રાજકોટ શહેરના સાંઢિયા પુલ પર તાજેતરમાં કરવામાં આવેલા નવીનીકરણના કામ બાદ ડામર રોડ તૂટવાની ઘટના સામે આવતા વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલે રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે પુલના નવીનીકરણ કાર્ય દરમિયાન તેમણે જાતે સ્થળ મુલાકાત લીધી હતી અને તે સમયે કેટલીક ત્રુટિઓ પણ ધ્યાનમાં આવી હતી.
મેયરે જણાવ્યું કે મુલાકાત દરમિયાન જોવા મળેલી ખામીઓને ગંભીરતાથી લઈ સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ સમગ્ર મામલે તાત્કાલિક ખુલાસો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. કામની ગુણવત્તા અને ટેક્નિકલ બાબતો અંગે જવાબદારી નક્કી કરવા માટે પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ભાવનગરના મેયર ઉષાબહેન તલરેજાને લઈને રાજકીય વિવાદ : 4 સંતાનો સહિત 5 મુદ્દે કોંગ્રેસે માંગ્યો ખુલાસો
રોડ તૂટવા પાછળ ભારે વાહનો કારણભૂત હોવાની શક્યતા
ડામર રોડ તૂટવાના મુદ્દે મેયર ડૉ. નેહલ શુક્લે જણાવ્યું કે પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું છે કે આ માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર થઈ હોઈ શકે છે, જેના કારણે રોડને નુકસાન પહોંચ્યું હોય. જોકે, આ અંગે ટેક્નિકલ રિપોર્ટ મળ્યા બાદ જ ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
તેમણે ઉમેર્યું કે તંત્ર દ્વારા સમગ્ર મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને લોકોની સુરક્ષા તથા સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે. રોડ તૂટવાના કારણે નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: હવે રાજકોટમાં નહીં ભરાય વરસાદી પાણી! : જાણો મેયરે કોર્પોરેટરોને શું જવાબદારી સોંપી
રિપેરિંગ કામગીરી તાત્કાલિક શરૂ થશે
મેયરે જણાવ્યું કે તૂટેલા ડામર રોડનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવશે અને જ્યાં જ્યાં ખામી જોવા મળી રહી છે ત્યાં જરૂરી સુધારાકામ હાથ ધરાશે. ઉપરાંત નવીનીકરણના કામમાં ગુણવત્તા સંબંધિત કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદાર એજન્સી સામે કડક પગલાં લેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે કોન્ટ્રાક્ટર એજન્સી પાસેથી સ્પષ્ટીકરણ મળ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. આ ઘટનાએ શહેરમાં જાહેર કામોની ગુણવત્તા અને દેખરેખ અંગે પણ ચર્ચા જગાવી છે.





