Home Gujarat Police Conduct Intensive Checking In Vadodara Over Speeding

વડોદરામાં ઓવર સ્પીડ મામલે પોલીસનું સઘન ચેકિંગ : સ્પીડગનથી ચેકિંગ, નિયમ તોડનાર વાહન ચાલકોને મેમો

વડોદરામાં ઓવર સ્પીડ મામલે પોલીસનું સઘન ચેકિંગ
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2026, 12:41 PM IST

વડોદરા શહેરમાં વધતા માર્ગ અકસ્માતોને કાબૂમાં લેવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ઓવર સ્પીડમાં દોડતા વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો દ્વારા નક્કી કરેલી ગતિમર્યાદાનું ઉલ્લંઘન થતું હોવાથી અવારનવાર ગંભીર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. આવા અકસ્માતોમાં ઘણી વખત નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા હોવાની ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.

પોલીસે સ્પીડગનનો ઉપયોગ કરી ચેકિંગ હાથ ધર્યું

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગે સ્પીડગનનો ઉપયોગ કરી ચેકિંગ હાથ ધર્યું હતું. આજે શહેરના વિવિધ બ્રીજ અને મુખ્ય માર્ગો પર ટ્રાફિક પોલીસ ટીમો તૈનાત રહી હતી. ખાસ કરીને બ્રીજ પર વાહનો વધારે ઝડપે દોડાવવામાં આવતા હોવાથી ત્યાં વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બ્રીજ પર વાહન ચલાવવાની મહત્તમ ગતિ 60 કિ.મી. પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. જો કોઈ વાહન ચાલક આ નક્કી કરેલી ગતિમર્યાદા કરતાં વધુ સ્પીડમાં વાહન ચલાવતો સ્પીડગનમાં પકડાશે, તો તેની સામે તરત જ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સ્થળ પર જ મેમો ફટકારવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીનો મુખ્ય હેતુ દંડ વસૂલવાનો નહીં પરંતુ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો છે.

સતત સ્પીડ ચેકિંગ ચાલુ રખાશે!

ટ્રાફિક પોલીસનું કહેવું છે કે બેફામ ડ્રાઇવિંગ, અચાનક ઓવરટેકિંગ અને વધુ સ્પીડ અકસ્માતોના મુખ્ય કારણો બની રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વહેલી સવારના કલાકોમાં વાહન ચાલકો ઝડપ વધારી દેતા હોવાથી જોખમ વધુ રહે છે. આ કારણે શહેરમાં સતત સ્પીડ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. પોલીસે વાહન ચાલકોને અપીલ કરી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે, નક્કી કરેલી ગતિમર્યાદામાં જ વાહન ચલાવે અને પોતાની સાથે સાથે અન્ય લોકોની સલામતીનો પણ વિચાર કરે. નિયમોનું પાલન કરવાથી જ અકસ્માતોમાં ઘટાડો શક્ય બનશે અને શહેરના માર્ગો વધુ સુરક્ષિત બની શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર