Home National Rahul Gandhi Students Protest Police Action Dharmendra Pradhan Resignation Demand

"મારા મોંઢા માંથી લોહી નીકળી રહ્યું હતું, મને ટીંગાટોળી કરી લઈ જવાયો" : રાહુલ ગાંધીએ કહ્યું; "મારી સાથે 10 વાર આવું કરશો તો પણ વાંધો નથી, પણ વિદ્યાર્થીઓ પર દમન સહન નહીં કરું"

Rahul Gandhi Students Protest
Image Credit: @RahulGandhi/X
Published by: Nirali Gohil
Last Updated: Jul 22, 2026, 11:51 AM IST

Rahul Gandhi Students Protest: NEET પરીક્ષા, પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને દેશમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરી એકવાર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, વિરોધ દરમિયાન તેમની સાથે પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું તેની તેમને કોઈ વ્યક્તિગત ફરિયાદ નથી, પરંતુ સરકાર દેશના કરોડો વિદ્યાર્થીઓની પીડા સમજવામાં નિષ્ફળ રહી છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે, તેમનો સમગ્ર ફોકસ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર છે અને તેઓ તેમના હકો માટે કોઈપણ પરિસ્થિતિમાં લડતા રહેશે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર સામે આવતી ગેરરીતિઓ, પેપર લીક અને ભરતી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને રસ્તા પર ઉતર્યા છે. તેમના મતે આ માત્ર પરીક્ષાનો મુદ્દો નથી, પરંતુ દેશના યુવાનોના ભવિષ્ય અને વિશ્વાસ સાથે જોડાયેલો પ્રશ્ન છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાને બદલે સરકાર તેમની વાત સાંભળે અને જવાબદારી સ્વીકારે તે જરૂરી છે.

'મારી સાથે 10 વખત આવું થશે તો પણ હું પાછળ નહીં હટું'

પોતાની સાથે થયેલા કથિત દમનનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેમની સાથે એક વખત નહીં પરંતુ દસ વખત પણ આવું વર્તન કરવામાં આવશે તો પણ તેમને કોઈ વાંધો નથી. તેમણે જણાવ્યું કે તેઓ આવા અનુભવોથી હવે પરિચિત થઈ ગયા છે અને વ્યક્તિગત હુમલાઓથી તેમના વિચારો કે લડત પર કોઈ અસર થવાની નથી. તેમણે કહ્યું કે, વિરોધ દરમિયાન તેમની સાથે ટીંગાટોળી કરવામાં આવી, પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યું, પરંતુ તેનાથી તેઓ ડગવાના નથી. તેમના શબ્દોમાં, "મને આ બધાની હવે આદત પડી ગઈ છે. હવે તો આવી ઘટનાઓમાંથી પણ હું કંઈક નવું શીખવાનો પ્રયાસ કરું છું."

Image

'મારા મોઢામાંથી લોહી નીકળતું હતું'

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે વિરોધ દરમિયાન તેમના મોઢામાંથી લોહી પણ નીકળતું હતું. તેમ છતાં તેમણે સ્પષ્ટ કર્યું કે, વ્યક્તિગત ઈજા કરતાં દેશના વિદ્યાર્થીઓની ચિંતા તેમના માટે વધુ મહત્વની છે. તેમણે કહ્યું કે, તેમની સામે જે કંઈ બન્યું તેનાથી તેમને કોઈ ફરિયાદ નથી, કારણ કે તેમનો એકમાત્ર હેતુ વિદ્યાર્થીઓના હિતની લડાઈ લડવાનો છે. તેમણે ફરી દોહરાવ્યું કે તેઓ દેશના દરેક વિદ્યાર્થીના સમર્થનમાં મજબૂત રીતે ઉભા છે અને તેમના હકો માટે આગળ પણ અવાજ ઉઠાવતા રહેશે.

આ પણ વાંચો: 'ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, PM મોદી વિદ્યાર્થીઓની માફી માગે' : NEET મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર સીધો પ્રહાર

'વિદ્યાર્થીઓ રસ્તા પર છે તો વિપક્ષે પણ તેમની સાથે ઊભું રહેવું જોઈએ'

રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે લાખો વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને રસ્તા પર ઉતર્યા હોય ત્યારે વિપક્ષનું પણ કર્તવ્ય બને છે કે તે તેમની સાથે ઉભું રહે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ કૂચ કરતાં પહેલાં વિપક્ષના નેતાઓએ લોકસભા અધ્યક્ષનો સંપર્ક કર્યો હતો અને વિદ્યાર્થીઓના મુદ્દે સંસદમાં બોલવાની મંજૂરી માગી હતી. તેમના જણાવ્યા મુજબ, વિપક્ષે સ્પીકરને કહ્યું હતું કે આ દેશના કરોડો વિદ્યાર્થીઓ સાથે જોડાયેલો અત્યંત ગંભીર મુદ્દો છે અને તેના પર ચર્ચા થવી જોઈએ.

Image

'અમને બોલવાની પરવાનગી આપવામાં આવી નહીં'

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, લોકસભા અધ્યક્ષે સરકાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાની વાત કરી હતી, પરંતુ અંતે વિપક્ષને સંસદમાં આ મુદ્દે બોલવાની પરવાનગી આપવામાં આવી નહોતી. તેમણે કહ્યું કે, જ્યારે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ચિંતિત હોય ત્યારે સંસદમાં આ મુદ્દે ખુલ્લી ચર્ચા થવી જોઈએ, પરંતુ સરકાર આ ચર્ચાથી દૂર ભાગી રહી છે.

આ પણ વાંચો: 'શું દીકરીઓના કપડાં ફાડી નાખશો?' : અખિલેશ યાદવના નિવેદનથી સોશિયલ મીડિયા પર લાગણીઓનો પૂર, યુઝર્સ બોલ્યા- ગર્દા ઉડા દિયે ભૈયા

ધર્મેન્દ્ર પ્રધાન પર ફરી સાધ્યું નિશાન

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર ફરી સીધો પ્રહાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં વારંવાર પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે આવી રહી છે છતાં જવાબદારી નક્કી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાન આજે એવા પ્રતિક બની ગયા છે, જેના કારણે કરોડો વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો છે. તેમના મતે શિક્ષણ મંત્રીને પદ પર ચાલુ રાખવાથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધુ નબળો પડશે.

Image

વિદ્યાર્થીઓની માંગને યોગ્ય ગણાવી

રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ જે માંગણીઓ કરી રહ્યા છે તે સંપૂર્ણપણે વ્યાજબી છે અને કોંગ્રેસ તેમની સાથે મજબૂતીથી ઉભી છે. તેમણે દાવો કર્યો કે વિદ્યાર્થીઓની સૌથી મોટી માંગ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી કે, વિદ્યાર્થીઓના અવાજને અવગણવાને બદલે તેમની ચિંતાઓને ગંભીરતાથી લેવામાં આવે અને પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક તથા વિશ્વસનીય બનાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવે.

સરકાર પર વધ્યું રાજકીય દબાણ

NEET પરીક્ષા અને પેપર લીકના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ સતત કેન્દ્ર સરકારને આ મુદ્દે ઘેરી રહી છે, જ્યારે વિવિધ વિદ્યાર્થી સંગઠનો પણ દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાહુલ ગાંધીના તાજા નિવેદન બાદ શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષાઓની વિશ્વસનીયતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને રાજકીય ચર્ચા વધુ તેજ બનવાની શક્યતા છે. હવે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલય તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now