Home National Pm Modi Calls Emergency High Level Meeting Ministers Ordered Not To Leave Delhi

વિદેશ પ્રવાસથી પરત ફરતાં જ PM મોદી એક્શન મોડમાં : દિલ્હીમાં બોલાવી હાઈ-લેવલ 'ઈમરજન્સી બેઠક', મંત્રીઓને રાજધાની ન છોડવા કડક આદેશ

PM Modi Delhi meeting
Image Credit: bnn
Published by: Nirali Gohil
Last Updated: May 21, 2026, 04:53 AM IST

PM Modi Delhi meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસ (G7 શિખર સંમેલન) પરથી પરત ફરતાની સાથે જ દેશના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. પીએમ મોદી દિલ્હી આગમનની સાથે જ એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરવાના છે. આ બેઠકની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, કેબિનેટ કક્ષાના તમામ વરિષ્ઠ મંત્રીઓથી લઈને તમામ રાજ્યકક્ષાના (જુનિયર) મંત્રીઓને પણ આ બેઠકમાં ફરજિયાત હાજર રહેવા માટે જણાવાયું છે. પીએમ મોદીના આ અચાનક આદેશથી દેશના રાજકીય ગલિયારાઓમાં સસ્પેન્સ અને ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી ગયા છે.

સરકાર દ્વારા તમામ મંત્રીઓને આગામી દિવસોમાં દિલ્હીની બહાર ન જવા અને કોઈપણ સંજોગોમાં રાજધાનીમાં જ ટકેલા રહેવા માટે કડક આદેશ (ફરમાન) જારી કરવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલા સમીકરણો અને દેશની આંતરિક પરિસ્થિતિઓને જોતા આ બેઠક ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે. આ હાઈ-પાવર મીટિંગમાં દેશની સુરક્ષા, આર્થિક સ્થિતિ અને આગામી રાજકીય વ્યુહરચના જેવા અત્યંત સંવેદનશીલ પાસાઓ પર પીએમ મોદી મંત્રીઓ સમક્ષ રોડમેપ રજૂ કરે તેવી પ્રબળ શક્યતા છે. મુખ્યત્વે બે મોટા મુદ્દાઓ પર આખી બેઠક કેન્દ્રિત રહેશે, જેના પર દેશભરની નજર ટકેલી છે.

1. મિડલ ઈસ્ટનું સૈન્ય સંકટ અને ભારત પર આર્થિક અસરની સમીક્ષા

આ ઈમરજન્સી બેઠકનો સૌથી મોટો અને સંવેદનશીલ એજન્ડા પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં સર્જાયેલું સૈન્ય સંકટ છે. ખાસ કરીને અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી કટોકટી પર સરકાર સતત નજર રાખી રહી છે. પીએમ મોદી આ બેઠકમાં સમીક્ષા કરશે કે, જો યુદ્ધ જેવી સ્થિતિ લાંબી ચાલે તો ભારતમાં કાચા તેલ (Crude Oil) ની કિંમતો, વૈશ્વિક સપ્લાય ચેઈન અને સ્થાનિક મોંઘવારી પર તેની શું અસરો પડી શકે છે.

આ પણ વાંચો: પાકિસ્તાની સુંદરીના પ્રેમમાં અંધ બની કોલકાતાનો ઝફર બન્યો દેશનો ગદ્દાર!: NIA એ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરી દબોચ્યો

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં એક હાઈ-પાવર ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી સામેલ છે, જેઓ 24 કલાક વૈશ્વિક સ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યા છે. જો કે, રક્ષામંત્રીએ દેશવાસીઓને આશ્વસ્ત કર્યા છે કે, ભારતમાં ક્રૂડ ઓઈલ અને એલપીજી (LPG) નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી હાલ ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ સરકાર આગોતરા આયોજનના ભાગરૂપે તમામ પાસાઓ ચકાસી રહી છે.

2. મોદી સરકાર 3.0 નું પ્રથમ મોટું કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલ!

આ બેઠક પાછળનું બીજું સૌથી મોટું કારણ સંપૂર્ણપણે રાજકીય હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આગામી 10 જૂને મોદી સરકાર 3.0 ના શાસનકાળનું સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ પૂર્વે એટલે કે જૂનના પ્રથમ કે બીજા સપ્તાહમાં જ કેબિનેટમાં બહુ મોટો ફેરબદલ અથવા વિસ્તરણ જોવા મળી શકે છે. રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી ચર્ચાઓ મુજબ, અનેક દિગ્ગજ મંત્રીઓના વિભાગો બદલાઈ શકે છે અને કેટલાક નવા ચહેરાઓને કેબિનેટમાં એન્ટ્રી મળી શકે છે.

ગુરુવારે યોજાનારી આ હાઈ-લેવલ બેઠકને પ્રધાનમંત્રી દ્વારા આગામી કેબિનેટ વિસ્તરણની પૂર્વતૈયારી અને તમામ મંત્રીઓના એક વર્ષના 'રિપોર્ટ કાર્ડ' ની આખરી સમીક્ષા તરીકે જોવામાં આવી રહી છે. કયા મંત્રીએ પોતાના મંત્રાલયમાં કેવું પરફોર્મન્સ આપ્યું છે અને આગામી સમયના લક્ષ્યાંકો શું છે, તેની આખરી ફાઈલ આ બેઠકમાં પીએમ મોદી સમક્ષ ખોલવામાં આવી શકે છે. આ જ કારણે તમામ મંત્રીઓના જીવ અધ્ધર થઈ ગયા છે અને દિલ્હી ન છોડવાના આદેશને પગલે રાજધાનીમાં ભારે અફડાતફડીનો માહોલ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now