પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને ચીનની મુલાકાતે જઈ શકે છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના સૂત્રોના હવાલાથી મળેલી માહિતી અનુસાર, PM મોદી 31 ઓગસ્ટથી ચીનના તિયાનજિન શહેરમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની શિખર બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. જોકે, ભારત સરકાર તરફથી હજુ સુધી આ પ્રવાસ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
SCO શિખર બેઠક 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન
SCOની 25મી શિખર બેઠક 31 ઓગસ્ટથી શરૂ થવાની છે. આ સંગઠન એશિયાઈ ખંડના મહત્વના દેશો વચ્ચે સામૂહિક સુરક્ષા, વિકાસ અને સહકાર માટેનું મંચ છે. હાલના સમયે ચીન, ભારત, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઈરાન અને બેલારુસ જેવી 10 દેશો તેના સભ્ય છે.
પીએમ મોદી પહેલા પણ 5 વખત ચીન જઈ ચૂક્યા છે
આ સાથે, પીએમ મોદીની ચીન યાત્રાની સંખ્યા હવે છઠ્ઠી થશે. તેમણે 2015, 2016, 2017, 2018 (બે વખત) ચીનની મુલાકાત લીધી હતી. છેલ્લે ઓક્ટોબર 2024માં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે ગલવાન ઘાટીના બાદ વધેલા તણાવ, સરહદી શાંતિ, અને દ્વિપક્ષીય વેપાર જેવા મહત્વના મુદ્દાઓ પર 50 મિનિટથી વધુ ચર્ચા થઈ હતી.
ટેરિફ અને વૈશ્વિક દબાણની પૃષ્ઠભૂમિમાં મુલાકાત મહત્વપૂર્ણ
અમેરિકા તરફથી ભારતમાં વધારાના ટેરિફ લાદવાના નિવેદન બાદ આ મુલાકાત વૈશ્વિક રાજનૈતિક દ્રષ્ટિએ વધુ મહત્વની બની રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે થનાર બેઠકમાં આર્થિક સહકાર, પ્રાદેશિક સુરક્ષા અને બ્રિક્સ જેવી સંસ્થાઓમાં સહયોગ જેવા મુદ્દાઓ ચર્ચાઈ શકે છે.

_e13d69b7-b0b0-4ca8-9183-d43ae0e06320.jpg)




