ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સુધારો કરતાં ગ્રાહકોને મોટી રાહત આપતા નવા નિયમ જાહેર કર્યું છે. નવા નિયમો અનુસાર હવે ₹15,000 સુધીના ઓટોમેટિક પેમેન્ટ (E-Mandate) માટે દર વખતે OTP કે પાસવર્ડ નાખવાની જરૂર નહીં રહે. આ નિર્ણયથી કરોડો યુઝર્સને રોજિંદા જીવનમાં થતા નિયમિત પેમેન્ટ વધુ સરળ અને ઝડપી બની જશે.
આ નવી વ્યવસ્થા ખાસ કરીને OTT સબ્સ્ક્રિપ્શન, વીજળી બિલ, મોબાઈલ રિચાર્જ અને અન્ય માસિક ચૂકવણીઓ માટે લાભદાયી સાબિત થશે. અત્યાર સુધી આવી ચુકવણીઓ વખતે વારંવાર OTP દાખલ કરવો પડતો હતો, જેના કારણે ઘણા વખત પેમેન્ટ ફેલ થવાની સમસ્યા સર્જાતી હતી.
ડિજિટલ પેમેન્ટ પ્રક્રિયા વધુ સરળ
અત્યાર સુધીની સિસ્ટમમાં એક ચોક્કસ મર્યાદા બાદ દરેક ટ્રાન્ઝેક્શન માટે OTP ફરજિયાત હતો. નેટવર્ક સમસ્યા કે OTP મોડું મળવાથી પેમેન્ટ અટકી જતું અને ક્યારેક પેનલ્ટી અથવા સર્વિસ બંધ થવાની પરિસ્થિતિ ઉભી થતી હતી.
RBIના નવા નિયમો સાથે હવે આ પ્રક્રિયા વધુ સરળ બની છે. ₹15,000 સુધીના ઓટો-ડેબિટ માટે ગ્રાહકોને વારંવાર ઓથેન્ટિકેશન કરવું નહીં પડે, જે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુગમ બનાવશે.
SIP અને ઇન્શ્યોરન્સ માટે મર્યાદા વધારી
આ નિર્ણયમાં વધુ એક મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે વીમા પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ SIP અને ક્રેડિટ કાર્ડ બિલ માટે ઓટો-ડેબિટ મર્યાદા વધારીને ₹1 લાખ કરવામાં આવી છે.
આથી રોકાણકારો અને પોલિસીધારકો માટે નિયમિત ચુકવણી સરળ બનશે અને સમયસર પેમેન્ટ ન થવાના જોખમમાં ઘટાડો થશે.
કાર્ડ બદલાય તો પણ પેમેન્ટ ચાલુ રહેશે
નવા નિયમ મુજબ, જો ગ્રાહક પોતાનો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ બદલાવે છે, તો તેની સાથે જોડાયેલા ઈ-મેન્ડેટ આપમેળે નવા કાર્ડ પર ટ્રાન્સફર થઈ જશે.
આથી કાર્ડ બદલાયા બાદ પેમેન્ટ અટકી જવાની સમસ્યા દૂર થશે અને ગ્રાહકોને ફરીથી મેન્ડેટ સેટ કરવાની જરૂર નહીં પડે.
આ પણ વાંચો: GIFT સિટીમાં UAEની દિગ્ગજ વીમા કંપની ADNICની એન્ટ્રી : ગુજરાતના ફાઇનાન્સ હબ માટે નવું ક્ષિતિજ
ગ્રાહકોને શું ફાયદો?
આ સુધારા દ્વારા ગ્રાહકોને વારંવાર OTP દાખલ કરવાની પ્રક્રિયાથી મુક્તિ મળશે, જે સમય અને મહેનત બંને બચાવશે. સાથે જ સમયસર પેમેન્ટ થવાથી લેટ ફી અથવા પેનલ્ટીથી પણ બચી શકાશે.
શું ધ્યાનમાં રાખવું જરૂરી?
આ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકોએ પહેલેથી ઈ-મેન્ડેટ રજીસ્ટર કરાવેલું હોવું જરૂરી છે. જો મેન્ડેટ સેટ ન હોય, તો આ સુવિધા લાગુ નહીં પડે.
સાથે જ, ગ્રાહકોને પોતાના બેંક સ્ટેટમેન્ટ અને ટ્રાન્ઝેક્શન પર નજર રાખવી જરૂરી છે, જેથી કોઈ અનિચ્છનીય કપાત જણાય તો સમયસર કાર્યવાહી કરી શકાય.





