Amroha Viral Marriage Prank: આજના સોશિયલ મીડિયા યુગમાં થોડા કલાકોમાં વાયરલ થવાની લાલચ અનેક લોકોને એવી હરકતો કરવા પ્રેરિત કરી રહી છે, જેના ગંભીર પરિણામો પણ સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના અમરોહામાં બનેલો એક એવો જ કિસ્સો છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ત્રણ યુવતીઓ એક જ યુવક સાથે લગ્ન કરતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. વીડિયોમાં હવન, સિંદૂરદાન અને સાત ફેરા જેવા દૃશ્યો હોવાથી લાખો લોકોએ તેને સાચી ઘટના માની લીધી હતી. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી અને અનેક લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. વમામલો એટલો ચર્ચાસ્પદ બન્યો કે સ્થાનિક પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને બાળ કલ્યાણ સમિતિ (CWC) પણ સક્રિય થઈ ગઈ. લગ્ન કાયદેસર છે કે નહીં? વીડિયોમાં દેખાતી યુવતીઓ સગી બહેનો છે કે નહીં? લગ્ન ખરેખર થયા હતા કે માત્ર નાટક હતું? આવા અનેક સવાલો ઊભા થયા હતા. હવે સમગ્ર મામલે મોટો ખુલાસો થયો છે. બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીઓએ લેખિતમાં સ્વીકાર્યું છે કે વીડિયો સંપૂર્ણપણે એક પ્રેન્ક હતો અને તેનો એકમાત્ર હેતુ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાનો અને ફોલોઅર્સ વધારવાનો હતો.
વાયરલ વીડિયોએ દેશભરમાં મચાવી હતી ચર્ચા
અમરોહાના હસનપુર વિસ્તારમાંથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક સાથે ત્રણ યુવતીઓ લગ્ન કરતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વીડિયોમાં પરંપરાગત હિંદુ લગ્નવિધિ મુજબ હવન, સિંદૂરદાન અને ફેરા જેવા દૃશ્યો પણ જોવા મળતા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કેટલાક લોકોએ તેને સમાજ માટે ખોટો સંદેશ ગણાવ્યો, જ્યારે કેટલાકે તેની કાયદેસરતા અંગે સવાલો ઉઠાવ્યા. થોડા જ કલાકોમાં વીડિયો લાખો લોકો સુધી પહોંચી ગયો અને અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ બન્યો.
CWCની એન્ટ્રી બાદ બદલાઈ આખી કહાની
મામલો વધુ ગંભીર બનતા બાળ કલ્યાણ સમિતિ (CWC)એ તેની નોંધ લીધી અને પોલીસ તેમજ જિલ્લા પ્રોબેશન અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો. સમિતિએ વીડિયોમાં દેખાતી યુવતીઓને હાજર રહેવા સૂચના આપી હતી. તપાસ દરમિયાન યુવતીઓ સમિતિ સમક્ષ હાજર થઈ અને તેમણે લેખિતમાં સ્વીકાર્યું કે, વીડિયો સંપૂર્ણપણે બનાવટી હતો. દેવિકા ઉર્ફે સાવિત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે શરૂઆતમાં તેમનો પ્લાન માત્ર એક-બે દિવસ સુધી લોકોને આશ્ચર્યમાં મૂકવાનો હતો અને ત્યારબાદ સમગ્ર હકીકત જાહેર કરવાની હતી. પરંતુ વીડિયો વાયરલ થતાં પોલીસ તપાસ અને વિવિધ સંગઠનોના વિરોધને કારણે તેઓ ગભરાઈ ગયા અને સતત વીડિયોને સાચો હોવાનું કહેતા રહ્યા.
