Home National Pm Modi Viral Food Items Melody Toffee Litti Chokha Jhalmudi

ઝાલમૂડી, લિટ્ટી ચોખા અને હવે 'મેલોડી'... : PM મોદી સાથે નામ જોડાતા જ રાતોરાત વાયરલ થઈ ગઈ આ ખાવા-પીવાની વસ્તુઓ!

PM Modi viral food
Published by: Nirali Gohil
Last Updated: May 21, 2026, 01:45 AM IST

PM Modi viral food: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમની અનોખી અદાના કારણે અવારનવાર સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક ટ્રેન્ડ થતું રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દેશના પ્રધાનમંત્રીના કારણે કોઈ ખાવા-પીવાની સામાન્ય વસ્તુ કે ચોકલેટ આખા દેશમાં વાયરલ સેન્સેશન બની જાય? જી હા, આવું અવારનવાર બન્યું છે. તાજેતરમાં ઇટાલીના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ ત્યાંના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથેની મુલાકાતમાં ભારતની જાણીતી 'મેલોડી' (Melody) ટૉફી ગિફ્ટ કરી, જેના પછી સોશિયલ મીડિયા પર મીમ્સ અને વીડિયોનું પૂર આવ્યું છે. આ કોઈ પહેલીવાર નથી થયું, આ અગાઉ પણ પીએમ મોદીના કારણે બિહારના લિટ્ટી-ચોખાથી લઈને બંગાળની ફેમસ ઝાલમૂડી સુધીની વાનગીઓ ઇન્ટરનેટ પર જોરદાર ટ્રેન્ડ થઈ ચૂકી છે. પ્રધાનમંત્રીનો દેશી અંદાજ અને સ્થાનિક ચીજો પ્રત્યેનો તેમનો પ્રેમ આ વાનગીઓને ભારતના વાયરલ ઇન્ટરનેટ કલ્ચર અને ડિજિટલ ટ્રેન્ડનો એક મોટો હિસ્સો બનાવી દે છે.

ઇટાલીમાં ચાલ્યો 'મેલોડી' ટૉફીનો જાદુ

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના ઓફિશિયલ પ્રવાસે હતા. આ દરમિયાન તેમની અને ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની વચ્ચેની મુલાકાત મીડિયામાં ભારે ચર્ચામાં રહી હતી. પરંતુ આ હાઈ-પ્રોફાઈલ ડિપ્લોમેટિક મુલાકાતમાં સૌથી વધુ ધ્યાન પીએમ મોદીની એક અનોખી ગિફ્ટે ખેંચ્યું હતું. પ્રધાનમંત્રીએ જ્યોર્જિયા મેલોનીને આપણા બાળપણની મીઠી યાદો સાથે જોડાયેલી 'મેલોડી' ટૉફી ભેટમાં આપી હતી.

જેવા આ મુલાકાતના વીડિયો અને ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થયા, કે તરત જ સોશિયલ મીડિયા યુઝર્સ એક્શનમાં આવી ગયા. વર્ષો જૂની આ ટૉફી અચાનક ઇન્ટરનેટ પર ટોપ ટ્રેન્ડ બની ગઈ. લોકો મેલોડી ખાતા, એકબીજાને ગિફ્ટ આપતા અને #Melodi હેશટેગ સાથે મજેદાર મીમ્સ બનાવીને વીડિયો શેર કરવા લાગ્યા હતા.

જ્યારે બંગાળની 'ઝાલમૂડી' સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ

પીએમ મોદીના કારણે કોઈ ખાવાની વસ્તુ ચર્ચામાં આવી હોય તેવી આ પહેલી ઘટના નથી. પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ દરમિયાન ત્યાંનું ફેમસ સ્ટ્રીટ ફૂડ 'ઝાલમૂડી' પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. પ્રધાનમંત્રીએ પોતાની ચૂંટણી સભાઓ અને જાહેર ભાષણોમાં આ સ્થાનિક વાનગીનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. બસ, પછી તો સોશિયલ મીડિયા યુઝર્સે ઝાલમૂડી પર પોસ્ટ અને વીડિયોનો મારો ચલાવ્યો. કેટલાકે તેને બંગાળની અસલી ઓળખ તરીકે ગણાવી તો કેટલાકે તેને ચૂંટણીના માહોલ સાથે જોડીને ટ્રેન્ડ કરી દીધી હતી.

દિલ્હીના 'હુનર હાટ'માં લિટ્ટી-ચોખા અને કુલ્હડવાળી ચાનો સ્વાદ

બિહાર અને ઉત્તર ભારતની સૌથી લોકપ્રિય વાનગી 'લિટ્ટી-ચોખા' પણ પ્રધાનમંત્રીના કારણે દેશભરમાં ફેમસ થઈ હતી. વાત જાણે એમ છે કે, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઇન્ડિયા ગેટ (રાજપથ) પર આયોજિત 'હુનર હાટ'ની અચાનક સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ત્યાં એક સામાન્ય નાગરિકની જેમ દેશી અંદાજમાં ટેબલ-ખુરશી પર બેસીને ગરમાગરમ લિટ્ટી-ચોખા ખાધા હતા અને માટીના કુલ્હડમાં ચાની ચુસ્કી લીધી હતી.

PM મોદીનું એ ટ્વીટ જેણે લિટ્ટી-ચોખાને ટ્રેન્ડ બનાવ્યા

પ્રધાનમંત્રીએ પોતે આ મુલાકાતની તસવીરો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરીને લખ્યું હતું કે, તેમણે હુનર હાટમાં સ્વાદિષ્ટ લિટ્ટી-ચોખા અને ગરમ ચાનો ભરપૂર આનંદ માણ્યો. પીએમ મોદીની આ એક સિંગલ પોસ્ટે લિટ્ટી-ચોખાના વેચાણ અને તેના ક્રેઝને આખા દેશમાં બમણો કરી દીધો હતો.

ડિજિટલ યુગમાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યા પ્રધાનમંત્રી!

સોશિયલ મીડિયા એનાલિસ્ટ્સનું માનવું છે કે પીએમ મોદી વૈશ્વિક સ્તરે કે ભારતના કોઈપણ ખૂણામાં જાય છે, ત્યાંની સ્થાનિક ઓળખ કે ભારતીય ફૂડ આઈટમની ચર્ચા આપોઆપ શરૂ થઈ જાય છે. તેમની આ અનોખી વાયરલ સ્ટાઈલના કારણે મેલોડી, ઝાલમૂડી અને લિટ્ટી-ચોખા જેવી સામાન્ય ચીજો હવે માત્ર ખાવા-પીવાની વસ્તુઓ નથી રહી, પરંતુ ડિજિટલ ઈન્ડિયાના મીમ કલ્ચરનો એક મજેદાર હિસ્સો બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now