ગુજરાતની બોલિંગે દબાણ બનાવ્યું અને સતત વિકેટો પાડી. એક તબક્કે RCB ના ચાર મહત્વપૂર્ણ વિકેટ માત્ર 43 રન પર પડી ગયા હતા, જેના કારણે ટીમ મુશ્કેલીમાં દેખાઈ રહી હતી. પરંતુ મિડલઓર્ડરના બેટરોની સમજદારીભરી રમતથી RCB ફરીથી મેચમાં પાછી ફરી.

રાધા યાદવ અને ઋચા ઘોષની પાર્ટનરશીપ

મિડલ ઓર્ડરમાં રાધા યાદવ અને ઋચા ઘોષે ઇનિંગ્સને સાંભળી હતી. બંને વચ્ચે થયેલી શાનદાર શતકીય ભાગીદારી મેચનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ઋચા ઘોષે 28 બોલમાં 44 રનની ઝડપી ઇનિંગ્સ રમીને રનરેટ વધાર્યો, જ્યારે રાધા યાદવે 47 બોલમાં 66 રનની જવાબદાર અર્ધશતકીય પારી રમી. અંતિમ ઓવરોમાં નાદિન ડી ક્લાર્કના ઉપયોગી રનોથી RCBએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 182 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો.

ટાર્ગેટ ચેઝ કરતી ગુજરાતની લડખડતી ઇનિંગ્સ

183 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત જાયન્ટ્સની શરૂઆત ઠીકઠાક રહી. કેપ્ટન બેથ મૂનીએ 27 રન બનાવીને ટીમને આગળ વધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટૂંક સમયમાં વિકેટો પડવાની શરૂઆત થઈ. માત્ર 46 રનમાં ત્રણ વિકેટ ગુમાવતા ગુજરાત દબાણમાં આવી ગઈ. મિડલ ઓર્ડરમાં પણ સ્થિતિ સુધરી નહીં. 11મા ઓવરમાં જ્યોર્જિયા વેરહેમની વિકેટ પડતા સ્કોર પાંચ વિકેટ પર 70 રન થઈ ગયો. ત્યારબાદ ભારતી ફૂલમાલી અને કાશવી ગૌતમએ થોડી લડત આપી. ભારતી ફૂલમાલીએ 39 રનની લડાકૂ ઇનિંગ્સ રમી અને ટીમ માટે સર્વાધિક રન બનાવ્યા, જ્યારે કાશવી ગૌતમએ 18 રનનું યોગદાન આપ્યું.

શ્રેયંકા પાટિલનો ‘પંજૉ’

RCB ની બોલિંગ સામે ગુજરાતની બેટિંગ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ. શ્રેયંકા પાટિલે અદભુત પ્રદર્શન કરતાં માત્ર 3.5 ઓવરમાં 23 રન આપી 5 વિકેટ ઝડપી. આ સિઝનમાં આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ બોલિંગ સ્પેલ માનવામાં આવી રહ્યું છે. તેમને ઇંગ્લેન્ડની ફાસ્ટ બોલર લોરેન બેલનો સ્પેલ મહત્વપૂર્ણ રહ્યો, જેમણે ચાર ઓવરમાં 29 રન આપી ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લીધી. અંતે ગુજરાત જાયન્ટ્સની આખી ટીમ 150 રન પર સીમિત રહી અને RCBએ 32 રનથી મેચ જીતીને WPL 2026માં પોતાની જીતની હેટ્રિક નોંધાવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now