Home Gujarat Rajkot Rajkot New Flora School Fire Noc Bu Certificate Allegations

રાજકોટમાં વધુ એક 'ભૂતિયા સ્કૂલ'નો આક્ષેપ : ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે કોંગ્રેસની ફરિયાદ

rajkot New Flora School
Published by: Chintan Chavda
Last Updated: Jul 18, 2026, 12:07 PM IST

રાજકોટમાં શૈક્ષણિક સંસ્થાઓને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. શહેરના પેડક રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સામે કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને લેખિત રજૂઆત કરીને સ્કૂલ મંજૂરી વિના રહેણાંક મકાનમાં ચલાવવામાં આવી રહી હોવાનો દાવો કર્યો છે.

કોંગ્રેસના જણાવ્યા મુજબ, અગાઉ આરટીઈ હેઠળ અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ પાસેથી ગેરકાયદેસર રીતે રૂ. 4,045ની ફી વસૂલવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ મળી હતી. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત પણ કરવામાં આવી હતી. આક્ષેપ છે કે ફી ન ભરાતા વિદ્યાર્થીનીઓને ક્લાસની બહાર ઉભી રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદના પાલડીમાં ₹49 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : ઘરકામ કરતો વ્યક્તિ જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, એક આરોપી ઝડપાયો; બે હજુ ફરાર

'સીલ કરાયેલી સ્કૂલ અન્ય સ્થળે શરૂ કરી દેવાઈ' હોવાનો દાવો

રોહિતસિંહ રાજપૂતનો દાવો છે કે વર્ષ 2024માં TRP ગેમઝોન દુર્ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની શાળાઓ અને ક્લાસિસમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે ફાયર NOC અને બિલ્ડિંગ યુઝ (BU) સર્ટિફિકેટ ન હોવાથી બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું હતું.

તેમણે આક્ષેપ કર્યો કે ત્યારબાદ સ્કૂલ સંચાલકોએ જિલ્લા શિક્ષણ વિભાગની સ્થળ ફેરફાર (શિફ્ટિંગ) માટેની મંજૂરી લીધા વગર જ એક રહેણાંક મકાનમાં સ્કૂલ શરૂ કરી દીધી છે. આ બાબતે તેમણે DEOને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલે તપાસ કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: ચૈતર વસાવાના સમર્થનમાં 1 લાખથી વધુ લોકો કરશે હસ્તાક્ષર : કાર્યક્રમની નવી તારીખ જાહેર


મંજૂરી ન હોય તો માન્યતા રદ કરવાની માંગ

કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે જો સ્થળ ફેરફાર માટે જરૂરી મંજૂરી લેવામાં આવી ન હોય તો તે શિક્ષણ વિભાગના નિયમોનો ગંભીર ભંગ ગણાય છે અને આવી સ્થિતિમાં સ્કૂલની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ છે. તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લા શિક્ષણ વિભાગ આ મુદ્દે પૂરતી ગંભીરતા દાખવી રહ્યો નથી અને તપાસમાં વિલંબ થઈ રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે રાજકોટમાં આવી અનેક "ડમી" અથવા "ભૂતિયા" સ્કૂલો ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે, જ્યાં વાલીઓ પાસેથી ઊંચી ફી લેવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓ અંગે જરૂરી ધોરણોનું પાલન થતું નથી.

આ પણ વાંચો: જમીનનું સ્વાસ્થ્ય બચાવવું હોય તો પ્રાકૃતિક ખેતી અપનાવો : ગાંધીનગરના મહુન્દ્રા ગામમાં CM ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મનું કર્યું નિરીક્ષણ

પ્રી-સ્કૂલ પણ નિયમો વિના ચાલતી હોવાનો આક્ષેપ

રોહિતસિંહ રાજપૂતે વધુ એક ગંભીર દાવો કરતાં જણાવ્યું કે જે બિલ્ડિંગ અગાઉ સીલ કરવામાં આવ્યું હતું, ત્યાં હાલમાં પ્રી-સ્કૂલ પણ ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિના ચલાવવામાં આવી રહી હોવાની માહિતી તેમની પાસે છે. તેમણે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરીને જો નિયમભંગ સામે આવે તો સંચાલકો સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે.

જોકે, આ તમામ આક્ષેપો અંગે ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અથવા જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now