Home National Rbi New Rules Auto Debit Emi Alert 24 Hours Gujarati

RBI ના નવા નિયમથી ગ્રાહકોને મળશે મોટો રાહત : તમારી જાણ વગર બેંક EMI કાપી શકશે નહીં!

Reserve Bank Of India
Published by: Aryan Shah
Last Updated: Apr 22, 2026, 09:44 AM IST

RBI : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડિજિટલ બેંકિંગના જમાનામાં ગ્રાહકોની સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. અત્યાર સુધી ઘણા કિસ્સામાં એવું બનતું હતું કે, ગ્રાહકોને ખબર પણ ન હોય અને તેમના ખાતામાંથી લોનનો હપ્તો (EMI) કે અન્ય કોઈ સબસ્ક્રિપ્શનના પૈસા કપાઈ જતા હતા. આના કારણે ઘણીવાર ગ્રાહકોને આર્થિક આયોજનમાં મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે RBI ના નવા આદેશ પછી, બેંકિંગ સિસ્ટમમાં ગ્રાહકની મંજૂરી જ 'સુપ્રીમ' ગણાશે.

પૂર્વ સૂચનાનો કડક નિયમ

નવા નિયમો મુજબ, બેંકો કે અન્ય નાણાકીય સંસ્થાઓ તમારી જાણ બહાર 'ઓટો-ડેબિટ' કરી શકશે નહીં. હવે જ્યારે પણ તમારા ખાતામાંથી કોઈ રકમ કપાવાની હશે, ત્યારે તેના ઓછામાં ઓછા 24 કલાક પહેલા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS અથવા ઇમેઇલ દ્વારા નોટિફિકેશન મોકલવું ફરજિયાત છે. આ નોટિફિકેશનમાં માત્ર પૈસા કપાશે એવું જ નહીં, પણ રકમની ચોક્કસ વિગત, કયા મર્ચન્ટ કે લોન માટે પૈસા કપાઈ રહ્યા છે તે અને કઈ તારીખે ટ્રાન્ઝેક્શન થશે તેની પૂરેપૂરી માહિતી આપવી પડશે. આનાથી ગ્રાહક આર્થિક રીતે તૈયાર રહેશે.

દંડ અને પેનલ્ટીથી મળશે મોટી રાહત

સામાન્ય રીતે મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટી સમસ્યા એ હોય છે કે, જો ખાતામાં EMI જેટલું બેલેન્સ ન હોય, તો બેંક 'બાઉન્સ ચાર્જ' વસૂલે છે, જે ક્યારેક 500 થી 1,000 રૂપિયા સુધીનો હોઈ શકે છે. હવે જ્યારે તમને 24 કલાક અગાઉ 'એલાર્મ' જેવો મેસેજ મળી જશે, ત્યારે તમારી પાસે સમય હશે કે, તમે બીજા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી શકો અથવા રોકડ જમા કરાવી શકો. આ પ્રક્રિયાથી તમે નકામા દંડમાંથી બચી શકશો અને તમારો સિબિલ સ્કોર (CIBIL Score) પણ ખરાબ થતાં અટકશે.

ગ્રાહક પાસે રહેશે 'કંટ્રોલ બટન'

આ સુધારાનો સૌથી શ્રેષ્ઠ ભાગ એ છે કે, ગ્રાહકને માત્ર જાણ જ કરવામાં નહીં આવે, પણ તેને વ્યવહાર રોકવાની સત્તા પણ આપવામાં આવી છે. જો તમને મોકલેલા નોટિફિકેશનમાં રકમ ખોટી જણાય અથવા તમે તે મહિનાનું પેમેન્ટ કોઈ કારણસર રોકવા માંગતા હોવ, તો તમે તે નોટિફિકેશનમાં આપેલી લિંક કે બેંકની એપ દ્વારા તે ચોક્કસ ઓટો-પેમેન્ટને રદ (Cancel) કે મોડિફાય (Modify) કરી શકશો. આનો અર્થ એ છે કે, હવે તમારી મંજૂરી વગર બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા અશક્ય બનશે.

આ પણ ખાસ વાંચો : ફાટેલી અને ગંદી નોટોને ફેંકશો નહીં! : જાણો RBIના નવા નિયમો અને બદલવાની સંપૂર્ણ પ્રક્રિયા

સુરક્ષાનું વધારાનું સ્તર

RBI એ સુરક્ષા વધારવા માટે 15,000 રૂપિયાથી વધુના વ્યવહારો માટે ખાસ નિયમ બનાવ્યો છે. જો તમારું કોઈ ઓટો-પેમેન્ટ 15,000 રૂપિયાથી વધારે રકમનું છે, તો માત્ર નોટિફિકેશન પૂરતું નથી. આવા કિસ્સામાં બેંકે ગ્રાહક પાસેથી 'એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન' એટલે કે OTP (વન ટાઈમ પાસવર્ડ) લેવો પડશે. આ નિયમ હોમ લોન, કાર લોન, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને મોંઘા સબસ્ક્રિપ્શન પર પણ લાગુ થશે, જેથી મોટી રકમની છેતરપિંડી અટકાવી શકાય.

ફરિયાદ નિવારણ વ્યવસ્થા

જો કોઈ બેંક આ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને તમને પૂર્વ સૂચના આપ્યા વગર પૈસા કાપી લે છે, તો ગ્રાહક તરીકે તમારી પાસે કાયદાકીય રક્ષણ છે. તમે સૌપ્રથમ તમારી બેંકમાં ફરિયાદ કરી શકો છો અને જો 30 દિવસમાં સંતોષકારક જવાબ ન મળે, તો તમે RBI ના લોકપાલ (Ombudsman) પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો. RBI એ સ્પષ્ટ કર્યું છે કે, જો બેંકની ભૂલ સાબિત થશે, તો ગ્રાહકને થયેલા નુકસાનનું વળતર પણ બેંકે ચૂકવવું પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now