Home Gujarat Rajkot Rajkot Gas Cylinder Blast Hansraj Nagar

રાજકોટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ : એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝ્યા

રાજકોટમાં LPG બ્લાસ્ટ બાદ આવેલી એમ્બ્યુલન્સ
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Apr 25, 2026, 12:12 PM IST

રાજકોટ શહેરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા છે. શહેરના કોઠારીયા રોડ પર આવેલા રણુજા મંદિર પાસે હંસરાજ નગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે આ દુર્ઘટના બની હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ઘરની ઓરડી ઉપર મૂકાયેલા પતરાં કાગળની જેમ ઉડી ગયા અને આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો ધ્રુજારો અનુભવાયો હતો.

ધડાકાનો મોટો અવાજ સાંભળતા જ આસપાસના લોકોમાં ભારે ભય અને ફફડાટ ફેલાઈ ગયો હતો. લોકો તરત જ પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. સ્થળ પર ગભરાટભર્યું દૃશ્ય સર્જાયું હતું, જ્યાં આગની જ્વાળાઓ અને ધુમાડાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

એક જ પરિવારના પાંચ સભ્યો દાઝ્યા

મળતી માહિતી મુજબ, હંસરાજ નગરમાં ભાડાની ઓરડીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના સતંદર ચૌહાણ (ઉ.વ.26), પરવેઝ ચૌહાણ (ઉ.વ.26), વિશાલ ચૌહાણ (ઉ.વ.23), શિવમ ચૌહાણ (ઉ.વ.23) અને રિમાબેન નિતેશભાઈ પનોજીયા (ઉ.વ.23) ઘટનાના સમયે ઘરમાં હાજર હતા. આ દરમિયાન ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી અને તમામ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબી સૂત્રો મુજબ, પાંચમાંથી બે વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે અન્યને પણ દાઝી જવાથી નોંધપાત્ર ઇજાઓ પહોંચી છે.

નવો સિલિન્ડર લીકેજ હોવાની આશંકા

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઘટના પહેલા ગેસનો બાટલો ખાલી થઈ જતાં નવો સિલિન્ડર લગાવવામાં આવ્યો હતો. અનુમાન છે કે આ નવો સિલિન્ડર લીકેજ હોઈ શકે છે. ગેસ ચાલુ કરતા જ આગ ભભૂકી ઉઠી અને થોડી જ ક્ષણોમાં વિસ્ફોટ થયો હતો.

આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ગેસ સિલિન્ડરની ગુણવત્તા અને કનેક્શનની તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદ લેવામાં આવી રહી છે.

પરિવારજનોનો આક્રંદ, કારણ અંગે અનિશ્ચિતતા

બનાવ અંગે પરિવારજનોમાં ભારે દુઃખ અને ચિંતા જોવા મળી રહી છે. ઘટનાની માહિતી આપતા પિંકીબેન ચૌહાણે જણાવ્યું હતું કે રાત્રે લગભગ 9:30 વાગ્યે ઘરમાં રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે અચાનક આ દુર્ઘટના બની હતી.

તેમણે જણાવ્યું કે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ ડૉક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. “બે લોકોની હાલત ગંભીર છે, જ્યારે અન્યને પણ ગંભીર ઈજા પહોંચી છે. ડૉક્ટરો યોગ્ય સારવાર આપે અને તમામ ઝડપથી સ્વસ્થ થાય તે અમારી માંગ છે,” એમ તેમણે કહ્યું.

પિંકીબેને વધુમાં ઉમેર્યું કે આ દુર્ઘટના કેમ બની તે અંગે તેઓ પોતે પણ અજાણ છે.


આ પણ વાંચો: ગુજરાતમાં AAP ને મોટો ઝટકો : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પાર્ટીનો સાથ છોડ્યો

વિસ્તારમાં ચિંતાનો માહોલ, તપાસ ચાલુ

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોએ ઝડપી મદદ પહોંચાડી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં સહાય કરી. હાલ સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છે અને લોકોમાં ભય વ્યાપી ગયો છે.

પોલીસ અને સંબંધિત એજન્સીઓ દ્વારા ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. FSL રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે બ્લાસ્ટનું મૂળ કારણ શું હતું? લીકેજ, ટેક્નિકલ ખામી કે અન્ય કોઈ પરિબળ.

આ ઘટના ફરી એકવાર ગેસ સિલિન્ડર સુરક્ષા અંગે સવાલો ઊભા કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે ગેસ સિલિન્ડર વાપરતી વખતે નિયમિત ચેકિંગ, યોગ્ય કનેક્શન અને સાવચેતી જરૂરી છે જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now