ભાવનગર મહાનગર પાલિકાના નવનિયુક્ત મહિલા મેયર ઉષાબહેન તલરેજાની પસંદગીને લઈને શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ પક્ષે મેયરને "વિવાદિત મેયર" ગણાવી પાંચ મુદ્દાઓ પર લેખિત સ્પષ્ટતા માંગતા સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા દ્વારા મેયરને પત્ર લખી મેયર પદની ગરિમા, પ્રતિષ્ઠા અને નૈતિક જવાબદારીને ધ્યાનમાં રાખીને જનતા સમક્ષ ખુલાસો કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ મેયર ઉષાબહેન તલરેજાએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે.
કોંગ્રેસના પત્રમાં જણાવાયું છે કે મેયરનું પદ શહેરના પ્રથમ નાગરિકનું પદ ગણાય છે અને આ પદ સાથે જાહેર વિશ્વાસ, જવાબદારી અને પારદર્શિતા જોડાયેલી છે. તેથી જાહેર જીવન સાથે સંકળાયેલા કેટલાક મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી હોવાનું કોંગ્રેસનું માનવું છે.
સોગંદનામું અને 4 સંતાનોના મુદ્દે કોંગ્રેસના પ્રશ્નો
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે નગરસેવક તરીકે ઉમેદવારી નોંધાવતી વખતે રજૂ કરાયેલા સોગંદનામામાં કોર્ટ દ્વારા થયેલી સજા અને દંડ સંબંધિત વિગતો જાહેર કરવામાં આવી નહોતી. પક્ષે આ મુદ્દે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. આ ઉપરાંત ચાર સંતાનો સંબંધિત વિવાદને લઈને પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે જન્મતારીખ, શૈક્ષણિક દસ્તાવેજો અને અન્ય સંબંધિત વિગતો અંગે જનતા સમક્ષ સ્પષ્ટતા થવી જોઈએ. પક્ષના મતે આવા મુદ્દાઓને કારણે નાગરિકોમાં શંકા અને કુશંકા ઉભી થઈ રહી છે, જેને દૂર કરવા માટે મેયરનો ખુલાસો જરૂરી છે.
કોર્ટમાં અરજી અને નોટિસનો ઉલ્લેખ
કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, કુંભારવાડા વોર્ડના યુવા નગરસેવક અને એડવોકેટ કિશન મેર દ્વારા આ સમગ્ર મામલે કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે. સાથે જ મ્યુનિસિપલ કમિશનરને કાનૂની નોટિસ પાઠવવામાં આવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. પક્ષનું કહેવું છે કે કાનૂની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હોવાથી સમગ્ર મામલે તથ્ય આધારિત માહિતી જાહેર થવી જરૂરી છે. કોંગ્રેસે મેયરને જાહેર જીવનની પારદર્શિતાના હિતમાં જવાબ આપવા અપીલ કરી છે.
મેયર ઉષાબહેન તલરેજાનો જવાબ
બીજી તરફ કોંગ્રેસના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા મેયર ઉષાબહેન તલરેજાએ જણાવ્યું હતું કે તેમની પાસે કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ લેખિત કે મૌખિક રજૂઆત પહોંચી નથી. તેથી કોંગ્રેસ જે પ્રકારના આક્ષેપો કરી રહી છે તેમાં કોઈ તથ્ય નથી એવું તેમણે જણાવ્યું હતું. મેયરે વધુમાં કહ્યું કે જો કોઈ સત્તાવાર રજૂઆત અથવા દસ્તાવેજ તેમની પાસે પહોંચશે તો તે અંગે યોગ્ય રીતે જવાબ આપવામાં આવશે. હાલ તેઓ કોંગ્રેસના આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યા છે.
કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને મેયર દ્વારા આપવામાં આવેલા જવાબો બાદ હવે સૌની નજર કાનૂની અને વહીવટી પ્રક્રિયા પર ટકેલી છે.
આક્ષેપોની સત્યતા, કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી અને સંબંધિત દસ્તાવેજો અંગે આગામી સમયમાં શું સ્થિતિ સામે આવે છે તેના આધારે આ વિવાદ આગળ વધે તેવી શક્યતા છે. શહેરના પ્રથમ નાગરિકના પદને લઈને ઊભા થયેલા આ વિવાદે ભાવનગરના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે.






