Jhalmuri: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ હંમેશા ગરમાગરમ હોય છે, પરંતુ આ વખતે આ ગરમાગરમીમાં એક ચટપટો વળાંક આવ્યો છે. ચર્ચામાં માત્ર વોટ કે બેઠકો નથી, પણ ચર્ચાના કેન્દ્રમાં છે બંગાળનો ફેમસ નાસ્તો 'જાલમુરી'. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચાર દરમિયાન જ્યારે આ સ્થાનિક વાનગીનો સ્વાદ માણ્યો, ત્યારથી જાલમુરી રાતોરાત નેશનલ સેન્સેશન બની ગઈ છે.
PM મોદીની એક મુલાકાત અને બદલાઈ ગયું નસીબ
ચૂંટણી પ્રચારના થાક વચ્ચે જ્યારે પીએમ મોદીએ જાલમુરીના સ્ટોલ પર જઈને આ સ્વાદિષ્ટ નાસ્તો ચાખ્યો, ત્યારે એ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ. સ્થાનિક જાલમુરી વેચનારાઓ માટે આ કોઈ લોટરી લાગવા જેવું હતું. એક ઉત્સાહિત વેપારીએ હસતા હસતા કહ્યું કે, "મોદીજીના મોકા પર અમે ચોકો મારી દીધો! પીએમના આ વીડિયો અને ફોટા વાયરલ થતા જ, જે જાલમુરી માત્ર બંગાળની ગલીઓ પૂરતી સીમિત હતી, તે હવે આખા દેશમાં ટ્રેન્ડ કરી રહી છે.
શું છે આ 'જાલમુરી'ની ખાસિયત?
જાલમુરી એટલે મુર્મુરા (મમરા) માંથી બનતી એક ચટપટી ભેળ જેવી વાનગી. પરંતુ તેની ખાસિયત તેમાં વપરાતું સરસિયું તેલ (Mustard Oil) અને ખાસ પ્રકારનો મસાલો છે. મમરા, ચણા, મગફળી, ઝીણી સેવ, ડુંગળી, ટામેટા અને લીલા મરચાં. તેમાં ઉમેરવામાં આવતા ખાસ મસાલા અને કાચા સરસિયા તેલની તીખી સુગંધ તેને સામાન્ય ભેળથી અલગ પાડે છે.
હવે ગુજરાતીઓને પણ ચાખવા મળશે સ્વાદ
ગુજરાતીઓ ખાવા-પીવાના શોખીન છે એ વાતમાં કોઈ બેમત નથી. પશ્ચિમ બંગાળમાં મળેલી લોકપ્રિયતા બાદ હવે આ 'મોદી ફેમસ' જાલમુરી ટૂંક સમયમાં જ ગુજરાતના મોટા શહેરોમાં પણ જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીના આ પ્રચાર બાદ ગુજરાતના અનેક ફૂડ કોર્ટ્સ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સે બંગાળી શૈલીની જાલમુરીના સ્ટોલ શરૂ કરવાનું આયોજન કર્યું છે. અમદાવાદના માણેક ચોક હોય કે સુરતની ખાઉધરી ગલી, હવે બહુ જલ્દી ત્યાં "બંગાળી જાલમુરી" ની બૂમો સંભળાશે.
રાજકારણમાં 'મોકો' શોધવો અઘરો હોય છે, પણ પશ્ચિમ બંગાળના જાલમુરી વેચનારાઓએ પીએમ મોદીના આગમનનો જે રીતે ફાયદો ઉઠાવ્યો છે, તે જોઈને લાગે છે કે આ વખતે ચૂંટણીમાં 'સ્વાદ'ની પણ જીત થઈ છે. તો તૈયાર થઈ જાવ, કારણ કે હવે ગુજરાતમાં પણ 'મોદીજીની ફેવરિટ જાલમુરી'ની લિજ્જત માણવા મળશે!





