Home Gujarat Rajkot Rajkot Chandipura Virus Positive Case Gondal Panchiyawadar

રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક કેસ પોઝિટિવ : આરોગ્ય તંત્ર એલર્ટ; 10 દિવસ સુધી ખાસ સર્વેલન્સ

ઓમ પ્રકાશ અને સેન્ડફલાય
Published by: Chintan Chavda
Last Updated: Jul 23, 2026, 12:01 PM IST

રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કુલ છ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી ચાર દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક દર્દીમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. વધુ એક શંકાસ્પદ દર્દીના સેમ્પલનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગોંડલ તાલુકાના પંચિયાવાદર ગામમાં ચાંદીપુરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. હાલ એક દર્દીની સારવાર વેન્ટિલેટર પર ચાલી રહી છે, જ્યારે અન્ય બે દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું આરોગ્ય તંત્રે જણાવ્યું છે.

પંચિયાવાદર ગામમાં ઘેરેઘેર સર્વે, આરોગ્ય ટીમો મેદાનમાં

એક કેસની પુષ્ટિ થયા બાદ આરોગ્ય વિભાગે પંચિયાવાદર ગામમાં તાત્કાલિક સર્વેલન્સ શરૂ કર્યું છે. ગામના 200થી વધુ ઘરો અને 1,000થી વધુ લોકોનો આરોગ્ય સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. ઉપરાંત પાંચથી છ આરોગ્ય ટીમો દ્વારા દરરોજ સર્વેલન્સ, મેલાથિઓન ડસ્ટિંગ અને ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે (IRS)ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સેન્ડફ્લાયના પ્રજનનને રોકવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આગામી 10 દિવસ સુધી સમગ્ર વિસ્તારનું સતત મોનિટરિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો: વડોદરાના ચારણપુરામાં નોંધાયો ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ : બાળક સયાજી હોસ્પિટલમાં દાખલ; 10 ગામોમાં આરોગ્ય વિભાગ એલર્ટ

સેન્ડફ્લાયના નમૂનાઓ તપાસ માટે ગાંધીનગર મોકલાયા

ચાંદીપુરા વાયરસના સંક્રમણના સ્ત્રોત અંગે વધુ માહિતી મેળવવા માટે ગોંડલ વિસ્તારમાંથી પાંચ સેન્ડફ્લાય પકડી તેમના નમૂનાઓ તપાસ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ પરીક્ષણના આધારે સ્થાનિક સ્તરે વાયરસના ફેલાવાની સ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

કલેક્ટરની અપીલ: ઘરના તિરાડો પુરાવો, બાળકોને મચ્છરદાનીમાં સુવડાવો

રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ રેબડોવાયરસ (Rhabdovirus) જૂથનો વાયરસ છે અને તેનો ફેલાવો મુખ્યત્વે સેન્ડફ્લાય દ્વારા થાય છે. તેમણે જણાવ્યું કે જો કોઈ સંક્રમિત વ્યક્તિને સેન્ડફ્લાય કરડે તો વાયરસ સેન્ડફ્લાયમાં પહોંચી શકે છે અને ત્યારબાદ તે અન્ય વ્યક્તિને સંક્રમિત કરી શકે છે.

તેમણે જણાવ્યું કે આ રોગ ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. જૂના મકાનોની દિવાલોમાં પડેલી તિરાડો અને ભેજવાળા સ્થળો સેન્ડફ્લાયના નિવાસસ્થાન બની શકે છે. તેથી લોકોએ ઘરની તિરાડો પુરાવી દેવી, સ્વચ્છતા જાળવવી અને નાના બાળકોને શક્ય હોય ત્યાં સુધી મચ્છરદાનીમાં સુવડાવવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: જૂનાગઢના માંગરોળમાં 3 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસ હોવાની શંકા : સેમ્પલ ગાંધીનગર મોકલાયું, રાજકોટમાં સારવાર શરૂ

માનવથી માનવમાં ફેલાતો નથી ચાંદીપુરા વાયરસ

કલેક્ટર ઓમ પ્રકાશે સ્પષ્ટ કર્યું કે ચાંદીપુરા વાયરસ માનવથી માનવમાં ફેલાતો નથી. કોરોના અથવા ઇન્ફ્લુએન્ઝાની જેમ આ ચેપી રોગ નથી. આ સંક્રમણ માત્ર સંક્રમિત સેન્ડફ્લાયના કરડવાથી જ ફેલાય છે. જોકે આ રોગ ગંભીર બની શકે છે, તેથી સમયસર સારવાર અને બચાવના પગલાં અત્યંત જરૂરી છે.

તેમણે જણાવ્યું કે આરોગ્ય વિભાગની ટીમો અસરગ્રસ્ત વિસ્તારમાં સતત હાજર છે અને સર્વેલન્સ, ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે, ડસ્ટિંગ તેમજ જાગૃતિ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now