Operation Mule Hunt 2.2: ગુજરાતમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ અને ઓનલાઈન નાણાકીય ઠગાઈના કેસોને કાબૂમાં લેવા માટે રાજ્ય પોલીસ દ્વારા ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.2’ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP)ના માર્ગદર્શન અને સૂચનાથી હાથ ધરાયેલી આ વિશેષ ઝુંબેશ અંતર્ગત રાજ્યભરમાં મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા મ્યુલ એકાઉન્ટ્સ અને ઠગાઈના નેટવર્કને તોડી પાડવા માટે વિવિધ જિલ્લાઓમાં સંકલિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં 92 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 182 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન 670 જેટલા મ્યુલ એકાઉન્ટ્સ પણ શોધી કાઢવામાં આવ્યા છે, જેનો ઉપયોગ સાયબર ઠગાઈમાં ગેરકાયદેસર રીતે નાણાંના વ્યવહારો માટે કરવામાં આવતો હતો.
હજારો સાયબર ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા
ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3,464 સાયબર ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. તેમાં ગુજરાતના 307 ગુનાઓનો સીધો ભેદ ઉકેલાયો છે, જ્યારે દેશભરના અનેક રાજ્યોમાં નોંધાયેલા મોટા પાયાના સાયબર ફ્રોડ કેસોની કડીઓ પણ ગુજરાત સુધી પહોંચી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશના વિવિધ વિસ્તારોમાં થયેલા અંદાજે 1,649 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ સંબંધિત ગુનાઓના તાર આ અભિયાન દરમિયાન મળ્યા છે. આ કેસોમાં નાણાંના ગેરકાયદેસર ટ્રાન્સફર અને મ્યુલ એકાઉન્ટ્સના ઉપયોગ દ્વારા ઠગાઈનું મોટું જાળું કાર્યરત હોવાનું ખુલ્યું છે.
સુરતમાં એક જ દિવસમાં મોટી કાર્યવાહી
સાયબર ગુનાઓ સામે ચાલી રહેલી આ ઝુંબેશ દરમિયાન સુરત શહેરમાં એક જ દિવસમાં નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે 58 અલગ-અલગ ગુનાઓ નોંધ્યા હતા અને 77 આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન અનેક બેંક ખાતાઓ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ઠગાઈમાં સંડોવાયેલા લોકોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સુરત હાલમાં આ ઓપરેશનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં અનેક શંકાસ્પદ નેટવર્ક્સ અને ગેંગ્સની તપાસ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધીની સૌથી મોટી ગેંગને અગાઉ જ ઝડપી લેવામાં આવી છે, પરંતુ હજુ પણ કેટલાક મોટા નેટવર્ક્સ અંગે ઊંડી તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: "ગુજરાત પોલીસનો સંદેશો સ્પષ્ટ છે": 'ઓપરેશન ડેલ્ટા હન્ટ'થી ઘુસણખોરો પર તવાઈ, 500થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા
સાયબર ગુનાઓ સામે ડેટાબેઝ આધારિત કાર્યવાહી
રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં વધુ અસરકારક કાર્યવાહી માટે રાજ્યભરમાં સાયબર ગુનાઓ અને સંદિગ્ધ એકાઉન્ટ્સનો વિશાળ ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ડેટાબેઝના આધારે ગુનાઓની પેટર્ન, આરોપીઓના નેટવર્ક અને નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કરીને વધુ ઝડપી કાર્યવાહી શક્ય બનશે. સાયબર પોલીસ દ્વારા બેંકો, નાણાકીય સંસ્થાઓ અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન વધારવામાં આવી રહ્યું છે જેથી શંકાસ્પદ વ્યવહારોને સમયસર ઓળખી શકાય અને નુકસાન અટકાવી શકાય.
ફ્રોડની રકમ ફ્રીઝ કરવામાં પણ મોટી સફળતા
સાયબર ઠગાઈમાં ગુમાવેલા નાણાં બચાવવા માટે પણ ગુજરાત પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગયા મહિને સાયબર ફ્રોડ સંબંધિત ફરિયાદોમાંથી અંદાજે 41 ટકા જેટલી રકમ સમયસર ફ્રીઝ કરવામાં સફળતા મળી હતી. જેના કારણે અનેક પીડિતોને તેમની રકમ પરત મેળવવાની આશા વધી છે. સાયબર ગુનાઓનું સ્વરૂપ દિવસેને દિવસે વધુ જટિલ બનતું જઈ રહ્યું છે ત્યારે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.2’ રાજ્ય અને દેશસ્તરે કાર્યરત સાયબર ઠગાઈના નેટવર્ક સામે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં વધુ ધરપકડો અને મોટા ખુલાસાઓ થવાની શક્યતા અધિકારીઓએ વ્યક્ત કરી છે.





