Home Gujarat Protest Against Ugc Begins In Gujarat Too

ગુજરાતમાં પણ UGCનો વિરોધ શરૂ : 'કાળો કાયદો પાછો ખેંચો, નહીંતર મતથી જવાબ મળશે', નવા નિયમો સામે વિરોધ

ગુજરાતમાં પણ UGCનો વિરોધ શરૂ
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 02:34 PM IST

ગુજરાતમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો સામે વિરોધ શરૂ થયો છે. રાજ્યમાં બ્રહ્મ સમાજે આ મુદ્દે આક્રમક વલણ અપનાવી સરકાર અને UGC સામે કડક વિરોધ નોંધાવ્યો છે. બ્રહ્મ સમાજના આગેવાનોએ આ નવા નિયમોને “કાળો કાયદો” ગણાવી તેને તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ નિયમો રદ નહીં કરવામાં આવે તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત દ્વારા જવાબ આપવામાં આવશે.

UGC મામલે વિરોધ

UGCના નવા નિયમો સામે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ, નવી દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં સવર્ણ સમાજના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ નિયમો શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે હાનિકારક હોવાનું તેઓ માને છે. ગુજરાતમાં ખાસ કરીને સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

'UGCના નવા નિયમો બાળકોના ભવિષ્ય સાથે ચેડાં સમાન'

સુરતમાં બહ્મ સમાજે કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર પાઠવી UGCના નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી હતી. સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે UGCના નવા નિયમો બાળકોના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે અને તે કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

'આ કાયદો શિક્ષણ માટે નુકસાનકારક છે'

બ્રહ્મ સમાજના આગેવાન જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “બાળકોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનો ખેલ સહન કરવામાં આવશે નહીં. આ કાયદો શિક્ષણ માટે નુકસાનકારક છે.” જ્યારે અન્ય આગેવાન મિલન શુક્લાએ પણ UGCના નવા નિયમોને “કાળા કાયદા સમાન” ગણાવી તેને તરત રદ કરવાની માંગ કરી હતી. બ્રહ્મ સમાજે સ્પષ્ટ કરી દીધું છે કે જો સરકાર અને UGC આ મુદ્દે ગંભીરતા દાખવી નિર્ણય પર પુનર્વિચાર નહીં કરે તો આવનારા સમયમાં આ વિરોધ વધુ ઉગ્ર બનશે અને તેનો રાજકીય રીતે પણ પ્રભાવ જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now