Home Gujarat Patan Lcb Illegal Country Made Pistols Seized Before Rath Yatra

રથયાત્રા પૂર્વે પાટણ LCB ની મોટી કાર્યવાહી : 5 દેશી કટ્ટા, 4 કારતૂસ સાથે 6 આરોપીઓ ઝડપાયા, બે ફરાર

પાટણ lcb ના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jul 08, 2026, 09:23 AM IST

પાટણ: આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લા પોલીસે હાથ ધરેલી વિશેષ ડ્રાઈવ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ને મોટી સફળતા મળી છે. એલસીબીની અલગ-અલગ ટીમોએ વારાહી, સમી અને શંખેશ્વર વિસ્તાર સહિતના ગામોમાં કોમ્બિંગ હાથ ધરી પાંચ દેશી કટ્ટા, ચાર જીવતા કારતૂસ તેમજ હથિયાર બનાવવામાં ઉપયોગી વિવિધ સાધનો જપ્ત કર્યા છે. આ કેસમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે વધુ બે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

પોલીસે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 21,550નો મુદ્દામાલ કબજે કર્યો છે. જપ્ત કરાયેલી સામગ્રીમાં પાંચ દેશી કટ્ટા, ચાર કારતૂસ ઉપરાંત ગ્રાઈન્ડર, ગ્રાઈન્ડિંગ પ્લેટ, પકડ, લોખંડની હથોડી, કાચ પેપર, લોખંડની કાનસ અને હથિયાર બનાવવામાં ઉપયોગી અન્ય સાધનોનો સમાવેશ થાય છે.

અલગ-અલગ સ્થળોએ કોમ્બિંગ કરીને કાર્યવાહી

જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ ચોક્કસ બાતમીના આધારે એલસીબીના અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવી સમી તાલુકાના ઘાસ્દિનપુરા, મુજપુર, શંખેશ્વરના રાણીસર તેમજ વારાહી વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર હથિયારો અને તેને બનાવવામાં ઉપયોગી સામગ્રી મળી આવતા પોલીસે અલગ-અલગ પાંચ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં મુજપુરના મઝહરહુસેન સૈયદ, અમરાપુરના ઇકબાલખાન મલેક, વારાહીના અશરફખાન મલેક, નસીબખાન ઉર્ફે લાલો મલેક, રાણીસરના હનીફ ભટ્ટી તથા સમીના મોબીન ગનીભાઈનો સમાવેશ થાય છે.

બે આરોપીઓ હજુ ફરાર, પોલીસની શોધખોળ ચાલુ

આ કેસમાં ડાહ્યા ઉકા માજીરાણા (રાધનપુર) અને દરિયાખાન ભટ્ટી (રાણીસર) હજુ પોલીસ પકડથી દૂર છે. બંને આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી સહિતની ટીમોએ તપાસ અને શોધખોળ વધુ તીવ્ર બનાવી છે.

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીએ જણાવ્યું કે રથયાત્રા પૂર્વે જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ગેરકાયદેસર હથિયારો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ચોક્કસ માહિતીના આધારે એલસીબી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં નોંધપાત્ર સફળતા મળી છે અને સમગ્ર કેસની વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રામાં પ્રથમ વખત હાઈટેક સુરક્ષા : 18 ગજરાજ પર લગાવાશે કેમેરા, ડેસિબલ મીટરથી થશે અવાજનું મોનિટરિંગ

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલા મઝહરહુસેન સૈયદ સામે અગાઉ હારીજ પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ એક ગુનો નોંધાયેલો છે. જ્યારે ફરાર આરોપી ડાહ્યા ઉકા માજીરાણા સામે કુલ 18 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે, જેમાં મોટાભાગના ગુનાઓ આર્મ્સ એક્ટ સંબંધિત છે. અન્ય ફરાર આરોપી દરિયાખાન ભટ્ટી સામે પણ છ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસાની શક્યતા

પોલીસે જણાવ્યું છે કે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ હથિયારોના સ્ત્રોત, સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો અંગે સઘન પૂછપરછ કરવામાં આવશે. તપાસ દરમિયાન વધુ ગેરકાયદેસર હથિયારો અથવા અન્ય આરોપીઓ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી મળવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now