Home National Puri Rath Yatra Ambulance Crowd Emergency Video Gujarati

પુરી રથયાત્રામાં લાખોની ભીડ વચ્ચે આવી રીતે નીકળી એમ્બ્યુલન્સ : વીડિયો થયો વાયરલ

Puri Rath Yatra, Jagannath Rath Yatra
Published by: OBS Bureau
Last Updated: Jul 16, 2026, 04:34 PM IST

ઓડિશાના પુરીમાં યોજાયેલી વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન લાખો ભક્તોની ભારે ભીડ વચ્ચે દુર્ભાગ્યે બે લોકોના મોત થયા અને 100થી વધુ લોકો બેભાન થયા. જોકે આ મુશ્કેલ પરિસ્થિતિમાં લાખો શ્રદ્ધાળુઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ભીડ વચ્ચે એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી ટીમને ઝડપથી પસાર થવા માટે લોકોએ જાતે જ રસ્તો બનાવી આપ્યો, જેના કારણે અનેક લોકોને સમયસર સારવાર મળી શકી.

ભીડ વચ્ચે એમ્બ્યુલન્સ માટે તરત બનાવાયો રસ્તો

પુરીના ભગવાન જગન્નાથ મંદિરમાં રથયાત્રા દરમિયાન સિંહદ્વાર પાસે લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. ભારે ભીડ વચ્ચે કેટલાક શ્રદ્ધાળુઓની તબિયત અચાનક બગડતાં ઇમરજન્સી સેવાઓને તાત્કાલિક કાર્યવાહી કરવી પડી હતી. આ દરમિયાન ભીડમાં હાજર લોકોએ અદભૂત શાંતિ અને સમજદારી દાખવીને એમ્બ્યુલન્સ અને બચાવ ટીમ માટે રસ્તો ખાલી કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પણ જોવા મળે છે કે બંને બાજુ હજારો લોકો ઉભા રહી જાય છે અને વચ્ચે ઇમરજન્સી વાહન સરળતાથી પસાર થઈ શકે તેવો માર્ગ બનાવી આપે છે. આ દૃશ્યની અનેક લોકો પ્રશંસા કરી રહ્યા છે.

બે લોકોના મોત, 100થી વધુ શ્રદ્ધાળુઓ બેભાન

રથયાત્રા દરમિયાન સર્જાયેલી ભારે ભીડમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં એક મહિલા શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે, જેમનું ભીડમાં શ્વાસ રૂંધાવાને કારણે મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ થયું હતું. આ ઉપરાંત 100થી વધુ શ્રદ્ધાળુઓ ભીડ અને ગરમીના કારણે બેભાન થઈ ગયા હતા, જેમને તાત્કાલિક તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા.

સ્ટ્રેચર પર ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા

ભીડ એટલી વધુ હતી કે અનેક સ્થળોએ ઇમરજન્સી સેવા ટીમને ઘાયલ અને બેભાન શ્રદ્ધાળુઓને સ્ટ્રેચર પર ઉંચકી ભીડમાંથી બહાર લાવવા પડ્યા હતા. સુરક્ષાકર્મીઓ અને બચાવ દળના સભ્યોએ સતત ભીડમાં ફરીને અસ્વસ્થ લોકોને શોધ્યા અને તેમને સુરક્ષિત રીતે મેડિકલ કેમ્પ સુધી પહોંચાડ્યા. અનેક સ્થળોએ ભક્તોએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો, જેના કારણે ઇમરજન્સી ટીમનું કામ વધુ સરળ બન્યું.

ઓડિશા પોલીસનો મોટો અપડેટ

ઓડિશા પોલીસે પોતાના સત્તાવાર X હેન્ડલ પર માહિતી આપી હતી કે રાજ્યની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસની સ્પેશિયલ રેસ્ક્યુ યુનિટ (SRU)એ રથયાત્રા દરમિયાન ભારે ભીડમાં ફસાયેલા 33 શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બચાવાયેલા તમામ લોકોને તાત્કાલિક ઓક્સિજન અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જરૂરિયાત મુજબ કેટલાક લોકોને નજીકની હોસ્પિટલોમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ અને બચાવ દળે સમગ્ર દિવસ દરમિયાન સતત પરિસ્થિતિ પર નજર રાખી હતી.

માનવતા અને વ્યવસ્થાપનનું અનોખું ઉદાહરણ

ભીડ વચ્ચે દુર્ઘટનાઓ સર્જાઈ હોવા છતાં લાખો ભક્તોએ જે રીતે ઇમરજન્સી સેવાઓને સહકાર આપ્યો તે સમગ્ર ઘટનાનો સૌથી સકારાત્મક પાસો રહ્યો. સામાન્ય રીતે ભારે ભીડમાં એમ્બ્યુલન્સને રસ્તો મળવો મુશ્કેલ બને છે, પરંતુ પુરીમાં હજારો લોકોએ સ્વયં આગળ આવીને માર્ગ ખાલી કર્યો. આ ઘટનાએ ફરી એકવાર બતાવ્યું કે સંકટની ઘડીએ લોકોની સમજદારી અને સહયોગ અનેક જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now