Home Gujarat Rain In Santrampur In Mahisagar

મહીસાગરમાં વાતાવરણમાં પલટો : સંતરામપુરમાં વરસાદ, ખેડૂતોની વધી ચિંતા

મહીસાગરમાં વાતાવરણમાં પલટો
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 08:30 AM IST

મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. રાત્રીના અંતિમ પહોરથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ઠંડકભર્યું વાતાવરણ સર્જાયું હતું. સવારે સંતરામપુર પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે લોકોમાં અચાનક બદલાયેલા હવામાનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જિલ્લા મથક લુણાવાડા સહિત મહીસાગરના તમામ તાલુકાઓ સંતરામપુર, કડાણા, બાલાસિનોર, વિરપુર અને ખાનપુર માં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દિવસની શરૂઆતથી જ સૂર્યદેવના દર્શન ન થતા આકાશ કાળા વાદળોથી છવાયેલું રહ્યું હતું. ક્યાંક ઠંડા પવન સાથે વાતાવરણ ભેજયુક્ત બન્યું તો ક્યાંક વરસાદી ઝાપટાંની શક્યતા દેખાઈ હતી.

સંતરામપુરમાં વરસાદી ઝાપટું

વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં રવિ પાકો અંતિમ અવસ્થામાં હોવાથી કમોસમી વરસાદ પડવાની આશંકા ખેડૂતો માટે ચિંતાજનક બની છે. જો વરસાદ વધુ વરસે તો ઘઉં, ચણા, જીરૂ જેવા પાકોને નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બાગાયતી પાકો તેમજ પશુઓ માટે સંગ્રહાયેલ ઘાસચારાને પણ વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી હવામાન સુકું અને અનુકૂળ હતું, પરંતુ અચાનક બદલાયેલા વાતાવરણથી ખેતી પર સીધી અસર પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને ખેતરોમાં તૈયાર પાક ઉભા હોવાથી જો પવન સાથે વરસાદ આવે તો પાક પડી જવાનો ભય છે.

ખેડૂતોની ચિંતા વધી

હવામાન નિષ્ણાતોના મતે વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ પડી શકે છે. આગામી એકાદ દિવસ દરમિયાન પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસન અને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને હવામાન પર સતત નજર રાખવા અને શક્ય હોય ત્યાં પાકનું રક્ષણ કરવા માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now