આ પણ વાંચો: ત્રણ સગી બહેનોએ એક જ યુવકને બનાવ્યો જીવનસાથી : અનોખા લગ્ન પાછળનું કારણ જાણીને લોકો રહી ગયા સ્તબ્ધ
ત્રણેય સગી બહેનો પણ નહોતી
વાયરલ વીડિયોમાં ત્રણ સગી બહેનો એક જ યુવક સાથે લગ્ન કરતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ CWC સમક્ષ યુવતીઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ ત્રણેય સગી બહેનો નથી. તેઓ મોસેરી બહેનો છે અને વીડિયોમાં દર્શાવવામાં આવેલી સમગ્ર કહાની અગાઉથી તૈયાર કરવામાં આવી હતી. આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી મોટાભાગની અટકળોનો અંત આવ્યો.
ચામુંડા મંદિરનો પણ ઇનકાર
વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ લગ્ન ચામુંડા મંદિર ખાતે યોજાયા હતા. પરંતુ મંદિરના પૂજારીઓએ સ્પષ્ટ જણાવ્યું કે, તેમના મંદિરમાં આવી કોઈ લગ્નવિધિ યોજાઈ જ નહોતી. મંદિર તરફથી આપવામાં આવેલી સ્પષ્ટતા બાદ સમગ્ર વીડિયાની વિશ્વસનીયતા પર વધુ પ્રશ્નો ઊભા થયા હતા. આ નિવેદન બાદ તપાસ એજન્સીઓએ વધુ ગંભીરતાથી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી.
ફોલોઅર્સ વધારવાની લાલચમાં રચાયો પ્રેન્ક
યુવતીઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય બનવા અને વધુ ફોલોઅર્સ મેળવવા માટે તેમણે આ વીડિયો તૈયાર કર્યો હતો. આજના સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવાની હોડમાં અનેક લોકો અવનવા સ્ટન્ટ, પ્રેન્ક અને ભ્રામક વીડિયો બનાવે છે. પરંતુ આ ઘટના દર્શાવે છે કે આવી હરકતો માત્ર લોકોમાં ગેરસમજ જ નહીં ફેલાવે, પરંતુ કાયદાકીય મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે.
પોલીસ કાર્યવાહીનો ડર લાગતા છુપાવ્યું સત્ય
યુવતીઓએ જણાવ્યું કે, વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ, હિંદુ સંગઠનો અને વહીવટી તંત્રની સક્રિયતા વધતા તેઓ ડરી ગયા હતા. તેમને લાગ્યું કે, જો તરત જ પ્રેન્ક હોવાની વાત જાહેર કરશે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. આ કારણસર તેઓ લાંબા સમય સુધી સમગ્ર ઘટનાને સાચી હોવાનું કહેતા રહ્યા. જોકે અંતે બાળ કલ્યાણ સમિતિ સમક્ષ તેમણે સંપૂર્ણ સત્ય સ્વીકારી લીધું.
સોશિયલ મીડિયા પર ફેક કન્ટેન્ટ ફરી ચર્ચામાં
આ સમગ્ર ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભ્રામક કન્ટેન્ટ અંગે ગંભીર ચર્ચા ઊભી કરી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે, વધુ વ્યૂઝ, લાઇક્સ અને ફોલોઅર્સ મેળવવાની સ્પર્ધામાં ઘણા લોકો સત્ય અને અસત્ય વચ્ચેની રેખા ભૂલી જાય છે. પરિણામે સમાજમાં ગેરસમજ ફેલાય છે, વહીવટી તંત્રનો સમય બગડે છે અને ક્યારેક કાયદાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડે છે. ડિજિટલ યુગમાં દરેક વાયરલ વીડિયો કે, પોસ્ટને તરત જ સાચી માની લેવાને બદલે તેની સત્યતા ચકાસવી જરૂરી છે. જવાબદાર સોશિયલ મીડિયા ઉપયોગ અને માહિતીની ચકાસણી આજના સમયમાં એટલી જ જરૂરી બની ગઈ છે જેટલી માહિતી મેળવવી. અમરોહાનો આ કિસ્સો માત્ર એક પ્રેન્ક વીડિયો નથી, પરંતુ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની અંધ દોડ કેટલી દૂર જઈ શકે છે તેનું જીવંત ઉદાહરણ પણ બની ગયો છે.





