ફ્રાન્સના ઇવિયન-લે-બેન્સ (Evian-les-Bains) શહેરમાં આયોજિત G7 સમિટ દરમિયાન વૈશ્વિક મુદ્દાઓ ઉપરાંત સોશિયલ મીડિયા પર એક રસપ્રદ ચર્ચાએ જોર પકડ્યું છે. સમિટમાં ભાગ લેવા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચેની એક ટૂંકી મુલાકાતનો વિડીયો ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ફરી એકવાર 'Melodi' ટ્રેન્ડ પાછો ફર્યો છે.
ગ્રૂપ ફોટો સેશન પહેલાં જ્યારે બંને નેતાઓ એકબીજાને મળ્યા, ત્યારે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર બંનેની લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાંભળીને ઇટાલીના વડાપ્રધાને હસતા હસતા જવાબ આપ્યો, "હા, આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી પ્રખ્યાત કપલ (સૌથી ફેમસ કપલ) છીએ." આ મુલાકાત વખતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અન્ય વૈશ્વિક નેતાઓ પણ ત્યાં હાજર હતા.
જોઓ વિડીયો અહી...
રોમમાં આપેલી 'મેલોડી' ટોફીની ભેટ
આ ઘટનાના લગભગ ૧ મહિના પહેલાં, પીએમ મોદી જ્યારે રોમની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમણે જ્યોર્જિયા મેલોનીને ભારતની પ્રખ્યાત 'પાર્લે મેલોડી' (Parle's Melody) ટોફીનું એક પેકેટ ગિફ્ટ કર્યું હતું. મેલોનીએ આ મીઠી ક્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરીને પીએમ મોદીનો આભાર માન્યો હતો. તે વિડીયોમાં મેલોનીએ કહ્યું હતું કે, "વડાપ્રધાન મોદી એક ખૂબ જ સરસ ચોકલેટ ભેટમાં લાવ્યા છે," જેના જવાબમાં પીએમ મોદીએ હસીને કહ્યું હતું, "મેલોડી."
માત્ર ફોટો પૂરતો સીમિત નથી બંને દેશોનો સંબંધ
જો કે, વડાપ્રધાન મોદી અને મેલોની વચ્ચેનો આ બોન્ડ માત્ર સોશિયલ મીડિયા કે ફોટો પડાવવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે બંને દેશોની મજબૂત વિદેશ નીતિ દર્શાવે છે. ઇટાલી હાલમાં ભારતનું એક મહત્વપૂર્ણ વૈશ્વિક ભાગીદાર બનીને ઉભર્યું છે. બંને દેશો મળીને 'ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર' (IMEC) પર સાથે કામ કરી રહ્યા છે, જે ઇટાલીને ભારત માટે યુરોપનું પ્રવેશદ્વાર બનાવે છે.
ભારત અને ઇટાલી વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $16.77 બિલિયનને વટાવી ગયો છે. અગાઉ પીએમ મોદીએ તેમની પાંચ દેશોની મુલાકાત દરમિયાન મેલોની સાથે ડિનર લીધું હતું અને બંને નેતાઓએ રોમના ઐતિહાસિક કોલોસિયમ (Colosseum) ની મુલાકાત લઈને ગંભીર મુદ્દાઓ પર ઊંડી ચર્ચા પણ કરી હતી.





