Home International Pariksha Pe Charcha 2026 Pm Modi And Students From 5 States Including Gujarat Mann Ki Baat Promo Released

પરીક્ષા પે ચર્ચા 2026 : પીએમ મોદી અને બાળકોની મન કી બાતનો પ્રોમો રિલીઝ, ગુજરાત સહિત 5 રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે કરી ખાસ વાતચીત

પરીક્ષા પે ચર્ચા 2026
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 04:13 AM IST

બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓનો તણાવ દૂર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર 'પરીક્ષા પે ચર્ચા' (PPC) ના માધ્યમથી મેદાનમાં આવ્યા છે. PPCની 9મી એડિશનનો પ્રોમો (ટ્રેલર) તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં પીએમ મોદી દેશના અલગ-અલગ ખૂણેથી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જોવા મળી રહ્યા છે. આ વર્ષે સહભાગિતાના તમામ રેકોર્ડ તૂટી ગયા છે અને કાર્યક્રમનું કદ વૈશ્વિક સ્તરે વિસ્તર્યું છે. પ્રોમોમાં પીએમ મોદી વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરને દૂર કરી 'એક્ઝામ વોરિયર' બનવાની પ્રેરણા આપી રહ્યા છે.

ગુજરાતના દેવ મોગરા સહિત 5 સ્થળોના બાળકો સાથે સંવાદ

રિલીઝ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે પીએમ મોદીએ દિલ્હી, કોઈમ્બતુર (તમિલનાડુ), રાયપુર (છત્તીસગઢ), ગુવાહાટી (આસામ) અને ખાસ કરીને ગુજરાતના દેવ મોગરા ના વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે. બાળકોએ પીએમ મોદીને અત્યંત રસપ્રદ અને વ્યવહારુ પ્રશ્નો પૂછ્યા હતા, જેમ કે:

  • સપનાની નજીક કેવી રીતે પહોંચવું?

  • જીવનમાં પ્રેરણા (Inspiration) વધુ મહત્વની છે કે અનુશાસન (Discipline)?

  • આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ?

  • પરીક્ષાના તણાવને કેવી રીતે હેન્ડલ કરવો?

પીએમ મોદીની ખાસ ટિપ્સ: "લખવાની આદત પાડો"

વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપતા પીએમ મોદીએ કેટલીક પાયાની વાતો સમજાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિદ્યાર્થીઓએ 'લખવાની આદત' પાડવી જોઈએ, જે યાદ રાખવામાં અને સ્પષ્ટતા લાવવામાં મદદ કરે છે. પીએમએ બાળકોનો ઉત્સાહ વધારતા કહ્યું કે, "દરેક વ્યક્તિને બધું જ આવડતું હોય તે જરૂરી નથી, પરંતુ દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ખાસિયત તો ચોક્કસ હોય જ છે." આ સંદેશ દ્વારા તેમણે બાળકોને પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવાની શીખ આપી છે.

6.76 કરોડથી વધુ રજિસ્ટ્રેશન: જન આંદોલન બની 'પરીક્ષા પે ચર્ચા'

PPCની આ 9મી આવૃત્તિમાં સહભાગિતાના આંકડા ચોંકાવનારા છે. આ વર્ષે કુલ 6.76 કરોડથી વધુ લોકોએ આ અભિયાનમાં ભાગ લીધો છે. જેમાં:

  • 4.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ સીધું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

  • 2.26 કરોડથી વધુ લોકોએ વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા ભાગ લીધો છે. નોંધનીય છે કે 2018 માં જ્યારે આ કાર્યક્રમ શરૂ થયો ત્યારે માત્ર 22 હજાર સહભાગીઓ હતા, જે આજે કરોડોમાં પહોંચી ગયા છે.

વર્લ્ડ રેકોર્ડ બનાવનાર 8મી એડિશનની યાદો

ગયા વર્ષે (2025માં) યોજાયેલી 8મી એડિશનમાં 'પરીક્ષા પે ચર્ચા' એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં 245 થી વધુ દેશોના વિદ્યાર્થીઓ, 153 દેશોના શિક્ષકો અને 149 દેશોના વાલીઓએ ઓનલાઇન કે ઓફલાઇન માધ્યમથી જોડાણ કર્યું હતું. નવી દિલ્હીની સુંદર નર્સરીમાં આયોજિત તે કાર્યક્રમમાં દેશના દરેક રાજ્યના વિદ્યાર્થીઓને પીએમ સાથે રૂબરૂ મળવાની તક મળી હતી.

ફેબ્રુઆરીમાં યોજાશે મુખ્ય કાર્યક્રમ

જોકે હજુ સુધી 'પરીક્ષા પે ચર્ચા 2026' ની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં પીએમ મોદી મુખ્ય કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. ટૂંક સમયમાં જ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now