petrol diesel price: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે, "LPG, પેટ્રોલ અને ડીઝલ દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને તેની કિંમતો વધી રહી નથી, તેથી કૃપા કરીને ગભરાશો નહીં." સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની અટકળોને ફગાવી દીધી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી.
તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં મતદાન સમાપ્ત થયા બાદ ઈંધણના ભાવમાં વધારાની ચર્ચાઓ તેજ બની હતી. તેમણે જણાવ્યું કે આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં અફવાઓને કારણે લોકોએ ગભરાટમાં આવીને પેટ્રોલ-ડીઝલની ખરીદી શરૂ કરી દીધી હતી. સરકાર સતત રાજ્ય સરકારોના સંપર્કમાં છે અને જે પેટ્રોલ પંપો પર વધુ ભીડ છે, ત્યાં વધારાનો પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે જેથી ક્યાંય પણ ઈંધણની અછત ન સર્જાય.
'ગભરાશો નહીં, પેટ્રોલ અને ડીઝલ દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે'
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું, "LPG, પેટ્રોલ અને ડીઝલ દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને તેની કિંમતો વધી રહી નથી, તેથી કૃપા કરીને ગભરાશો નહીં. અમે કેટલીક જગ્યાએ લોકોને ગભરાઈને પેટ્રોલ-ડીઝલની ખરીદી કરતા જોયા છે. અમે રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છીએ."
'રિટેલ કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી'
છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવને કારણે છેલ્લા બે મહિનામાં કાચા તેલના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે. જેના કારણે સરકારી તેલ કંપનીઓ પર ભારે નાણાકીય દબાણ વધ્યું છે. માર્કેટ એનાલિસ્ટે એવું માનતા હતા કે ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 25 થી 28 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં આ તેજી અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પરના હુમલા અને ત્યારબાદ ઈરાનની વળતી કાર્યવાહીને કારણે આવી છે.
આ પણ વાંચો: ભારતીય શેરબજારમાં આજે કેમ થયો અમંગળ? : એક સમાચારથી ₹3.74 લાખ કરોડનું નુકસાન
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી
પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "ચૂંટણીની રાહત પૂરી, મોંઘવારીની ગરમી તૈયાર! 29 એપ્રિલ પછી જુઓ- પેટ્રોલ, ડીઝલ, બધું જ મોંઘું થશે. જ્યારે તેલ સસ્તું હતું, ત્યારે મોદી સરકારે પોતાનો નફો રાખ્યો હતો. હવે મોંઘું છે, તો બોજ તમારા પર નાખશે. સસ્તાની લૂંટ મચાવતી સરકાર - જનતાને બસ મોંઘવારીનો માર."





