Home Gujarat Paresh Goswami On Ambalal Patel Weather Forecast Stops After Jayant Pandya Row

'અંબાલાલ કાકાને ટોર્ચર કરીને નિવૃત્તિ લેવડાવવામાં આવી' : પરેશ ગોસ્વામીનો વિજ્ઞાનજાથા પર આકરો પ્રહાર

Ambalal Patel Weather Forecast
Play Video
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: Jul 13, 2026, 10:14 AM IST

Ambalal Patel Weather Forecast: ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલને લઈને શરૂ થયેલો વિવાદ હવે વધુ ગંભીર બન્યો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના નિવેદન બાદ અંબાલાલ પટેલે વર્ષોથી કરતા આવેલા હવામાન અનુમાનને બંધ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોના હિતમાં લાંબા સમયથી નિઃસ્વાર્થ ભાવથી આગાહીઓ કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે જો તેમની આગાહીના કારણે સતત વિવાદ ઊભા થઈ રહ્યા હોય અને તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોય તો તેઓ હવે હવામાન અંગે જાહેર આગાહી નહીં કરે. અંબાલાલ પટેલના આ નિર્ણય બાદ રાજ્યભરના ખેડૂતો, તેમના અનુયાયીઓ અને હવામાનમાં રસ ધરાવતા લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. આ દરમિયાન જાણીતા હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી પણ ખુલ્લેઆમ અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા છે. તેમણે વિજ્ઞાન જાથાની ટીકા કરતાં કહ્યું કે ભારતની પરંપરાગત જ્ઞાનપદ્ધતિ અને વર્ષોનો અનુભવ ધરાવતા આગાહીકારોનું અપમાન કરવું યોગ્ય નથી.

'ખેડૂતોના હિતમાં આગાહી કરતો હતો, કોઈ સંસ્થા માટે નહીં'

અંબાલાલ પટેલે પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ વર્ષોથી માત્ર ખેડૂતો અને સમાજના હિત માટે હવામાનની આગાહી કરતા આવ્યા છે. તેઓ કોઈ ખાનગી સંસ્થા કે સરકારી એજન્સી માટે કામ કરતા નથી અને કોઈ વ્યક્તિગત સ્વાર્થ વિના સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, "જો મારી આગાહીને લઈને સતત વિવાદ ઊભા થતા હોય અને લોકોને લાગે કે મારી આગાહીથી નુકસાન થાય છે, તો હું હવામાનની જાહેર આગાહી બંધ કરું છું." આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો માહોલ ગરમાયો છે.

પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા

અંબાલાલ પટેલની જાહેરાત બાદ હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ તેમનું સમર્થન જાહેર કર્યું. તેમણે કહ્યું કે ભારતમાં વરસાદની આગાહી બે અલગ-અલગ પદ્ધતિથી કરવામાં આવે છે. એક આધુનિક હવામાન વિજ્ઞાન અને સેટેલાઇટ ડેટાના આધારે, જ્યારે બીજી પ્રાચીન ભારતીય પરંપરા, ગ્રહ-નક્ષત્ર અને ભડલી વાક્યોના અભ્યાસના આધારે કરવામાં આવે છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરામાં હવામાન વિશેનો અભ્યાસ હજારો વર્ષ જૂનો છે અને ઘણા ખેડૂતો આજે પણ આવી આગાહીઓના આધારે ખેતી સંબંધિત નિર્ણયો લે છે.

આ પણ વાંચો: "અંબાલાલને તો પદ્મશ્રી આપવો જોઈએ, એમનું અપમાન નહીં સહન કરીએ" : વિજ્ઞાન જાથાને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ફેંક્યો પડકાર, આવી જાઓ મેદાનમાં

'અંબાલાલ પટેલે ખેડૂતો માટે નિઃસ્વાર્થ સેવા આપી છે'

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અંબાલાલ પટેલ લાંબા સમયથી કોઈપણ પ્રકારના વ્યક્તિગત લાભ વિના ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમના મતે કોઈપણ આગાહી 100 ટકા સચોટ હોવી શક્ય નથી, પરંતુ જો મોટાભાગની આગાહી સાચી પડે તો તેને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. તેમણે કહ્યું કે, થોડા ટકા આગાહી ખોટી પડવાના આધારે કોઈ વ્યક્તિને નિશાન બનાવી માનસિક હેરાનગતિ કરવી યોગ્ય નથી અને તે ખેડૂતોના હિતમાં પણ નથી.

વિજ્ઞાન જાથા સામે કડક પ્રતિક્રિયા

પરેશ ગોસ્વામીએ વિજ્ઞાન જાથાની કામગીરી અંગે પણ સવાલો ઉઠાવ્યા. તેમણે દાવો કર્યો કે જ્યારે ખેડૂતોને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અથવા અન્ય કુદરતી આફતોના કારણે નુકસાન થાય છે ત્યારે વિજ્ઞાન જાથા મૌન કેમ રહે છે? તેમણે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને અસર કરતા અન્ય ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા થવી જોઈએ અને માત્ર આગાહીકારોને નિશાન બનાવવાથી ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ આવવાનો નથી.

આ પણ વાંચો: અંબાલાલ પટેલ હવે નહીં કરે હવામાન અંગેની આગાહી : જયંત પંડ્યાના નિવેદન બાદ અંબાલાલ પટેલે કર્યો નિર્ણય

56 લાખ ખેડૂતો સાથે આંદોલનની ચેતવણી

પરેશ ગોસ્વામીએ ચેતવણી આપી કે જો વિજ્ઞાન જાથા દ્વારા પરંપરાગત આગાહીકારો સામે આ પ્રકારના નિવેદનો ચાલુ રહેશે તો તેઓ રાજ્યના લાખો ખેડૂતો સાથે મળીને વિરોધ આંદોલન કરશે. તેમણે સરકાર પાસે સમગ્ર મુદ્દાની તપાસ કરવાની પણ માંગ કરી અને જણાવ્યું કે ખેડૂતોના હિતને અસર કરતા મુદ્દાઓને ગંભીરતાથી જોવાની જરૂર છે.

વિવાદ હજુ યથાવત્

જયંત પંડ્યાના નિવેદન બાદ શરૂ થયેલો આ વિવાદ હવે હવામાન આગાહી, વૈજ્ઞાનિક અભિગમ અને પરંપરાગત જ્ઞાન વચ્ચેની ચર્ચામાં ફેરવાયો છે. એક તરફ વિજ્ઞાન આધારિત આગાહી પર ભાર મૂકાઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ પરંપરાગત આગાહી પદ્ધતિના સમર્થકો તેનો બચાવ કરી રહ્યા છે. હાલ અંબાલાલ પટેલે જાહેર આગાહી બંધ કરવાની જાહેરાત કરી છે, જ્યારે સમગ્ર મુદ્દે વિજ્ઞાન જાથા તરફથી આગામી દિવસોમાં કોઈ વધુ સ્પષ્ટતા આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now