ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતા સામે પાકિસ્તાન દ્વારા સતત અલગ-અલગ ષડયંત્રો રચવામાં આવતા હોય છે, ત્યારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાકિસ્તાન સમર્થિત એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ પશ્ચિમ બંગાળના કોલકાતાના રહેવાસી ઝફર રિયાઝ ઉર્ફે રિઝવી તરીકે થઈ છે. આરોપ છે કે તે ભારત વિરોધી આતંકવાદી કાવતરાના ભાગરૂપે દેશની સુરક્ષા અને સંરક્ષણ સાથે જોડાયેલી અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા (ISI) ના અધિકારીઓ સુધી પહોંચાડી રહ્યો હતો.
NIA ના જણાવ્યા અનુસાર, આરોપી ઝફર રિયાઝ વિરુદ્ધ લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી અને તેની સામે 'લુક આઉટ સર્ક્યુલર' (LOC) પણ જાહેર કરવામાં આવ્યો હતો. એજન્સી તેને કોર્ટ દ્વારા 'ભગોડો' (Proclaimed Offender) જાહેર કરવાની પ્રક્રિયા કરી રહી હતી, તે જ દરમિયાન સચોટ બાતમીના આધારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક એ છે કે ઝફર રિયાઝ પાકિસ્તાની મહિલાના પ્રેમમાં પડ્યો હતો અને તેણે પાકિસ્તાનમાં લગ્ન કર્યા હતા. હાલ તેના બાળકો પણ પાકિસ્તાનના જ નાગરિક છે. દેશના જાસૂસી નેટવર્ક પર NIA ની આ કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવી રહી છે.
પ્રેમ, લગ્ન અને દેશ સાથે ગદ્દારી: ૨૦૦૫થી શરૂ થયો હતો ખેલ
NIA ની પ્રાથમિક તપાસ (કેસ નં. RC-12/2025/NIA/DLI) માં બહાર આવ્યું છે કે ઝફર રિયાઝે વર્ષ ૨૦૦૫ થી ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક વખત મુસાફરી કરી હતી. આ દરમિયાન તે પાકિસ્તાનની એક મહિલાના પ્રેમમાં પડ્યો અને તેની સાથે નિકાહ કરી લીધા. પાકિસ્તાન આવવા-જવાની આ પ્રક્રિયા દરમિયાન જ પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોએ તેની મજબૂરી અને સ્થિતિનો ફાયદો ઉઠાવીને તેનો સંપર્ક કર્યો હતો. પાકિસ્તાની એજન્ટોએ તેને મોટી રકમની લાલચ આપી અને સાથે જ પાકિસ્તાની નાગરિકતા અપાવવાનું વચન આપીને ભારત વિરુદ્ધ જાસૂસી કરવા માટે તૈયાર કરી લીધો હતો.
વ્હોટ્સએપ (WhatsApp) સક્રિય કરવા માટે આપતો હતો ભારતીય સીમના OTP!
પાકિસ્તાની હેન્ડલર્સ ભારતીય સેના કે સુરક્ષા એજન્સીઓની નજરમાં ન આવે તે માટે ઝફર રિયાઝ એક અનોખી પદ્ધતિનો ઉપયોગ કરતો હતો. તે ભારતીય મોબાઈલ નંબરોના 'વન-ટાઈમ પાસવર્ડ' (OTP) પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓને મોકલતો હતો. આ OTP ની મદદથી પાકિસ્તાની એજન્ટો પાકિસ્તાનમાં બેઠા બેઠા જ ભારતીય નંબરો પર વ્હોટ્સએપ એકાઉન્ટ ઓપરેટ કરતા હતા, જેથી ભારતીય સુરક્ષા એજન્સીઓને ભ્રમમાં રાખી શકાય અને ગુપ્ત માહિતીઓ આસાનીથી પાકિસ્તાન ટ્રાન્સફર થઈ શકે.
'મોતીરામ જાટ' એકાઉન્ટથી થતી હતી દેશવિરોધી વાતચીત
એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓએ આ વ્હોટ્સએપ એકાઉન્ટ્સનો ઉપયોગ આ કેસના અન્ય એક સહ-આરોપી 'મોતીરામ જાટ' સાથે ગુપ્ત રીતે વાતચીત કરવા માટે કર્યો હતો. મોતીરામ જાટ પણ ભારતીય સુરક્ષા દળો અને સંવેદનશીલ સ્થળોની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવામાં સામેલ હતો. મોતીરામ વિરુદ્ધ પણ પહેલાથી જ લુકઆઉટ નોટિસ જાહેર થયેલી છે અને હવે આ બંનેના કનેક્શનને કારણે આખું નેટવર્ક રાષ્ટ્રીય એજન્સીઓના રડાર પર આવી ગયું છે.
આ પણ વાંચો: "નમાઝીઓ પર બોમ્બમારો કરનાર દેશ માનવ અધિકારની વાત ન કરે": યુએનમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું
અગાઉ પણ જાસૂસી કેસમાં દોષિત ઠરી ચૂક્યો છે ઝફર રિઝવી
અહીં ઉલ્લેખનીય છે કે ઝફર રિયાઝ કોઈ નવો ગુનેગાર નથી. તે અગાઉ પણ ભારતમાં જાસૂસી અને દેશવિરોધી પ્રવૃત્તિઓ કરવાના એક કેસમાં ભારતીય દંડ સંહિતા (IPC) અને સત્તાવાર ગુપ્ત અધિનિયમ (Official Secrets Act) હેઠળ દોષિત સાબિત થઈ ચૂક્યો છે અને જેલની સજા પણ કાપી ચૂક્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેણે પોતાની કરતૂતો બંધ નહોતી કરી. હાલમાં NIA એ તેની સામે 'ભારતીય ન્યાય સંહિતા' (BNS), 'ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ' અને આતંકવાદ વિરોધી કાયદા 'UAPA' (ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) ની ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. એજન્સી હવે એ તપાસ કરી રહી છે કે આ નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે અને ભારતમાં અન્ય કયા લોકો તેમને મદદ કરી રહ્યા હતા.





