જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર સીટ પર જીત હાંસલ કરેલ ધારાસભ્ય ભૂપત ભાયાણી વિવાદમાં સપડાતા છેલ્લા કેટલાક સમયથી આ સીટ ખાલી પડી રહેલી છે. ત્યારે તાજેતરમાં જ આ સીટ પરથી ચૂંટણી યોજાવા જઈ રહી હોવાનાં ભણકારા હાલ વાગી રહ્યાં છે. આ સીટ પરથી ચૂંટણી થવાની વાત વહેતી થતાની સાથે જ આપ પાર્ટીએ પોતાનો ચહેરો જાહેર કર્યો છે.
વિસાવદરમાં આપ પાર્ટીનાં ઉમેદવાર તરીકે ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા બાદ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અને ભાજપ પાર્ટીમાં જોડાયાઈ ગયા હતા. તેમની આ હરકતનાં લીધે સ્થાનિક આગેવાનો અને લોકો રોષે ભરાયા હતા. તો બીજી તરફ ભાજપનાં સાશન દરમ્યાન પણ વિવાદમાં સપડાતાં તેમને અંતે રાજીનામું આપાવાની ફરજ પડી હતી. ત્યાર બાદ આ સીટ ખાલી પડેલી હતી. પરંતુ તાજેતરમાં જ આ સીટ પરથી ચૂંટણી યોજાવાની જાહેરાત વહેતી થતાં આમ આદમી પાર્ટી દ્વારા પોતાનો ચહેરો જાહેર કર્યો છે. અને ગુજરાત પ્રદેશનાં મહત્વનાં નેતા તરીકે ગણાતા ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કર્યું છે. આમ આગામી દિવસોમાં વિસાવદરની ખાલી પડેલી સીટ ઉપર પેટા ચૂંટણી યોજાવાની વાતો વહેતી થતા જ રાજકિય પાર્ટીઓમાં ગતિવીધી જોવા મળી રહી છે.
ગુજરાત સંગઠનને મજબૂત બનાવવા બેઠક
આજે દિલ્હી ખાતે 'આપ' રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાત પ્રદેશ કોર ટીમની એક બેઠક યોજાઈ હતી. જેમાં આવનારી વિધાનસભા ચૂંટણી મુદ્દે અરવિંદ કેજરીવાલજી આગેવાનીમાં આગળની રણનીતિ તૈયાર કરવા જણાવ્યું હતું. તેમજ વિસાવદર અને કડીની પેટા ચૂંટણી અને મહાનગરપાલિકાની ચૂંટણી મુદ્દે પણ રણનીતિ બનાવવા સહિત,ગુજરાતમાં સંગઠનને વધુ મજબૂત કરવા ચર્ચા કરી હતી.
ભાજપે ભૂપત ભાયાણીને ટીકીટ આપશે?
વર્ષ 2022માં આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી વિજયી થયા હતા. હાઇકોર્ટમાં વિસાવદર બેઠક પરથી હારેલા ઉમેદવારોએ જીતેલા ઉમેદવારની જીતને પડકારી હતી. જેની ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોવાથી વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાતી નથી. ત્યારે કુલ ત્રણ અરજી હરેશ ડોબરિયા, મોહિત માલવિયા અને હર્ષદ રીબડીયા દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી પહેલાં મોહિત માલવિયા દ્વારા અરજી પરત ખેંચવામાં આવી હતી. બાદમાં હર્ષદ રીબડીયાએ પણ અરજી પરત ખેંચી છે. ત્યારે શું ભૂપત ભાયાણીને ફરીથી ટીકીટ મળશે ખરી.
7 હજાર 63 મત મેળવી ભાયાણી બન્યા હતા MLA
આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ચૂંટણી જીતી ગયા હતા. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી હતી. ભૂપત ભાયાણીનાં ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. જ્યારે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાને હરાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ધારાસભ્ય બન્યા હતા. ભૂપત ભાયાણીએ 7 હજાર 63 મતે ચૂંટણી જીતી હતી.
પિટિશન પરત ખેંચતા ચૂંટણી યોજાશે
વિસાવદર બેઠક પર બે દિગ્ગજો ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા આમને-સમાને રહ્યાં છે. મૂળ મામલો વિગતો છુપાવવાનો હતો. જેમાં હર્ષદ રીબડીયાનો આક્ષેપ હતો કે ચૂંટણી ફોર્મમાં ભૂપત ભાયાણીએ સાચી વિગતો જણાવી નથી. અને એટલે જ હર્ષદ રીબડીયાએ હાઈકોર્ટમાં ફેબ્રુઆરી 2023માં પિટિશન દાખલ કરી ભૂપત ભાયાણીની ચૂંટણીમાં જીત થવા પર સવાલ ઉઠાવ્યા હતા. આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં હોવાથી આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ ન હતી. પરંતુ હવે હર્ષદ રીબડીયાએ પિટીશન પરત લેતા વિસાવદર બેઠક વિધાનસભા ચૂંટણી યોજાશે.






