લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બિહાર SIR અને મત ચોરીના મુદ્દે સતત ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે બિહારના એવા મતદારોને મળ્યા, જેમને ચૂંટણી પંચે મૃત જાહેર કર્યા હતા. કોંગ્રેસ સાંસદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાતનો વીડિયો શેર કર્યો.
રાહુલ ગાંધી કટાક્ષ કરતા લખ્યું, "મને જીવનમાં ઘણા રસપ્રદ અનુભવો થયા છે, પરંતુ ક્યારેય મૃત લોકો સાથે ચા પીવાનો મોકો મળ્યો નથી. આ અનોખા અનુભવ માટે ચૂંટણી પંચનો આભાર." તેમણે હાજર લોકોને પૂછ્યું કે SIR દરમ્યાન તેમને મૃત જાહેર કરાયા હોવાની ખબર કેવી રીતે પડી.
મુલાકાત દરમ્યાન RJD નેતા સંજય યાદવે જણાવ્યું કે આ બધા મતદારો તેજસ્વી યાદવના રાઘોપુર વિધાનસભા ક્ષેત્રના છે. એક વૃદ્ધ મહિલા પોતાનો મત બચાવવા માટે સુપ્રીમ કોર્ટમાં 6 કલાક સુધી ઊભી રહી હતી. યાદવે દાવો કર્યો કે બિહારમાં કુલ 65 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, અને તે અંગે કારણ જાહેર થવું જોઈએ.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, "ચૂંટણી પંચ સાચી માહિતી આપવા માંગતું નથી. જો તે આપે તો આખો ખેલ ખતમ થઈ જશે." અગાઉ દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમ્યાન પણ તેમણે ચૂંટણી પંચ અને ભાજપ પર દેશવ્યાપી મત ચોરીના આરોપો લગાવ્યા હતા અને આવનારા સમયમાં વધુ ખુલાસા કરવાની ચેતવણી આપી હતી.





