Home Business Rbi Cancels Paytm Payments Bank Licence Impact Gujarati

RBIનો મોટો ઝટકો: Paytm Payments Bankનું લાઇસન્સ રદ્દ : હવે ગ્રાહકો અને ડિજિટલ પેમેન્ટ પર શું અસર પડશે?

Paytm Payments Bank
Published by: Viral Patel
Last Updated: Apr 24, 2026, 03:24 PM IST

ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં એક મોટા પરિવર્તનનો સમય આવી ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ Paytm Payments Bankનું બેંકિંગ લાઇસન્સ રદ્દ કરી દીધું છે—જે ફિનટેક ઉદ્યોગ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણય માત્ર Paytm માટે નહીં, પરંતુ લાખો યુઝર્સ, વેપારીઓ અને સમગ્ર ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 24 એપ્રિલ 2026ના રોજ Paytm Payments Bank Limitedનું બેંકિંગ લાઇસન્સ સત્તાવાર રીતે રદ્દ કરી દીધું છે. આ નિર્ણય બેંકિંગ નિયમોનું લાંબા સમયથી પાલન ન થવા, ગ્રાહક સુરક્ષા અંગે ગંભીર ખામીઓ અને મેનેજમેન્ટમાં ગડબડીના કારણે લેવામાં આવ્યો છે. RBIએ આ કાર્યવાહી બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 22(4) હેઠળ કરી છે, જેના કારણે હવે Paytm Payments Bank કોઈપણ પ્રકારની બેંકિંગ સેવાઓ આપી શકશે નહીં.

શું કારણો રહ્યા RBIના કડક નિર્ણય પાછળ?

RBIએ સ્પષ્ટ કર્યું છે કે Paytm Payments Bankમાં ઘણા ગંભીર નિયમનાત્મક ઉલ્લંઘનો જોવા મળ્યા હતા. તેમાં ખાસ કરીને નીચેના મુદ્દાઓ સામેલ છે. જેમાં ગ્રાહક ઓળખ (KYC) અને ડ્યૂ ડિલિજન્સમાં ખામીઓ, ફંડના ઉપયોગ અને ટેક્નોલોજી સિસ્ટમમાં ગેરરીતિઓ અને જોખમ વ્યવસ્થાપન અને પારદર્શિતાનો અભાવનો સમાવેશ થાય છે. આ ખામીઓ લાંબા સમયથી જોવા મળતી હતી અને RBI દ્વારા વારંવાર ચેતવણીઓ આપવામાં આવી હતી, છતાં સુધારો ન થતા અંતે લાઇસન્સ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો.

2024થી શરૂ થયેલી કાર્યવાહીનો અંતિમ પડાવ

આ નિર્ણય એકદમ અચાનક આવ્યો નથી. હકીકતમાં, Paytm Payments Bank સામે કાર્યવાહીનો પ્રારંભ જાન્યુઆરી 2024માં થયો હતો, જ્યારે RBIએ બેંકને નવા ડિપોઝિટ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તે પછી નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ, વોલેટ અને એકાઉન્ટમાં ક્રેડિટ/ટોપ-અપ પર રોક, અનેક સેવાઓમાં મર્યાદા. આ બધા પગલાં પછી પણ સમસ્યાઓ યથાવત રહેતાં અંતે લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યું છે.

હવે ગ્રાહકો માટે શું બદલાશે?

લાઇસન્સ રદ્દ થયા પછી સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગ્રાહકોના પૈસા અને સેવાઓનું શું થશે? RBIના નિવેદન મુજબ Paytm Payments Bank હવે કોઈપણ બેંકિંગ સેવા આપી શકશે નહીં. બેંકને બંધ કરવાની પ્રક્રિયા (winding up) શરૂ કરવામાં આવશે. બેંક પાસે પૂરતી લિક્વિડિટી છે જેથી તે તમામ ડિપોઝિટ પરત કરી શકે. હાલમાં, ગ્રાહકોને તેમના પૈસા પરત મેળવવાની પ્રક્રિયા RBI અને કોર્ટના માર્ગદર્શન હેઠળ થશે.

ડિજિટલ પેમેન્ટ ક્ષેત્ર પર અસર

Paytm ભારતના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મમાંથી એક છે. Paytm Payments Bank બંધ થવાથી ઘણા વેપારીઓ અન્ય પ્લેટફોર્મ તરફ વળશે. UPI અને વોલેટ સેવાઓ માટે નવા ભાગીદારો શોધવા પડશે. ફિનટેક ક્ષેત્રમાં નિયમન વધુ કડક બનશે. જોકે મહત્વપૂર્ણ વાત એ છે કે RBIએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે Paytm એપ બંધ નથી થતી, માત્ર તેની બેંકિંગ એકમ પર કાર્યવાહી થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now