Rajkot Premonsoon Work: રાજકોટમાં દર વર્ષે ચોમાસા પહેલાં શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અટકાવવા માટે મોટા મોટા દાવા કરવામાં આવે છે. જોકે, થોડા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા હોવાના દૃશ્યો સામે આવતા રહે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ આ વર્ષે નવી પહેલ હાથ ધરી છે. પ્રથમ વખત શહેરના કોર્પોરેટરોને પોતાના વોર્ડમાં પ્રીમોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટમાં ચોમાસું નજીક આવતાં મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ, ગટરલાઈન, ડ્રેનેજ અને સફાઈ સંબંધિત કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે તંત્ર સક્રિય બન્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી પ્રીમોન્સૂન કામગીરીની અસરકારકતા ચકાસવા હવે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ મેદાનમાં ઉતરશે.
પ્રથમ વખત પદાધિકારીઓ કરશે ફિલ્ડ વિઝિટ
મહાનગરપાલિકાના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત કોર્પોરેટરો અને પદાધિકારીઓને પ્રીમોન્સૂન કામગીરીનું સીધું નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ પગલાથી વોર્ડ સ્તરે સમસ્યાઓની વહેલી ઓળખ થઈ શકશે અને જરૂરી સુધારાત્મક પગલાં સમયસર લઈ શકાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજકોટની હોટલમાં ભયાનક બ્લાસ્ટ: રાજસ્થાનથી રોજગાર માટે આવેલા કિશોરનું કરુણ મોત
મેયરે તમામ કોર્પોરેટરોને આપી સૂચના
રાજકોટના મેયર ડો. નેહલ શુક્લે શહેરના તમામ કોર્પોરેટરોને પોતાના વિસ્તારમાં ચાલી રહેલી પ્રીમોન્સૂન કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરવા સૂચના આપી છે. કોર્પોરેટરો તેમના વોર્ડમાં પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારો, ડ્રેનેજ લાઈનો, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ સફાઈ કામગીરીની સમીક્ષા કરશે.
કોર્પોરેટરો વોર્ડમાં જઈ કામગીરીની કરશે ચકાસણી
રાજકોટ મનપાના પદાધિકારીઓ પ્રથમ વખત ફિલ્ડમાં ઉતરીને નિરીક્ષણ કરવાના છે. આ અંગે મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, 15 જૂન સુધીમાં પ્રી-મોન્સુન કામગીરી પૂર્ણ કરવા માટે ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. આગામી સમયથી 20 મે સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની ખાસ સૂચના આપવામાં આવી છે. તમામ કોર્પોરેટરોને તેમના વોર્ડમાં આવતા હોંકારા (ગટરના પોઈન્ટ) અને નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેવા તેમજ ક્યાંય પણ સુધારા વધારાની જરૂર હોય તો તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ રિવરફ્રન્ટ પર બોટમાં લાગી ભીષણ આગ: બોટમાંથી નીકળતી જ્વાળાઓ જોઈ લોકોમાં દોડધામ, કારણ હજુ અકબંધ
નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ધ્યાન
ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અંગે મેયર ડો. નેહલ શુક્લે ઉમેર્યું હતું કે, દર વર્ષે કામગીરી તો થતી જ હોય છે, પરંતુ જ્યાં અતિવૃષ્ટિ થાય છે ત્યાં સમસ્યાનું નિરાકરણ લાવવું મુશ્કેલ બને છે. ખાસ કરીને શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં ગેરકાયદેસર બાંધકામો પણ છે. તંત્ર દ્વારા આવા વિસ્તારોમાં લોકોની સુરક્ષા અને જાન-માલનું નુકસાન ન થાય તે માટે અગાઉથી જ તકેદારી રાખવાનું અને સઘન આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.





