દુર્ઘટના સમયે આલિયા ભટ્ટ સેટ પર હાજર હતી; FWICE દ્વારા 50 લાખના વળતરની માંગ
સંજય લીલા ભણસાલીની આગામી બહુચર્ચિત ફિલ્મ 'લવ એન્ડ વોર'ના શૂટિંગ સેટ પર એક મોટો અકસ્માત સર્જાયો છે. મુંબઈની ફિલ્મ સિટીમાં આવેલા રોયલ પંપ સ્ટુડિયોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે 42 વર્ષના કારપેન્ટર (સુથાર) ચંદ્રધારી સિંહ યાદવનું કરંટ લાગવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ કરુણ ઘટના બની ત્યારે અભિનેત્રી આલિયા ભટ્ટ સેટ પર જ શૂટિંગ કરી રહી હતી.
સતત 20 કલાક કામ કરાવવાનો પ્રોડક્શન પર આરોપ
આ ગંભીર ઘટના બાદ ફિલ્મ ઉદ્યોગના કર્મચારીઓની સંસ્થા 'ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ' (FWICE) દ્વારા કામના કલાકો અને સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતક ચંદ્રધારી સિંહ યાદવ અકસ્માત પહેલા સતત 3 દિવસથી ખૂબ જ વ્યસ્ત અને કડક શેડ્યૂલમાં કામ કરી રહ્યા હતા. તેઓ સવારે 7 વાગ્યાથી લઈને છેક મોડી રાત્રે 3 વાગ્યા સુધી સેટ પર ફરજ બજાવતા હતા.
FWICEના જનરલ સેક્રેટરી અશોક દુબેએ જણાવ્યું છે કે, સતત લગભગ 20 કલાક સુધી કામ કરવાને કારણે શારીરિક થાક અને સેટ પર સુરક્ષાના સાધનોની ખામી જ આ અકસ્માતનું મુખ્ય કારણ હોઈ શકે છે.
વળતર વધારવા અને પત્નીને નોકરી આપવાની માંગ
દુર્ઘટનાને પગલે ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા પીડિત પરિવારને 40 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, FWICEના પ્રેસિડેન્ટ બી.એન. તિવારીએ આ રકમને વધારીને 50 લાખ રૂપિયા કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે મૃતક ટેકનિશિયન પોતાના પાછળ પત્ની અને બે નાની દીકરીઓને છોડી ગયા છે.
બાળકો હજુ ખૂબ જ નાના હોવાથી તેમના ભવિષ્ય અને શિક્ષણને સુરક્ષિત કરવા માટે વધુ આર્થિક મદદ જરૂરી છે. આ સાથે જ ફેડરેશને ભણસાલી પ્રોડક્શન્સને વિનંતી કરી છે કે ચંદ્રધારી યાદવની પત્નીને ઘર ચલાવવા અને સ્થાયી આવક મળી રહે તે માટે પ્રોડક્શન હાઉસમાં જ કોઈ કાયમી નોકરી આપવામાં આવે.
જાન્યુઆરી 2027માં રિલીઝ થશે 'લવ એન્ડ વોર'
ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ હાલમાં બોલિવૂડના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંથી એક છે. આ ફિલ્મ 21 જાન્યુઆરી 2027ના રોજ સિનેમાઘરોમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણબીર કપૂર, વિક્કી કૌશલ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
વર્ષ 2022માં આવેલી સુપરહિટ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' પછી રણબીર અને આલિયાની એકસાથે આ બીજી ફિલ્મ હશે. આ અગાઉ વિક્કી કૌશલ પણ રણબીર સાથે 'સંજુ'માં અને આલિયા સાથે 'રાઝી' ફિલ્મમાં સ્ક્રીન શેર કરી ચૂક્યા છે. આ ફિલ્મ દ્વારા રણબીર કપૂર લગભગ 20 વર્ષ પછી (વર્ષ 2007ની ફિલ્મ 'સાવરિયા' બાદ) ફરીથી ભણસાલી સાથે કામ કરી રહ્યા છે, જ્યારે આલિયા ભટ્ટ 'ગંગુબાઈ કાઠિયાવાડી' પછી બીજી વખત આ પ્રોડક્શનનો હિસ્સો બની છે.





