Home International Petrol Is Cheaper Than Water In These Countries Of The World 1 Liter Of Fuel Is Available In These Countries For Just Rs 3 Know Price

પાણીની બોટલ કરતાં પણ સસ્તું પેટ્રોલ! : દુનિયાના આ દેશોમાં માત્ર 3 રૂપિયામાં મળે છે 1 લિટર ઈંધણ, જાણો ભારત કયા ક્રમે?

પાણીની બોટલ કરતાં પણ સસ્તું પેટ્રોલ!
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 11:01 AM IST

આજના સમયમાં જ્યારે ભારતમાં પેટ્રોલના ભાવ રૂ.100ની આસપાસ સ્થિર છે, ત્યારે શું તમે કલ્પના કરી શકો છો કે દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે જ્યાં એક લિટર પેટ્રોલની કિંમત પાણીની બોટલ કરતાં પણ ઓછી છે? જી હા, તેલના અખૂટ ભંડાર ધરાવતા ખાડી દેશો અને અન્ય તેલ સમૃદ્ધ રાષ્ટ્રોમાં ઇંધણના ભાવ એટલા નીચા છે કે સાંભળીને પણ વિશ્વાસ ન આવે. મધ્ય પૂર્વમાં અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ અને ભૌગોલિક તણાવ હોવા છતાં, આ દેશોમાં સરકારો પોતાના નાગરિકોને ભારે સબસિડી આપી રહી છે, જેના કારણે ત્યાં મોંઘવારીનો માર પેટ્રોલના ભાવમાં દેખાતો નથી.

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના બજારમાં ભલે ગમે તેટલી ઉથલપાથલ મચે, પરંતુ ઈરાન, લિબિયા અને વેનેઝુએલા જેવા દેશોમાં પેટ્રોલના ભાવ ભારતના એક કપ ચાના ખર્ચ જેટલા જ છે. ખાસ કરીને ગલ્ફ દેશોમાં પેટ્રોલની કિંમતોનું ગણિત ઘણું અલગ છે. ત્યાંનું વિપુલ ઉત્પાદન અને મજબૂત સરકારી નીતિઓને કારણે પેટ્રોલ મધ્યમ વર્ગ માટે અત્યંત સસ્તું છે. ચાલો જાણીએ, દુનિયાના એવા દેશો વિશે જ્યાં ઈંધણ સૌથી સસ્તું મળે છે અને તેની સરખામણીમાં ભારતની સ્થિતિ શું છે.

ઈરાન: વિશ્વનું સૌથી સસ્તું પેટ્રોલ, કિંમત જાણી ચોંકી જશો!

સમગ્ર વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ આપવાના મામલે અત્યારે ઈરાન ટોચ પર છે. ઈરાનમાં એક લિટર પેટ્રોલની કિંમત અંદાજે રૂ.2.50 થી રૂ.3 ની વચ્ચે છે. આટલી ઓછી કિંમત પાછળ સરકારની ભારે સબસિડી જવાબદાર છે. જોકે, આ સસ્તાઈને કારણે પડોશી દેશોમાં પેટ્રોલની દાણચોરીનો ખતરો વધ્યો હોવાથી ઈરાને હવે 'કોટા સિસ્ટમ' લાગુ કરી છે. જે અંતર્ગત જો કોઈ મહિનામાં 160 લિટરથી વધુ પેટ્રોલ વાપરે, તો તેણે વધુ કિંમત ચૂકવવી પડે છે.

લિબિયા અને વેનેઝુએલામાં પણ પેટ્રોલની લહાણી

સસ્તા ઈંધણની યાદીમાં લિબિયા બીજા ક્રમે છે, જ્યાં સરેરાશ રૂ.2.64 પ્રતિ લિટરના ભાવે પેટ્રોલ મળી રહ્યું છે. ઉત્તર આફ્રિકાના આ દેશમાં તેલના ભંડારો હોવાથી નાગરિકોને આ સુવિધા મળે છે. એક સમયે પ્રથમ ક્રમે રહેલું વેનેઝુએલા હવે ત્રીજા ક્રમે છે, ત્યાં પણ અંદાજે રૂ.3 પ્રતિ લિટર ભાવ છે. જોકે, અહીં પણ લિમિટથી વધુ પેટ્રોલ ખરીદવા પર ભાવ ₹40 પ્રતિ લિટર સુધી પહોંચી જાય છે.

ગલ્ફ દેશોમાં શું છે ભાવનું ગણિત?

GCC (ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ) દેશોમાં કુવૈત સૌથી સસ્તું પેટ્રોલ આપે છે. કુવૈત અને ઈરાકમાં પેટ્રોલની કિંમત અંદાજે રૂ.29 થી રૂ.30 ની આસપાસ છે. અન્ય ગલ્ફ દેશોની સ્થિતિ નીચે મુજબ છે:

  • બહેરીન: અંદાજે રૂ.31-32 પ્રતિ લિટર

  • કતાર: અંદાજે રૂ.48-49 પ્રતિ લિટર

  • સાઉદી અરેબિયા: અંદાજે રૂ.50-51 પ્રતિ લિટર

  • ઓમાન: અંદાજે રૂ.53-54 પ્રતિ લિટર

ભારત અને પાડોશી દેશોની સ્થિતિ

વૈશ્વિક યાદીમાં ભારતની સ્થિતિ પર નજર કરીએ તો ભારત 73મા સ્થાને આવે છે. ભારતના વિવિધ રાજ્યોમાં પેટ્રોલની કિંમત ₹95 થી ₹105 વચ્ચે છે. તેની સરખામણીએ પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ ઘણું સસ્તું છે, ત્યાં કિંમતો ₹80 થી ₹84 વચ્ચે છે અને તે યાદીમાં 36મા ક્રમે છે. જ્યારે આફ્રિકી દેશ અંગોલામાં પણ માત્ર ₹27માં એક લિટર પેટ્રોલ મળી રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now