T20 World Cup 2026 : ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે T20 વર્લ્ડ કપ 2026 હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે આ મેગા ટૂર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા આ ટુર્નામેન્ટમાં વિશ્વની શ્રેષ્ઠ 20 ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. ICC દ્વારા આ ઇવેન્ટને અત્યાર સુધીની સૌથી મોટી અને ખાસ બનાવવાની પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે.
નવી સીઝન અને મોટું ફોર્મેટ
આ વખતે T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેવાની છે, જે આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત બની રહ્યું છે. બે વર્ષના લાંબા અંતર પછી ફરી એકવાર ચાહકોને T20 ફોર્મેટનો અસલી રોમાંચ જોવા મળશે. આ આખી ટૂર્નામેન્ટ દરમિયાન કુલ 55 મેચો રમાશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે.
ઇનામી રકમમાં જંગી વધારો
ટ્રોફીની સાથે સાથે આ વખતે ટીમો પર પૈસાનો પણ વરસાદ થવાનો છે. જોકે ICC એ હજુ ઓફિશિયલ જાહેરાત નથી કરી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ 2024 ની સરખામણીએ ઇનામી રકમમાં 20% નો વધારો જોવા મળી શકે છે. કુલ ઇનામી રકમ આશરે $13.5 મિલિયન (આશરે ₹120.37 કરોડ) હોવાનો અંદાજ છે.
વિજેતા અને રનર-અપને શું મળશે?
રિપોર્ટ્સ પ્રમાણે, 8 માર્ચે રમાનારી ફાઇનલ જીતનાર ટીમને 27.48 કરોડ રૂપિયા મળી શકે છે. જ્યારે ફાઈનલમાં હારનાર એટલે કે રનર-અપ ટીમને અંદાજે 14.65 કરોડ રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે.
અંદાજિત પ્રાઇઝ મનીનું લિસ્ટ
નીચે મુજબ અલગ-અલગ સ્થાન પર રહેલી ટીમોને રકમ મળી શકે છે:
સ્થાન | ઇનામની રકમ (ડોલર) | ઇનામની રકમ (રૂપિયા - આશરે) |
|---|---|---|
વિજેતા (Winner) | $3,000,000 | ₹27.48 કરોડ |
રનર-અપ | $1,600,000 | ₹14.65 કરોડ |
સેમી-ફાઈનલિસ્ટ | $790,000 | ₹7.24 કરોડ |
5 થી 12 નંબરની ટીમો | $380,000 | ₹3.48 કરોડ |
13 થી 20 નંબરની ટીમો | $250,000 | ₹2.29 કરોડ |
મેચોનું શિડ્યુલ અને યજમાની
આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે અને તેની ભવ્ય ફાઇનલ 8 માર્ચ 2026 ના રોજ રમાશે. ભારત અને શ્રીલંકાના યજમાન પદે રમાનારી આ ટુર્નામેન્ટમાં રોમાંચ ચરમસીમાએ હશે કારણ કે, 20 ટીમો વચ્ચે કુલ 55 મેચો રમાવાની છે. ભારત પોતાની હોમ કન્ડિશનનો ફાયદો ઉઠાવી ફરી એકવાર ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે.




















