Home National Raja Raghuvanshi Murder Case Sonam Raghuvanshi Bail Supreme Court Hearing

રાજા રઘુવંશી હત્યાકાંડમાં મોટો ટ્વિસ્ટ! : સોનમ રઘુવંશીની મુશ્કેલી વધી શકે, જામીન રદ કરાવવા સુપ્રીમ કોર્ટ પહોંચી મેઘાલય સરકાર

Raja Raghuvanshi Murder Case
Published by: Nirali Gohil
Last Updated: Jul 02, 2026, 08:49 AM IST

Raja Raghuvanshi Murder Case: ઇન્દોરના ટ્રાન્સપોર્ટ વ્યવસાયી રાજા રઘુવંશીની ચર્ચાસ્પદ હત્યાકાંડ ફરી એકવાર સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચ્યો છે. કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને મળેલી જામીન સામે મેઘાલય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારની માંગ સ્વીકારી લીધી છે અને હવે આ મામલે શુક્રવારે વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે. દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા આ કેસમાં સોનમ રઘુવંશીને મળેલી જામીન સામે મેઘાલય સરકારનું કહેવું છે કે, આરોપી સામે અત્યંત ગંભીર આરોપો છે અને જો જામીન યથાવત રાખવામાં આવશે તો તે કાયદાની પહોંચથી દૂર ભાગી શકે છે. આ કારણોસર રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.

મેઘાલય સરકારનું સુપ્રીમ કોર્ટમાં દલીલ

રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે અદાલત સમક્ષ કેસની ગંભીરતા પર ભાર મૂકતાં જણાવ્યું કે આ એ જ મહિલા છે જેણે પોતાના પતિને ઇન્દોરથી મેઘાલય લઈ જઈને ત્રણ અન્ય સાથીઓની મદદથી તેની નિર્દયતાથી હત્યા કરી હતી અને બાદમાં મૃતદેહનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે અદાલતને યાદ અપાવ્યું કે, અગાઉ પણ સોનમ રઘુવંશીની બે વખત જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી, કારણ કે તપાસ એજન્સીઓને તેના ફરાર થઈ જવાની શક્યતા અંગે ગંભીર શંકા હતી.

માત્ર ટેકનિકલ ભૂલના આધારે મળી જામીન?

સુપ્રીમ કોર્ટમાં દલીલ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે સોનમ રઘુવંશીને એક ટેકનિકલ કારણસર જામીન મળી ગઈ હતી. તેમના કહેવા મુજબ ધરપકડ સમયે આરોપીને ધરપકડના તમામ કારણો સંપૂર્ણ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા ન હતા અને સત્તાવાર દસ્તાવેજમાં માત્ર એક કાનૂની કલમનો નંબર લખવામાં ટાઇપિંગની ભૂલ થઈ હતી. તુષાર મહેતાએ દલીલ કરી કે, આવી નાની અને સામાન્ય ટેકનિકલ ભૂલના આધારે હત્યા જેવા ગંભીર ગુનાના મુખ્ય આરોપીને જામીન આપવી યોગ્ય નથી. તેમણે અદાલતને વિનંતી કરી કે, કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીનના આદેશ પર પુનર્વિચાર કરવામાં આવે.

આ પણ વાંચો: કેતનનું મર્ડર કેવી રીતે કરવું, તેની પ્રેક્ટિસ પણ કરી હતી : પુણે હત્યા કેસમાં નવો ખુલાસો, આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા

આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

મેઘાલય સરકારે સુપ્રીમ કોર્ટને સ્પષ્ટ જણાવ્યું છે કે, જો સોનમ રઘુવંશીની જામીન યથાવત રહેશે તો તે તપાસ પ્રક્રિયાને અસર પહોંચાડી શકે છે અથવા ફરાર થવાનો પ્રયાસ કરી શકે છે. આ કારણે રાજ્ય સરકારે કેસને તાત્કાલિક સુનાવણી માટે યાદીમાં સામેલ કરવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શુક્રવારે આ કેસની વિસ્તૃત સુનાવણી કરવા મંજૂરી આપી છે. હવે સમગ્ર દેશની નજર સુપ્રીમ કોર્ટના આગામી નિર્ણય પર ટકેલી છે, કારણ કે આ કેસ પહેલેથી જ દેશવ્યાપી ચર્ચાનો વિષય બની ચૂક્યો છે.

શું છે રાજા રઘુવંશી હત્યાકાંડ?

રાજા રઘુવંશી હત્યાકાંડ છેલ્લા કેટલાક મહિનાથી દેશના સૌથી ચર્ચિત ગુનાહિત કેસોમાં સામેલ રહ્યો છે. આરોપ છે કે સોનમ રઘુવંશીએ પોતાના પતિ રાજા રઘુવંશીને મેઘાલય લઈ જઈને ત્રણ અન્ય આરોપીઓ સાથે મળીને તેની હત્યા કરી હતી. હત્યાની ઘટના બાદ મૃતદેહને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સોનમ પણ કેટલાક દિવસો સુધી ગુમ હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા, જેના કારણે કેસને રાષ્ટ્રીય સ્તરે વિશેષ ધ્યાન મળ્યું હતું. હવે સોનમને મળેલી જામીન સામે રાજ્ય સરકારના પડકાર બાદ આ કેસમાં કાનૂની લડાઈ વધુ રસપ્રદ બની છે અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય સમગ્ર મામલાની દિશા નક્કી કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now