કોંગ્રેસના સાંસદ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અમેરિકા સાથે ભારતની ચાલી રહેલી વેપાર વાટાઘાટા અંગે PM મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ''પિયુષ ગોયલ ગમે તેટલી છાતી પીટી શકે છે, પરંતુ PM નરેન્દ્ર મોદી US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન સામે ઝૂકી જશે''. રાહુલ ગાંધી કેન્દ્રીય મંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યુમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી 9 જુલાઈની સમયમર્યાદાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ''ભારત ક્યારેય વેપાર કરારો પર સમયના દબાણ હેઠળ કામ કરતું નથી''
ભારતે ક્યારેય દબાણ હેઠળ કામ કર્યું નથી: ગોયલ
મંત્રી પિયુષ ગોયલે કહ્યું, કે "ભારતે ક્યારેય કોઈ વેપાર કરાર અથવા તેના કોઈપણ ભાગ પર કોઈ સમય મર્યાદા કે દબાણ હેઠળ વાટાઘાટો કર્યું નથી. આપણે આપણા રાષ્ટ્રીય હિતોનું ધ્યાન રાખવું પડશે અને ખાતરી કરવી પડશે કે તે એક ન્યાયી કરાર છે જે આપણને આપણા સ્પર્ધકો સામે ફાયદો કરાવી શકે". આ અંગે પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ લખ્યું, "પિયુષ ગોયલ ગમે તેટલી છાતી પીટે પણ, મારા શબ્દો યાદ રાખો, મોદી ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન સામે ઝૂકી જશે."
ભારત-અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટાની ગૂંચ
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ 100 દેશો પર પ્રતિક્રિયાત્મક ટેરિફ લાદ્યો હતો, જેમાં ભારત પર 26% ટેરિફનો પણ સમાવેશ થાય છે. જો કે, આ પછી અમેરિકાએ 90 દિવસ માટે આ ટેરિફ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે હવે મંગળવારે સમાપ્ત થઈ રહ્યો છે. એક અહેવાલ મુજબ અમેરિકા ભારત પર તે પહેલાં વાટાઘાટા કરવા માટે દબાણ કરી રહ્યું છે. પરંતુ ભારતનું વલણ સ્પષ્ટ છે. ભારત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને વાટોઘાટો કરશે.
કૃષિ અને ડેરી ક્ષેત્ર અંગે કડક વલણ
ભારત-અમેરિકા વેપાર વાટાઘાટોમાં મુખ્ય અવરોધ કૃષિ અને ડેરી ઉત્પાદનો છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત મકાઈ, સોયાબીન અને ડેરી ઉત્પાદનો પર આયાત ડ્યુટી ઘટાડે, પરંતુ ભારત સરકાર તેની વિરુદ્ધ છે. ગોયલે કહ્યું, "મોદી સરકાર માટે ખેડૂતોનું હિત સર્વોપરી છે. ભલે તે યુકે, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ, EFTA કે UAE સાથેનો કરાર હોય - દરેક વખતે અમે ભારતીય ખેડૂતોને પ્રાથમિકતા આપી છે."

_5f1b12ae-4c9f-4f30-8824-1419d12df3ec.jpg)




