Ketan Agrawal Murder Case: પુણેના ચકચારી કેતન અગ્રવાલ હત્યા કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. કેતનની હત્યાના આરોપમાં પકડાયેલી તેની મંગેતર સિયા ગોયલનો ૭ મહિના જૂનો (ડિસેમ્બર 2025નો) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં નવો વળાંક આવ્યો છે. વીડિયોમાં સિયા હાથમાં બીયરની બોટલ સાથે એક પબમાં ફોન પર કોઈને ભારે અપશબ્દો બોલતી અને 'પહેલા તું મને છેતરે છે અને પછી મને જ ફોન કરે છે' તેમ કહી બૂમો પાડતી દેખાય છે. પોલીસ તપાસ મુજબ, સિયાએ તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને મંગેતર કેતનને લોહાગઢ કિલ્લા પરથી ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે, આ નવા વાઇરલ વીડિયો બાદ હવે કેસમાં કોઈ ચોથા વ્યક્તિની એન્ટ્રી થઈ હોવાની અને સિયાના અન્ય કોઈ સાથે પણ સંબંધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
પુણેના કેતન અગ્રવાલના હત્યા કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલી સિયા ગોયલ અને ચેતન ચૌધરી સાથે જોડાયેલી ઘણી ચોંકાવનારી માહિતી સતત સામે આવી રહી છે. આરોપ મુજબ, સિયાએ ચેતન સાથેના અફેરને કારણે તેના મંગેતર કેતનથી છૂટકારો મેળવવા માટે તેને લોહાગઢ કિલ્લા પરથી ધક્કો મારીને તેની હત્યા કરી દીધી હતી. એટલે કે, સંબંધમાં કોઈ ત્રીજા વ્યક્તિને કારણે હત્યાની વાત સામે આવી છે.
હાથમાં બીયરની બોટલ લઈને ફોન પર ગાળો બોલતી સિયાનો વીડિયો વાઇરલ
પરંતુ હવે સામે આવેલા સિયાના 7 મહિના જૂના એક વીડિયો પરથી લાગે છે કે જાણે કોઈ ચોથો પણ હતો. વાઇરલ થયેલા ડિસેમ્બર 2025ના આ વીડિયોમાં સિયા એક પબની અંદર દેખાઈ રહી છે. તેના હાથમાં બીયરની બોટલ છે અને તે મોબાઈલ ફોન પર કોઈની સાથે ઊંચા અવાજે વાત કરતી જોવા મળી રહી છે. પબના મ્યુઝિકના ઘોંઘાટમાં તે બૂમ પાડીને કહે છે- 'પહેલા તું મને છેતરે છે અને પછી મને જ ફોન કરે છે.' હાથમાં બીયર લઈને ફોન પર ગાળો બોલતી સિયા આ દરમિયાન તે કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કરતી પણ જોવા મળે છે. વીડિયોમાં તેના વર્તનને લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચાઓ થઈ રહી છે.
આ પહેલા પણ સિયા ગોયલ સાથે જોડાયેલો એક અન્ય વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયોમાં તે તેના ચેતન ચૌધરી સાથે મહારાષ્ટ્ર ક્રિકેટ લીગનો મેચ જોતી જોવા મળી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ બંને વચ્ચેના સંબંધોને લઈને પણ ઘણી વાતો સામે આવવા લાગી હતી.
એક દિવસ પહેલા જ સિયાના પિતા પ્રવીણ ગોયલે પહેલીવાર આ સમગ્ર મામલે ખુલીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે દાવો કર્યો કે તેમને પોતાની દીકરી સિયા અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીના સંબંધો વિશે કોઈ જાણકારી નહોતી. તેમણે કહ્યું કે જો તેમને પહેલા આ સંબંધ વિશે ખબર હોત તો તેઓ સિયા અને કેતનના લગ્નના નિર્ણય પર ફરીથી વિચાર કરત. ગઈકાલે કેતન મર્ડર કેસમાં પોલીસ આરોપી અને સિયા ગોયલના પ્રેમી ચેતન ચૌધરીને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ. અહીં તેનું ગેટ એનાલિસિસ કરવામાં આવ્યું. 18 જૂનના રોજ હત્યાના દિવસે પોલીસને CCTV ફૂટેજ મળ્યા હતા. તેમાં એક વ્યક્તિ હુડી પહેરીને જતો દેખાયો.
