Home Gujarat Rajkot Rajkot University Police Station Murder Case Wife Killed Husband

માથામાં હથોડીના ઘા પર ઘા ઝીંકીને પત્નીને પતાવી પતિ ફરાર : 4 દિવસ પહેલાં રાજકોટનાં આ જ વિસ્તારમાં પૌત્રએ કાઢી નાંખ્યું હતું દાદાનું કાસળ

Rajkot Crime News
Play Video
Published by: Vishal Dave
Last Updated: May 29, 2026, 11:47 AM IST

Rajkot Crime News: રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરે તેવી સળગતી ઘટના સામે આવી છે. શહેરમાં માત્ર ચાર જ દિવસના ટૂંકા ગાળામાં પારિવારિક હિંસાની આ બીજી લોહીયાળ ઘટના છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ આવેલા શિવાલિક બિલ્ડિંગના પહેલા માળે, ફ્લેટ નંબર 102માં એક પતિએ કૌટુંબિક ઝઘડામાં આવેશમાં આવીને પોતાની જ પત્નીને હથોડીના અગણિત ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર રાજકોટ શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

સામાન્ય ઝઘડો ઉગ્ર બન્યો: આવેશમાં આવી પતિએ આચર્યું કરપીણ કૃત્ય

મળતી વિગતો અનુસાર, શિવાલિક બિલ્ડિંગમાં રહેતા અલ્તાફભાઈ લાલાણીને આજે (29 મે) સવારના સમયે તેમની 40 વર્ષીય પત્ની શિલ્પાબેન લાલાણી સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વધી ગયો કે અલ્તાફભાઈએ ગુસ્સા પરનો કાબૂ ગુમાવી દીધો હતો. તેમણે ઘરમાં રહેલી હથોડી વડે શિલ્પાબેનના માથાના ભાગે આડેધડ અનેક ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા શિલ્પાબેનને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે તુરંત યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે: હત્યારા પતિને પકડવા ચક્રો ગતિમાન

એક જ વિસ્તારમાં ટૂંકા સમયમાં બીજી હત્યાની ખબર મળતા જ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. DCP ઝોન-2 રાકેશ દેસાઈ, ઇન્ચાર્જ ACP (પશ્ચિમ વિભાગ) આર.એસ. બારીઆ તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હત્યા આચરીને ફરાર થઈ ગયેલા નરાધમ પતિ અલ્તાફને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી શરૂ કરી છે.

હજુ ચાર દિવસ પહેલા જ પૌત્રએ કરી હતી સગા દાદાની હત્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 25 મેના રોજ યુનિવર્સિટી પોલીસ મથકની હદમાં જ આવેલા રામાપીર ચોક નજીકના શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ આવી જ એક લોખંડી કરૂણાંતિકા સર્જાઈ હતી. જ્યાં મોહિત મિયાત્રા નામના પૌત્રએ વહેલી સવારે પોતાના સગા દાદા અરજણભાઈ મિયાત્રાને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને પતાવી દીધા હતા. આ ગુનામાં પોલીસે ત્વરિત એક્શન લઈને આરોપી પૌત્રને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, ત્યાં જ આ બીજી ઘટના પ્રકાશમાં આવતા પોલીસ પેટ્રોલીંગ અને કાયદાના ડર સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.

જમીન ધિરાણના વિવાદમાં દાદાને મોતના ઘાટ ઉતારી રચાયું હતું નાટક

25 મેના રોજ બનેલી દાદાની હત્યા પાછળ આર્થિક વિવાદ જવાબદાર હતો. દાદાની જમીન પર ધિરાણ (લોન) લીધા બાદ પૌત્ર મોહિત તે ભરપાઈ કરતો ન હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે ઉગ્ર બોલાચાલી બાદ પૌત્રએ દાદાને ફળિયાની રેંકડીમાં પછાડી, લોખંડના ટેબલ વડે માથામાં હુમલો કર્યો હતો. ગુનો છુપાવવા પૌત્રએ ફુવાને ફોન કરી 'દાદા પડી ગયા છે' તેવું નાટક રચી તેમને હોસ્પિટલ લઈ ગયો હતો અને પોસ્ટમોર્ટમ કરાવવાનો ઈનકાર કરતો હતો. જો કે, માથા પરના શંકાસ્પદ ઘા જોઈ પોલીસે સઘન પૂછપરછ કરતા અંતે પૌત્ર ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now