Home Gujarat Patidar Singer Aarti Sangani Protests Against Love Marriage

પાટીદાર સિંગર આરતી સાંગાણીએ પ્રેમલગ્ન કરતાં વિરોધ : પિતાએ વેદના ઠાલવી 'મેં વિશ્વાસ મૂક્યો પરંતુ તે વિશ્વાસઘાત કર્યો', અલ્પેશ કથીરીયાએ કર્યા આકરા પ્રહાર

પાટીદાર સિંગર આરતી સાંગાણીએ પ્રેમલગ્ન કરતાં વિરોધ
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2025, 04:56 AM IST

Aarti Sangani love marriage : સુરતમાં જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો મુદ્દો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. થોડા સમય અગાઉ સિંગર કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈ કરતા તેના સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો, અને હવે એ જ રીતે વધુ એક લોકપ્રિય સિંગરના લવ મેરેજને લઈને સમાજ અને સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો થયો છે. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાના કારણે આ મુદ્દો સામે આવ્યો છે. અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવાને લઈને પાટીદાર સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

અલ્પેશ કથીરીયાના ગંભીર આક્ષેપ

આ સમગ્ર ઘટનાને લઈને સામાજિક આગેવાન અલ્પેશ કથીરીયાએ ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ ઘટનામાં યુવતીને મળેલી સ્વતંત્રતાના દુરુપયોગ અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આરતીના માતા-પિતા છેલ્લા દસ દિવસથી પોતાની દીકરી માટે અત્યંત ચિંતામાં છે. દુઃખદ બાબત એ છે કે દીકરી સીધા માતા-પિતા સાથે વાતચીત કરવાને બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પોસ્ટ કરીને જવાબો આપી રહી છે, જે પરિવાર માટે ખૂબ જ આઘાતજનક છે.

'હું મારી દીકરીને વિનંતી કરું છું કે તું પરત આવી જા...'

આરતીના પિતા લેસ પટ્ટીનું કામ, એટલે કે સાડીના જોબ વર્ક સાથે સંકળાયેલા છે. ભાવુક બનતાં તેમણે જણાવ્યું હતું કે, “હું મારી દીકરીને વિનંતી કરું છું કે તું પરત આવી જા. સમાજ આપણો આપણી સાથે છે અને આપણો પરિવાર પણ તારી સાથે છે. જો કોઈ ભૂલ થઈ હોય તો એ ભૂલને સુધારી લે, હજી સમય છે.” રડતાં રડતાં પિતાએ વધુમાં કહ્યું હતું કે, “મેં તેના પર વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ તેણે વિશ્વાસઘાત કર્યો છે. મજૂરી કરીને દીકરીને અહીં સુધી પહોંચાડી છે, હવે તે પાછી આવે, નહીં તો જીવનભર પસ્તાવું પડશે.”

સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો

આ સમગ્ર મામલો હાલ સમાજમાં તેમજ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ વ્યક્તિગત પસંદગી અને સ્વતંત્રતાનો મુદ્દો છે, તો બીજી તરફ પરિવારની લાગણીઓ અને સમાજની પરંપરાઓ સાથેનો સંઘર્ષ સામે આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now