રાજકોટના ગલી-કૂંચીઓમાં ચાલતો ડ્રગ્સનો કાળો કારોબાર હવે એટલી હદે નીચે ઊતરી ગયો છે કે સાંભળીને પણ રુંવાડા ઊભા થઈ જાય. શહેરમાં માદક પદાર્થોની હેરાફેરીનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે માત્ર પોલીસને જ નહીં પણ સમગ્ર સભ્ય સમાજને હચમચાવી દીધો છે. ડ્રગ્સના સોદાગરો હવે કાયદાના સકંજામાંથી બચવા માટે નિર્દોષ અને સગીર વયના બાળકોનો ઉપયોગ કરતા અચકાતા નથી.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 19 કિલો ગાંજો પકડાયો છે, પણ આ આંકડા કરતાં પણ વધુ ભયાનક વાત એ છે કે આ જથ્થાની ચોકીદારી એક સગીર બાળકી પાસે કરાવવામાં આવતી હતી.
SOGની ગુપ્ત રેડ અને કાળજા કંપી જાય તેવી વાસ્તવિકતા
રાજકોટ પોલીસની SOG ટીમને એક સચોટ બાતમી મળી હતી કે જંગલેશ્વરના વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં કોઈ મોટું ‘કન્સાઈનમેન્ટ’ છુપાવવામાં આવ્યું છે. આ માહિતીના આધારે ટીમે રણનીતિ બનાવી અને ઓચિંતા દરોડા પાડયા.
તપાસ દરમિયાન રહેણાંક મકાનમાંથી કુલ 19.06 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત આશરે 9.53 લાખ રૂપિયા જેટલી થાય છે. પરંતુ જ્યારે પોલીસે આ જથ્થા સાથે એક નાની બાળકીને કસ્ટડીમાં લીધી, ત્યારે તપાસ અધિકારીઓ પણ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી પહેલા રાજકોટમાં AAP ની મુશ્કેલી વધી : 2 નેતાઓ સામે પોલીસ ફરિયાદ; જાણો શું છે વિવાદ?
આ કાળા કારોબારના મુખ્ય સૂત્રધાર જંગલેશ્વરના રહેવાસી શોએબ તૈલી અને તેની પત્ની ઝૈબા તૈલી નીકળ્યા. આ દંપતીએ પોલીસને ચકમો આપવા માટે એક અત્યંત નિર્દય માર્ગ પસંદ કર્યો હતો. તેમને લાગ્યું કે જો ડ્રગ્સનો જથ્થો કોઈ સગીરાના ઘરમાં હશે, તો પોલીસ ક્યારેય ત્યાં તપાસ કરવા નહીં આવે.
આમ, તેમણે એ માસૂમ બાળકીને ગાંજાની ‘સેફ-કીપર’ બનાવી દીધી. હાલ પોલીસે બાળકીને ડીટેઈન કરી ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરને સોંપી છે, જ્યારે ફરાર થઈ ગયેલા શોએબ અને ઝૈબાને પકડવા માટે અલગ-અલગ ટીમો કામે લગાડી છે. પોલીસને આશંકા છે કે આ જથ્થો ઓડિશા કે આંધ્રપ્રદેશના રૂટ પરથી અહીં પહોંચાડવામાં આવ્યો હતો.





