Home Gujarat Diarrhea And Vomiting Wreak Havoc Gota Amit Shah Discussed With Cm Mayor Ordered Take Immediate Action

મુખ્યમંત્રીના મતવિસ્તારમાં દૂષિત પાણીથી ઝાડા-ઉલ્ટીના કેસોમાં ઉછાળો : રોષે ભરાયેલાં ટોળાને શાંત પાડવા CMને ફોન કરતા નજરે પડ્યાં શહેર ભાજપ સંગઠન મહામંત્રી

Gota Health Issue
Published by: Nirali Gohil
Last Updated: Jun 04, 2026, 10:39 AM IST

અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તાર હેઠળના ગોતા વોર્ડની કેટલીક સોસાયટીઓમાં તાજેતરમાં ઝાડા-ઉલટીના કેસો સામે આવતા સ્થાનિક રહીશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સિવાય શહેરના ગોતા વિસ્તારમાં આવેલી આકાંક્ષા સોસાયટીમાં પીવાના દૂષિત પાણીને કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિએ હવે રાજકીય વળાંક લીધો છે. પાઇપલાઇનમાં ગંદકી ભળી જવાથી અનેક રહીશો ઝાડા-ઉલટીની બીમારીનો ભોગ બન્યા હતા, જેના પગલે સોસાયટીમાં રોષની લાગણી ફેલાઈ હતી. નાગરિકોનો આક્રોશ એટલો ઉગ્ર હતો કે, સ્થિતિ થાળે પાડવા માટે ભાજપ સંગઠનના આગેવાનો અને સ્થાનિક કાઉન્સિલરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવું પડ્યું હતું. જોકે, ત્યાં પહોંચેલા પદાધિકારીઓને રહીશોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો.

સ્થિતિની ગંભીરતાને જોતા, શહેર ભાજપ સંગઠનના મહામંત્રી દર્શન ઠાક્કર પણ તાત્કાલિક સોસાયટીમાં પહોંચ્યા હતા. રહીશોની સતત ઉગ્ર રજૂઆતો વચ્ચે મામલો વણસતો જોઈ તેમણે સ્થળ પરથી જ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સાથે સંપર્ક સાધ્યો હતો. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે ત્વરિત હસ્તક્ષેપ કર્યો છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના મેયર સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિની વિગતો મેળવી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોતા વોર્ડમાં ચાલી રહેલી પાઈપલાઈન રિપેરિંગની કામગીરી દરમિયાન પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નાગરિકોના આરોગ્ય સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દાને ગંભીરતાથી લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહે મ્યુનિસિપલ કમિશનર તથા આરોગ્ય અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરવા તાકીદ કરી છે, જેથી રોગચાળાને વધુ ફેલાતો અટકાવી શકાય અને અસરગ્રસ્ત નાગરિકોને સમયસર યોગ્ય સારવાર મળી રહે.

આ પણ વાંચો: હવે પાલનપુરથી ચાલશે 'બનાસકાંઠા રેન્જ': ગુજરાત પોલીસમાં મોટો વહીવટી ફેરફાર, બોર્ડર રેન્જનું વિભાજન કરીને પાલનપુર બનાવાયું મુખ્ય મથક

તંત્રની યુદ્ધસ્તરીય કામગીરી: હાઉસ-ટુ-હાઉસ સર્વે શરૂ

કેન્દ્રીય મંત્રીના આદેશ બાદ AMCનું તંત્ર સક્રિય થયું છે. આરોગ્ય વિભાગની 40 જેટલી વિશેષ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે, જે અસરગ્રસ્ત સોસાયટીઓમાં ઘરે-ઘરે જઈને સર્વે કરી રહી છે. આ ટીમો દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની તપાસ કરવા સાથે ક્લોરીનની ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી પાણીજન્ય રોગોના પ્રસાર પર કાબૂ મેળવી શકાય.

અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સફાઈ અને ટેન્કર દ્વારા પાણી પુરવઠો

રોગચાળાને નાથવા માટે ટેકનિકલ સુપરવાઈઝર્સ, આસિસ્ટન્ટ એન્જિનિયર્સ અને સિટી એન્જિનિયર્સની ટીમો દ્વારા સોસાયટીઓમાં રહેલી તમામ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીઓની સ્થિતિ ચકાસવાનું શરૂ કરવામાં આવ્યું છે.

  • ટાંકીઓની સફાઈ: જ્યાં પણ જરૂર જણાય ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.

  • પીવાના પાણીની વ્યવસ્થા: દૂષિત પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત સોસાયટીઓને ટેન્કર મારફતે ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે, પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને રોગચાળાને રોકવા માટે તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now