શાહરુખ ખાન અને રજનીકાંતને પછાડી રણવીરે મેળવ્યા 325 કરોડ રૂપિયા, પ્રોફિટ શેરિંગથી બદલાયું નસીબ
બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ તેની તાજેતરની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'ની ઐતિહાસિક સફળતા બાદ ભારતનો સૌથી મોંઘો કલાકાર બની ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીર સિંહે આ ફિલ્મના બંને ભાગોમાંથી કુલ 325 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરી છે. આ જંગી કમાણી સાથે તેણે શાહરુખ ખાન, રજનીકાંત, પ્રભાસ અને અલ્લુ અર્જુન જેવા સિનેમા જગતના દિગ્ગજોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
નિશ્ચિત ફી છોડીને પ્રોફિટ શેરિંગનો લીધો હતો નિર્ણય
ટ્રેડ એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર, રણવીર સિંહે 'ધુરંધર' ફિલ્મ સાઇન કરતી વખતે પોતાની રેગ્યુલર ફી લેવાનો ઇનકાર કર્યો હતો. તેના બદલે તેણે મેકર્સ સાથે નફામાં ભાગીદારી (પ્રોફિટ શેરિંગ) કરવાનો સ્માર્ટ વિકલ્પ પસંદ કર્યો હતો. ફિલ્મ મેકિંગ દરમિયાન જ્યારે બજેટ વધ્યું, ત્યારે રણવીરે પોતે પણ આ પ્રોજેક્ટમાં નાણાંનું રોકાણ કર્યું હતું. હવે ફિલ્મ સુપરહિટ સાબિત થયા બાદ થિયેટ્રિકલ કલેક્શન, ઓટીટી ડિજિટલ રાઇટ્સ, સેટેલાઇટ અને મ્યુઝિક રાઇટ્સના હિસ્સા તરીકે રણવીરને કુલ 325 કરોડ રૂપિયા મળ્યા છે.
બંને ભાગોએ વિશ્વભરમાં કરી 3,100 કરોડની કમાણી
ફિલ્મ 'ધુરંધર'ના બંને ભાગોએ બોક્સ ઓફિસ પર કમાણીના નવા ઈતિહાસ રચ્યા છે. આ ફિલ્મે વિશ્વભરમાંથી કુલ 3,100 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. માત્ર ભારતની વાત કરીએ તો, દેશમાં આ ફિલ્મનું નેટ કલેક્શન 1,900 કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. ફિલ્મના નફાનો સૌથી મોટો ભાગ જિયો સ્ટુડિયોઝ અને ડિરેક્ટર આદિત્ય ધરના B62 સ્ટુડિયોઝને મળ્યો છે, જ્યારે કલાકારોની યાદીમાં રણવીર સિંહ સૌથી મોટો હિસ્સેદાર બન્યો છે. જોકે, આ કમાણી અંગે હજુ સુધી એક્ટર કે પ્રોડક્શન હાઉસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: વિરાટ કોહલીએ કરણ ઔજલાના ગીત પર કર્યો ડાન્સ | ‘One8’ બ્રાન્ડ લોન્ચ | Offbeat Stories
રજનીકાંત અને શાહરુખ ખાનના રેકોર્ડ તૂટ્યા
રણવીર સિંહ પહેલા ભારતીય સિનેમામાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના નામે હતો. તેમણે વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મ 'જેલર' માટે 250 કરોડ રૂપિયાથી વધુ ચાર્જ કર્યા હતા. બોલિવૂડમાં આ રેકોર્ડ શાહરુખ ખાનના નામે હતો, જેમણે વર્ષ 2023માં આવેલી ફિલ્મો 'પઠાણ' અને 'જવાન'થી આશરે 200-200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ઉપરાંત સુપરસ્ટાર પ્રભાસે 'કલ્કિ 2898 AD' અને અલ્લુ અર્જુને 'પુષ્પા 2' માટે 200 કરોડ રૂપિયાથી વધુની ફી લીધી હતી, પરંતુ રણવીર સિંહ 325 કરોડ રૂપિયા સાથે આ તમામથી ઘણા આગળ નીકળી ગયા છે.
1 કરોડથી શરૂ થયેલી સફર 325 કરોડ પર પહોંચી
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કલાકારોની ફીનો ગ્રાફ છેલ્લા કેટલાક દાયકાઓમાં અકલ્પનીય રીતે વધ્યો છે. 90ના દાયકામાં ચિરંજીવી, કમલ હાસન અને શ્રીદેવી એવા પ્રથમ સ્ટાર્સ હતા જેમણે એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ફી લેવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ શાહરુખ, સલમાન અને આમિર ખાને આ આંકડાને નવી ઊંચાઈએ પહોંચાડ્યો. છેલ્લા થોડા વર્ષોમાં સાઉથના સ્ટાર્સ 200 કરોડની ફી સુધી પહોંચી ગયા હતા, પરંતુ વર્ષ 2026માં રણવીર સિંહે 325 કરોડની કમાણી કરીને બોલિવૂડને ફરી એકવાર કમાણીની રેસમાં સૌથી મોખરે લાવી દીધું છે.





