પંચમહાલ: હાલમાં લગ્નસરાની ધૂમ સીઝન ચાલી રહી છે અને અનેક સામાજિક તેમજ કોર્પોરેટ પ્રસંગોનું આયોજન થઈ રહ્યું છે. પરંતુ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ માટે આ સમય અત્યંત કપરો સાબિત થઈ રહ્યો છે. છેલ્લા 15 થી 20 દિવસથી રાંધણ ગેસના કોમર્શિયલ સિલિન્ડરનો પૂરતો જથ્થો ન મળવાને કારણે આ વિસ્તારના આશરે 250 જેટલા કેટરર્સનો વ્યવસાય સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવા પામ્યો છે. ગેસ સિલિન્ડરના અભાવે ઓર્ડર હોવા છતાં રસોઈ બનાવી શકાતી નથી, જેના કારણે યજમાનો અને કેટરર્સ બંને મુશ્કેલીમાં મુકાયા છે.
આ ગંભીર સમસ્યાને લઈને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા કેટરિંગ એસોસિએશનના હોદ્દેદારોએ આજે જિલ્લા પુરવઠા અધિકારીને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું. એસોસિએશનની રજૂઆત છે કે, નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કોમર્શિયલ ગેસનો વપરાશ સૌથી વધુ હોય છે, છતાં છેલ્લા એક મહિનાથી ગેસની બોટલો પૂરી પાડતી ગાડીઓ આવતી નથી. આ સ્થિતિને કારણે માત્ર વેપારીઓ જ નહીં, પણ તેમની નીચે કામ કરતા હજારો મજૂરો અને સપ્લાયર્સ પણ બેરોજગાર બન્યા છે. જો વહેલી તકે ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો કેટરિંગ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.
250 થી વધુ કેટરર્સ અને હજારો પરિવારોની રોજીરોટી પર અસર
કેટરિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર, પંચમહાલ સહિતના ત્રણ જિલ્લામાં અંદાજે ૨૫૦ જેટલા નાના-મોટા કેટરર્સ કાર્યરત છે. દરેક કેટરર સાથે મજૂરો, રસોઈયા અને અન્ય સપ્લાયર્સ મળીને મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હોય છે. છેલ્લા 15-20 દિવસથી ધંધો બંધ રહેતા આ તમામ શ્રમિકો માટે રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે. IOC અને BPCL જેવી કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસનો જથ્થો ફાળવવામાં વિલંબ થતો હોવાનું એસોસિએશનનું માનવું છે.
લગ્ન પ્રસંગોમાં હાલાકી: ઓર્ડર હોવા છતાં કામ કરવામાં મુશ્કેલી
હાલમાં અનેક શુભ પ્રસંગો અને લગ્નો હોવાથી કેટરર્સ પાસે એડવાન્સ બુકિંગ છે. પરંતુ ગેસ સિલિન્ડર ન મળતા કેટરર્સ માટે રસોઈ તૈયાર કરવી અશક્ય બની રહી છે. એસોસિએશને પુરવઠા વિભાગને વિનંતી કરી છે કે, સીઝનનો સમય હોવાથી પ્રાથમિકતાના ધોરણે કોમર્શિયલ ગેસના સિલિન્ડરનો જથ્થો ફાળવવામાં આવે જેથી કરીને સામાજિક પ્રસંગોમાં કોઈ વિઘ્ન ન આવે અને ગરીબ શ્રમિકોને તેમનું કામ પાછું મળી શકે.






