રાજકોટ શહેરના નવા મેયર નેહલ શુક્લએ પદભાર સંભાળ્યા બાદ જ તંત્રને જવાબદારી અને ગુણવત્તા બાબતે સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે. શહેરમાં અંદાજે 72 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સાંઢિયા પુલની મુલાકાત દરમિયાન મેયર સહિતના પદાધિકારીઓએ કામગીરીમાં રહેલી ખામીઓ અંગે અધિકારીઓ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક સુધારાના આદેશ આપ્યા હતા.
સાંઢિયા પુલની સ્થળ મુલાકાત દરમિયાન મેયર નેહલ શુક્લા સાથે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ખાસ વાત એ રહી કે પુલના નિર્માણનો પ્રારંભ જેમના કાર્યકાળ દરમિયાન થયો હતો તે પૂર્વ પદાધિકારીઓને પણ આ નિરીક્ષણમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
‘રેડી ટુ યુઝ’ રિપોર્ટ છતાં સ્થળ નિરીક્ષણમાં સામે આવી ખામીઓ
મેયર નેહલ શુક્લાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તંત્ર તરફથી એવો રિપોર્ટ આપવામાં આવ્યો હતો કે પુલ સંપૂર્ણપણે તૈયાર છે અને હવે તેનું લોકાર્પણ કરી શકાય છે. જોકે સ્થળ પર જાતે કરેલા નિરીક્ષણ દરમિયાન કેટલીક સ્પષ્ટ ખામીઓ નજરે પડી હતી.
મેયરે જણાવ્યું કે, “અમને એવો રિપોર્ટ મળ્યો હતો કે પુલ સંપૂર્ણ તૈયાર છે, પરંતુ સ્થળ નિરીક્ષણ દરમિયાન અમુક એવી ત્રુટીઓ જોવા મળી છે જે આંખે ઊડીને વળગે તેવી છે. આ તમામ ખામીઓ તાત્કાલિક દૂર કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.”
મુલાકાત દરમિયાન પુલના ફિનિશિંગ વર્ક અને અન્ય તકનિકી બાબતોમાં કેટલીક ક્ષતિઓ જોવા મળતાં પદાધિકારીઓએ પણ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. શહેરના નાગરિકો માટે તૈયાર થનારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં આવી ખામીઓ સામે આવતા જવાબદારી નક્કી કરવાની માંગ પણ ઉઠી હતી.
આ પણ વાંચો: યુપી-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48 લોકોના મોત : દેશના 15 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
ગુણવત્તા મુદ્દે કોઈ સમાધાન નહીં
મેયર નેહલ શુક્લાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જાહેર સુવિધા સાથે જોડાયેલા પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે હાલની પ્રથમ પ્રાથમિકતા પુલમાં રહેલી તમામ ત્રુટીઓને દૂર કરવાની છે.
“જે કાંઈ ખામીઓ છે તેને તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી છે. ત્યારબાદ સંબંધિત દસ્તાવેજો અને પ્રક્રિયાની સમીક્ષા કરીને જ્યાં જરૂરી હશે ત્યાં લોકોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે,” એમ તેમણે જણાવ્યું.
પત્રકારો દ્વારા અધિકારીઓના સંભવિત બચાવ અને કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ અટકાવવાની શક્યતા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મેયરે સંકેત આપ્યો હતો કે સમગ્ર મામલાની તપાસ બાદ જરૂરી નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો: NEET વિવાદને લઈ PM મોદીના નિરીક્ષણના દાવા પર રાહુલ ગાંધીનો કટાક્ષ : કહ્યું- 'પેપર લીકનું પણ વ્યક્તિગત નિરીક્ષણ કર્યું હશે'
થોડા જ દિવસોમાં પુલ ખુલ્લો મુકવાનો દાવો
સાંઢિયા પુલના લોકાર્પણ અંગે પૂછવામાં આવતા મેયરે જણાવ્યું હતું કે ખામીઓ દૂર કરવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને “આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસોમાં” પુલ લોકોને સમર્પિત કરવામાં આવશે.
આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર પુલને ઝડપથી કાર્યરત કરવા માંગે છે, પરંતુ ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. પુલ ખુલ્લો મુકાયા બાદ શહેરના ટ્રાફિક દબાણમાં રાહત મળવાની પણ અપેક્ષા છે.
આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય : ટીવી પર હવે 12 મિનિટથી વધુ એડ નહીં બતાવી શકાય
સતત મેદાનમાં ઉતરી રહ્યા છે નવા મેયર
મેયર તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નેહલ શુક્લા સતત વિવિધ પ્રોજેક્ટ અને જાહેર સેવાઓની સમીક્ષા કરી રહ્યા છે. તાજેતરમાં સિવિક સેન્ટરની મુલાકાત દરમિયાન પણ તેમણે સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા અને ઝડપી નિરાકરણ માટે સૂચનાઓ આપી હતી.
રાજકોટ મનપાની નવી ટીમ દ્વારા એક અલગ કાર્યશૈલીનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. નવા અને પૂર્વ પદાધિકારીઓને સાથે રાખીને કરવામાં આવતી મુલાકાતો દ્વારા વિકાસ કાર્યોમાં સાતત્ય અને સંકલનની ભાવના દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે.
સાંઢિયા પુલની મુલાકાત દરમિયાન આપવામાં આવેલા કડક સંદેશથી સ્પષ્ટ બન્યું છે કે રાજકોટના નવા મેયર વિકાસ કાર્યોમાં ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારીના મુદ્દે કોઈ સમાધાન કરવા તૈયાર નથી. હવે તંત્ર ખામીઓ કેટલી ઝડપથી દૂર કરે છે અને પુલ ક્યારે જાહેર જનતા માટે ખુલ્લો મુકાય છે તેના પર સૌની નજર રહેશે.





