Pakistan terrorist: પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં વધુ એક વખત આતંકીઓની હાજરી અને તેમના નેટવર્કને લઈને મોટો ખુલાસો થયો છે. પુલવામા આતંકી હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાનના મોત બાદ તેના જનાઝા (અંતિમ યાત્રા)માં પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા કેટલાક મોટા વોન્ટેડ આતંકીઓ સામેલ થયા હતા. જેમાં હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સૈયદ સલાહુદ્દીન અને અલ-બદ્રનો પ્રમુખ બખ્ત ઝમીન ખાન પણ સામેલ હતો. જનાઝાની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ પાકિસ્તાન ફરી એકવાર આતંકીઓને આશ્રય આપવાના આરોપોથી ઘેરાઈ ગયું છે.
અરજુમંદ ગુલઝાર ડાર ઉર્ફે 'ડોક્ટર' ના કોડનેમથી જાણીતા હમઝા બુરહાનને શુક્રવારે ઈસ્લામાબાદમાં દફનાવવામાં આવ્યો હતો. વાસ્તવમાં, એક દિવસ પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં અજ્ઞાત હુમલાખોરોએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેના જનાઝામાં મોટી સંખ્યામાં હથિયારધારી આતંકીઓ સામેલ થયા હતા. આ દરમિયાન ત્યાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી.
સૌથી વધુ ચર્ચા અલ-બદ્ર ચીફ બખ્ત ઝમીન ખાનની સુરક્ષાને લઈને થઈ રહી છે. વીડિયોમાં તેની ચારેય તરફ AK-47 અને આધુનિક હથિયારોથી સજ્જ આતંકીઓ તૈનાત દેખાયા હતા. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન અને પીઓકેમાં તાજેતરના દિવસોમાં આતંકીઓની સતત થઈ રહેલી ટાર્ગેટ કિલિંગના કારણે આ હાઈ સિક્યોરિટી રાખવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા વોન્ટેડ આતંકીઓ રહસ્યમય સંજોગોમાં માર્યા ગયા છે, જેના કારણે આતંકીઓમાં ડરનો માહોલ પેદા થયો છે.
હમઝા બુરહાનનું નામ વર્ષ 2019ના પુલવામા આતંકી હુમલામાં સામે આવ્યું હતું. આ હુમલામાં CRPFના 40થી વધુ જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ, તે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રત્નીપોરા વિસ્તારનો રહેવાસી હતો. બાદમાં તે કાયદેસરના દસ્તાવેજો દ્વારા પાકિસ્તાન જતો રહ્યો હતો અને ત્યાં જઈને અલ-બદ્ર આતંકી સંગઠનમાં સામેલ થઈ ગયો હતો.





