Vadodara Crime News : વડોદરા શહેરમાં ફરી એકવાર જાહેરમાં ખુલ્લેઆમ મારામારીનો બનાવ સામે આવ્યા છે, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતા ઊભી થઈ છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં બનેલી આ ઘટનાઓમાં અસામાજિક તત્વો દ્વારા રસ્તા પર જ હિંસા આચરવામાં આવી હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળે છે.
જાહેર માર્ગ પર ઉગ્ર ઝપાઝપી
એક બનાવમાં વડોદરામાં પતંગની લારી લગાવવાના મુદ્દે ચાર લોકો વચ્ચે જાહેર માર્ગ પર ઉગ્ર ઝપાઝપી થઈ હતી. મામલો એટલો વકર્યો કે એકબીજા પર બેલ્ટ અને છુટ્ટા હાથથી મારામારી કરવામાં આવી હતી. રસ્તા પર જ થયેલી આ મારામારીના દ્રશ્યો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયા છે. આ ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ખુલ્લેઆ મારામારી
બીજી તરફ, વડોદરાના હાથીખાના વિસ્તારમાં પણ ખુલ્લેઆમ મારામારીનો વીડિયો વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, કોઈ બાબતે થયેલી તકરાર બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને કેટલાક શખ્સો જાહેર માર્ગ પર એકબીજા પર હુમલો કરતા નજરે પડ્યા હતા. વાયરલ વીડિયોમાં એક શખ્સ હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે દેખાતો હોવાના દ્રશ્યો પણ કેદ થયા છે, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. મારામારી દરમિયાન બૂમાબૂમ અને દોડધામ થતાં થોડા જ સમયમાં ઘટનાસ્થળે લોકટોળું એકત્રિત થઈ ગયું હતું અને રસ્તા પરથી પસાર થતા નાગરિકોમાં ભય ફેલાઈ ગયો હતો.
પોલીસ તપાસ હાથધરી
આ બંને ઘટનાઓને લઈને શહેરમાં ફરી એકવાર એ પ્રશ્ન ઉઠ્યો છે કે શું અસામાજિક તત્વોમાંથી ખાખીનો ખોફ ઘટી રહ્યો છે? જાહેર સ્થળે નિર્ભયતાથી મારામારી થવી એ કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ ગંભીર બાબત માનવામાં આવી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને બંને મામલાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમજ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તપાસના આધારે સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે સાથે શહેરમાં ફરી આવા બનાવો ન બને તે માટે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા અને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે.




















