Home Entertainment Anshula Kapoor Rohan Thakkar Pre Wedding Functions Begin

અંશુલા કપૂરના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ : કપૂર પરિવારમાં સેલિબ્રેશન

Anshula Kapoor's pre-wedding function begins
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 22, 2026, 08:44 AM IST

રોહન ઠક્કર સાથે લગ્નના બંધનમાં બંધાશે અર્જુન કપૂરની બહેન; 'માતાની ચોકી'થી થઈ શરૂઆત

ફિલ્મમેકર બોની કપૂરની દીકરી અને અભિનેતા અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરના લગ્નની શરણાઈઓ વાગી ગઈ છે. અંશુલા ટૂંક સમયમાં જ તેના મંગેતર (ફિયાન્સ) રોહન ઠક્કર સાથે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહી છે. કપૂર પરિવારમાં લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન્સની ધામધૂમથી શરૂઆત થઈ ચૂકી છે. આ પરંપરાગત સેલિબ્રેશનની શરૂઆત 'માતાની ચોકી'ના ભક્તિમય આયોજન સાથે કરવામાં આવી હતી, જેમાં આખો કપૂર પરિવાર એકસાથે જોવા મળ્યો હતો.

ટ્રેડિશનલ લુકમાં ચમક્યો આખો કપૂર પરિવાર

અર્જુન કપૂરની પિતરાઈ બહેન અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે આ સુંદર પારિવારિક પ્રસંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટોઝમાં આખો પરિવાર પરંપરાગત પોશાકમાં અત્યંત આકર્ષક લાગી રહ્યો છે. કાર્યક્રમમાં શનાયા કપૂરની સાથે તેના પિતા સંજય કપૂર, માતા મહીપ કપૂર અને ભાઈ જહાન કપૂર હાજર રહ્યા હતા.

આ ઉપરાંત, અંશુલાના સગા ભાઈ અર્જુન કપૂર તેમજ તેની સાવકી બહેનો જાહ્નવી કપૂર અને ખુશી કપૂર પણ આ પૂજામાં ખાસ સામેલ થયા હતા. તમામ ભાઈ-બહેનો અને પરિવારના સભ્યોએ હસતા મુખે કેમેરા સામે પોઝ આપ્યા હતા. શનાયાએ આ તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું, "વી લવ યુ અંશુલા અને રોહન."

ભક્તિ અને ડાન્સ સાથે 'માતાની ચોકી' સંપન્ન

અંશુલા કપૂર અને રોહન ઠક્કરના લગ્ન પહેલાના ઉત્સવોની શરૂઆત ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં થઈ હતી. બંનેના પરિવારોએ સાથે મળીને માતાની ચોકીનું આયોજન કર્યું હતું, જ્યાં નવદંપતીએ પૂજા-અર્ચના કરીને વડીલોના આશીર્વાદ લીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અંશુલા અને રોહન ભક્તિભાવ પૂર્વક પ્રાર્થના કરતા નજરે પડે છે. ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ પરિવારે સંગીતના તાલે ડાન્સ કરીને આ ખુશીના પ્રસંગની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો: 'લવ એન્ડ વોર'ના સેટ પર અકસ્માત | શોર્ટ સર્કિટથી કારપેન્ટરનું મોત | Offbeat Stories

ડેટિંગ એપથી શરૂ થયેલી અનોખી લવ સ્ટોરી

અંશુલા કપૂર અને રોહન ઠક્કરની મુલાકાત વર્ષ 2022માં એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી. પોતાની સગાઈની જાહેરાત કરતી વખતે અંશુલાએ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેમની વચ્ચે પહેલી વાતચીત એક મંગળવારે રાત્રે 1:15 વાગ્યે શરૂ થઈ હતી, જે કલાકો સુધી ચાલી હતી. આ ઘટનાના બરાબર 3 વર્ષ પછી, રોહને ન્યૂયોર્કના ફેમસ સેન્ટ્રલ પાર્કમાં આવેલા કેસલ (કિલ્લા) સામે બરાબર એ જ સમયે એટલે કે રાત્રે 1:15 વાગ્યે ઘૂંટણિયે બેસીને અંશુલાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ કપલે ગયા વર્ષે જુલાઈ 2025માં સગાઈ કરી હતી.

બોની કપૂરની દીકરી છે અંશુલા

અંશુલા કપૂર એ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બોની કપૂર અને તેમની પ્રથમ દિવંગત પત્ની મોના શૌરી કપૂરની દીકરી છે. તે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની સગી નાની બહેન થાય છે. બોની કપૂર અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સાથે પણ અંશુલાનું બોન્ડિંગ ખૂબ જ મજબૂત છે. મુશ્કેલ સમયમાં આ ચારેય ભાઈ-બહેનો હંમેશા એકબીજાની પડખે ઊભા જોવા મળ્યા છે અને હવે પરિવારમાં આવી રહેલા આ રૂડા પ્રસંગને લઈને સૌ કોઈ ભારે ઉત્સાહિત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now