PM Modi Video Ban Facebook: દેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારી અને ડિજિટલ કન્ટેન્ટના નિયમોને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. આ વખતે વિવાદનું કેન્દ્ર બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક વીડિયો, જેને ફેસબુક પર ભારતમાં થોડા સમય માટે બ્લોક કરવામાં આવ્યો હતો. વીડિયો હટાવાયા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી, ત્યારબાદ મેટાએ આ પગલાને 'ટેક્નિકલ ભૂલ' ગણાવીને વીડિયો ફરીથી ઉપલબ્ધ કરાવ્યો છે. આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતાં કેન્દ્ર સરકારના માહિતી પ્રૌદ્યોગિકી (IT) મંત્રાલયે મેટા અને ઇન્સ્ટાગ્રામના વૈશ્વિક અધિકારીઓને સમન્સ પાઠવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની પારદર્શિતા, કન્ટેન્ટ મોડરેશનની પ્રક્રિયા અને જાહેર હિત સાથે જોડાયેલા કન્ટેન્ટ અંગેના નિર્ણયોને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને દેશના પ્રધાનમંત્રીનો સત્તાવાર વીડિયો હટાવવામાં આવતા રાજકીય અને ટેક્નોલોજી બંને ક્ષેત્રોમાં ચર્ચા તેજ બની છે.
CJP વિરોધ દરમિયાન શેર કરાયો હતો વીડિયો
માહિતી અનુસાર, દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેલ્ફી મોડમાં એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેમણે યુવાનોને સંબોધિત કરતાં પરીક્ષા વ્યવસ્થામાં સુધારા અને પેપર લીક જેવા મુદ્દાઓ પર સરકારના અભિગમ અંગે વાત કરી હતી.
જોકે, ફેસબુક પર આ વીડિયો ભારતમાં થોડા સમય માટે જોવા મળતો ન હતો. "See Why" વિકલ્પ પર ક્લિક કરતાં કાનૂની વિનંતીના પાલનમાં વીડિયો પ્રતિબંધિત કરવામાં આવ્યો હોવાનો સંદેશ જોવા મળતો હતો.
મેટાએ કહ્યું- ટેક્નિકલ ભૂલથી વીડિયો હટ્યો
વિડિયો બ્લોક થવાના મુદ્દે ઉઠેલા સવાલો બાદ મેટાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીનો વીડિયો ભૂલથી દૂર કરવામાં આવ્યો હતો. કંપનીએ જણાવ્યું કે, આ ટેક્નિકલ ભૂલને સુધારી દેવામાં આવી છે અને વીડિયો ફરીથી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વધતા વિવાદ બાદ કંપનીએ પોતાનો અગાઉનો નિર્ણય પાછો ખેંચ્યો હોવાનું પણ સામે આવ્યું.
આ પણ વાંચો: અચાનક કેમ હટી PM મોદીની ફેસબુક પોસ્ટ? : METAએ ખોલ્યું રહસ્ય, માંગી સરકાર પાસે માફી
કેન્દ્ર સરકારે મેટાને પાઠવ્યું સમન્સ
આ ઘટનાને ગંભીરતાથી લઈને કેન્દ્ર સરકારના માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે મેટા અને ઇન્સ્ટાગ્રામના વૈશ્વિક અધિકારીઓને સમન્સ પાઠવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સરકાર દ્વારા વીડિયો કેવી રીતે અને કયા કારણોસર પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો તેમજ કન્ટેન્ટ મોડરેશનની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વચ્ચે વીડિયો થયો હતો શેર
CJP દ્વારા પેપર લીક મુદ્દે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. આંદોલન દરમિયાન પૂર્વ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને રાજકીય ચર્ચા પણ તેજ બની હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, સરકાર પેપર લીક જેવા મુદ્દાઓને ગંભીરતાથી લઈ રહી છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ભારત બાદ હવે પાકિસ્તાનમાં પણ CJPનો પડઘો! : Gen Z બોલ્યા- 'પ્રદર્શન કરીશું તો આર્મી ઉઠાવી જશે'
પરીક્ષા સુધારણા માટે ટાસ્ક ફોર્સની જાહેરાત
પ્રધાનમંત્રી મોદીએ અન્ય એક વીડિયોમાં પરીક્ષા પ્રણાલીમાં સુધારા માટે મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીના નેતૃત્વમાં એક હાઈ-પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. આ ટાસ્ક ફોર્સ પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક, વિશ્વસનીય અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે ભલામણો કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સરકાર ટાસ્ક ફોર્સની ભલામણોનો અમલ કરીને પરીક્ષા પ્રણાલીમાં વિશ્વાસ વધારવા અને પેપર લીક જેવી સમસ્યાઓ પર અસરકારક નિયંત્રણ લાવવા માટે જરૂરી પગલાં ભરશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારી પર ફરી ચર્ચા
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની કન્ટેન્ટ મોડરેશન નીતિ પર સવાલો ઊભા કર્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે,જાહેર હિત સાથે જોડાયેલા અથવા ઉચ્ચ પદાધિકારીઓના સત્તાવાર સંદેશાઓ અંગે કોઈપણ કાર્યવાહી પારદર્શક અને સ્પષ્ટ હોવી જરૂરી છે, જેથી ગેરસમજ અને વિવાદ ઊભા ન થાય. હવે સરકાર અને મેટા વચ્ચે આ મામલે શું સ્પષ્ટતા થાય છે અને આગળ શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.





