Home Gujarat Property Of Bhuj G K Hospital Civil Surgeons Office Seized

ભુજ જી કે હોસ્પિટલ સિવિલ સર્જન કચેરીની મિલકત જપ્ત : પૂર્વ મેડિકલ ઓફિસરના પગારનો મામલો, કોર્ટેનો આદેશ ના માન્યો તો આખરે મિલકત જપ્તનો આપ્યો હુકમ

ભુજ જી કે હોસ્પિટલ સિવિલ સર્જન કચેરીની મિલકત જપ્ત
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 07:43 AM IST

General Hospital property seized : ભુજ શહેરની જી કે જનરલ હોસ્પિટલની સિવિલ સર્જન કચેરીમાંથી કોર્ટના આદેશથી જંગમ મિલકત જપ્ત કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. પૂર્વ મેડિકલ ઓફિસરનો વર્ષો જૂનો બાકી પડેલો પગાર ચૂકવવામાં ન આવતાં ભુજ કોર્ટે આ કડક પગલું ભર્યું છે.

મેડિકલ ઓફિસરનો પગાર ના ચુકવાતા મિલકત જપ્તી

મળતી માહિતી મુજબ, ભુજ જિલ્લા મથક સ્થિત જી.કે. જનરલ હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ. હીરજી ભૂડિયાને વર્ષ 2011 સુધીનો ચડત પગાર ચૂકવવામાં આવ્યો ન હતો. આ મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ પગાર ન મળતા ડૉ. ભૂડિયાએ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. કોર્ટ દ્વારા અગાઉ સંબંધિત તંત્રને બાકી પગાર ચૂકવવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો.

2017થી અત્યાર સુધી કોર્ટના આદેશનો પાલન ન કરાયો હતો

જો કે, કોર્ટના આદેશ છતાં છેલ્લા આઠ વર્ષથી, એટલે કે વર્ષ 2017થી આજદિન સુધી આ આદેશનો અમલ કરવામાં આવ્યો ન હતો. જેના પગલે કોર્ટએ કડક વલણ અપનાવીને સિવિલ સર્જનની કચેરીમાં આવેલી જંગમ મિલકત જપ્ત કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ દ્વારા કચેરીમાંથી માલસામાનની જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્ટ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ પણ જો બાકી રકમ પૂર્ણ ન થાય તો તે રકમ સંબંધિત તંત્ર દ્વારા કોર્ટમાં જમા કરાવવાની રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. આ ઘટનાએ સરકારી કચેરીઓમાં કર્મચારીઓના બાકી ચુકવણાં અને કોર્ટના આદેશોના અમલ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now