પોલીસને શંકા છે કે આ સિયાનો પ્રેમી ચેતન છે. ચેતનને કિલ્લા પર ચલાવીને જોવામાં આવ્યો. તેની હુડી પહેરવાની સ્ટાઈલ અને બોડી લેંગ્વેજ રેકોર્ડ કરવામાં આવી. હવે તેનું ફૂટેજ સાથે મેચિંગ કરવામાં આવશે. બીજી તરફ, સિયા અને ચેતનના પ્રી-વેડિંગના એક ફંક્શનનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. તેમાં આખો પરિવાર 'બસ આજ કી રાત હૈ જિંદગી, કલ હમ કહાં તુમ કહાં' ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જોકે, આ વીડિયોમાં કેતન છે, પરંતુ સિયા દેખાતી નથી.
સિયાએ કેતન પાસેથી ₹1 કરોડ લીધા હતા
પોલીસ ચેતનનું ગેટ એનાલિસિસ કરશે. ગેટ એનાલિસિસ એટલે કે પોલીસ ચેતનની ચાલવાની રીત, બોડી મૂવમેન્ટ, પગલાંની લંબાઈની તપાસ કરશે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે દાવો છે કે 18 જૂને હત્યાના દિવસે લોહગઢ ફોર્ટ પર હુડી પહેરીને દેખાયેલો યુવક ચેતન જ હતો. પુણે પોલીસના જણાવ્યા મુજબ, સિયાએ કેતન પાસેથી લગ્નની ખરીદીના નામે ₹1 કરોડ લીધા હતા. આ પૈસાથી ખરીદી કરી ન હતી, પરંતુ પૂરી રકમ પ્રેમી ચેતન ચૌધરીને આપી દીધી હતી.
સિયાના ભાઈને ₹10 કરોડનો માનહાનિનો નોટિસ
હત્યા કેસમાં વકીલને લઈને પણ વિવાદ સામે આવ્યો છે. બે વકીલો આશુતોષ શ્રીવાસ્તવ અને વિપુલ દુશિંગે સિયા ગોયલ વતી કોર્ટમાં દલીલ કરવાનો દાવો કર્યો છે. આશુતોષનું કહેવું છે કે સિયા ગોયલે પોતાનો કેસ લડવા માટે તેમને નિયુક્ત કર્યા છે. 29 જૂને સુનાવણી દરમિયાન વડગાંવ માવલ કોર્ટમાં સુનાવણી દરમિયાન સિયાએ કહ્યું કે આશુતોષ શ્રીવાસ્તવ મારા વકીલ નથી. મારી તરફથી વિપુલ દુશિંગ દલીલ કરી રહ્યા છે. આ પછી આશુતોષ શ્રીવાસ્તવે સાહિલ ગોયલને કાનૂની નોટિસ મોકલીને 10 કરોડ રૂપિયાના વળતરની માગ કરી છે. નોટિસમાં તેમણે માગ કરી છે કે સાહિલ (સિયાનો ભાઈ) તેમની વિરુદ્ધ આપેલા કથિત નિવેદનો તરત પાછા ખેંચે. જાહેરમાં બિનશરતી માફી માગે.
હત્યાના 6 દિવસની અંદર આરોપીની ધરપકડ
18 જૂનના રોજ કેતનની હત્યાના 6 દિવસની અંદર પોલીસે આરોપી સિયા અને ચેતનને અરેસ્ટ કરી લીધા. તપાસ દરમિયાન બંને આરોપી એકબીજાને માસ્ટરમાઇન્ડ ગણાવી રહ્યા છે. પોલીસ બંનેને સામસામે બેસાડીને પૂછપરછ પણ કરી ચૂકી છે.





